અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કૌભાંડની તપાસનો અંત

2017ના વર્ષમાં રોડ તૂટવા બદલ એડિશનલ ઈજનેર કક્ષાના 7 અધિકારીઓને નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી પીએ પટેલ ચાર્જ સંભાળતા હતા જ્યારે અન્ય 6 એડિશનલ પૈકી ત્રણને દંડ કરી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કૌભાંડની તપાસનો અંત

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) બહુચર્ચિત રોડ કૌભાંડની (Road scam) તપાસનો અંત આવ્યો છે તથા કસુરવાર સાબિત થયેલ ઈજનેર અધિકારીઓને દંડ અને ચાર્જશીટ આપવા સુધીની સજા કરવામાં આવી છે. મ્યુનિસિપલ વિજીલન્સ તપાસ પૂર્ણ થયા બાદ સજાના પ્રથમ ભાગમાં વોર્ડ લેવલના અધિકારીઓને રૂ. 50 હજાર સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. સજાના બીજા ભાગમાં દોષિત અધિકારીઓના ઈજાફા કાપી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા અને અંતિમ ભાગમાં 23 અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે. તેમની તપાસ માટે નિવૃત્ત જજની નિમણુંક કરવામાં આવશે.

2017ના વર્ષમાં રોડ તૂટવા બદલ એડિશનલ ઈજનેર કક્ષાના 7 અધિકારીઓને નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી પીએ પટેલ ચાર્જ સંભાળતા હતા જ્યારે અન્ય 6 એડિશનલ પૈકી ત્રણને દંડ કરી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જયારે ત્રણ એડીશનલ સિટી ઇજનેરોને ચાર્જશીટ આપવમાં આવી છે. જે ઉચ્ચ અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે તેમાં વર્તમાન સીટી ઈજનેર નરેન્દ્ર.કે.મોદી તથા રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હિતેષ કોન્ટ્રાક્ટરના નામ મુખ્ય છે. નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશ્નરે જ નરેન્દ્ર ભાઈ મોદીને સીટી ઈજનેર પદે પ્રમોશન આપ્યુ છે. તેમની સામે વિજીલન્સ તપાસ ચાલી રહી હોવા છતાં અગમ્ય કારણોસર તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતુ. સીટી ઈજનેર એક વર્ષમાં નિવૃત્ત પણ થઈ રહ્યાં છે. તેથી તપાસ સમયસર પૂર્ણ નહીં થાય તો ભૂતકાળમાં અનેક કિસ્સામાં થયુ છે તેમ કોઈપણ પ્રકારના લાભ રોક્યા વિના માનભેર વિદાય થાય એવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

સીએમના હસ્તે કાલથી કાંકરીયા કાર્નિવલનો પ્રારંભ, તંત્રએ તૈયારીને આપ્યો આખરી ઓપ

મ્યુનિસિપલ કમિશ્નરે જે ત્રણ એડિશનલ સીટી ઇજનેરને રાહત આપી છે તેમાં રાખીબેન ત્રિવેદી, એચ.ટી.મહેતા અને અમિત પટેલનો સમાવેશ થાય છે. ડેપ્યુટી સીટી ઈજનેર પી.એ.પટેલ તે સમયે એડિશનલ સીટી ઇજનેરનો ચાર્જ સંભાળતા હતા તેમને પણ દંડ કરવામાં આવ્યો છે. એડિશનલ ઈજનેર અધિકારીઓને રૂ.1.80 લાખથી 2.25 લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કૌભાંડમાં ડેપ્યુટી ઈજનેર કક્ષાના ચાર, આસિસ્ટન્ટ સીટી ઈજનેર કક્ષાના સાત તથા આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના નવ અધિકારીઓને પણ ચાર્જશીટ આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓ તે  સમયે પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોન તથા રોડ પ્રોજેક્ટ ખાતામાં ફરજ બજાવતા હતા. પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં આકાશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જી.પી. ચૌધરીએ રોડ બનાવ્યા હતા. જેમાં હલકી ગુણવતાના માલ સામાન તથા બોગસ બિલીંગ જેવી ગેરરીતિઓ પણ આચરી હોવાનું બહાર આવતા બંન્ને કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ જાહેર કરવામાં આવ્યા છે.

એડિશનલ ઈજનેર અધિકારીઓ ને 40 તથા ડેપ્યુટી ઈજનેર અધિકારીઓને 41 જેટલી નોટીસો આપવામાં આવી હતી. રોડ ગેરરીતિ મામલે જે અધિકારીઓને સજા કરવામાં આવી છે તે પૈકી કેટલાંક અધિકારીઓ ખોટી રીતે દંડાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જયારે રાજકીય દબાણવશ કેટલાક ઉચ્ચ અધિકારીઓને ઓછી સજા કરીને રાહત આપવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news