અમદાવાદની ગરમીને દૂર ભગાડવા માટે AMCએ બનાવ્યો અનોખો પ્લાન, જાણો શું છે...
વિસ્તાર વધવાની સાથે-સાથે અમદાવાદ શહેરનું ગ્રીન કવર પણ ઘટતું ગયું છે અને તેની સામે આભને આંબતી કોંક્રિટની ઈમારતોનું જંગલ ઊભું થયું છે, વૃક્ષોના અભાવમાં શહેરમાં છેલ્લા 5 વર્ષથી રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે, દર 6 વ્યક્તિએ 1 વૃક્ષનું પ્રમાણ બનાવવાનું કોર્પોરેશનનું આયોજન
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. આથી હવે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા અનોખું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનીસીપલ કોર્પોરેશન શહેરના દરેક ઝોનના દરેક વોર્ડમાં મોટાપાયે વૃક્ષા રોપણ કરવાનું આયોજન કરી રહ્યું છે. અગામી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં 10 લાખ જેટલા વૃક્ષો વાવીને તેનું જતન થાય તે માટે જે તે વિસ્તારમાં સોસાયટીઓની જવાબદારી પણ નક્કી કરાશે. આ રીતે શહેરનું ગ્રીન કવર વધારવા માટે AMC દ્વારા કમર કસવામાં આવી છે.
અમદાવાદનો વિસ્તાર વધવાની સાથે-સાથે શહેરનું ગ્રીન કવર પણ ઘટતું ગયું છે અને તેની સામે આભને આંબતી કોંક્રિટની ઈમારતોનું જંગલ ઊભું થયું છે. હાલમાં અમદાવાદ શહેરમાં ગ્રીન કવર માત્ર 4.25% જ છે, જેની સામે અમદાવાદની વસતી 60 લાખથી પણ વધુ છે. અમદાવાદ શહેરમાં માત્ર 6.25 લાખ જેટલા જ વૃક્ષો હયાત છે. જેને વધારવા અમદાવાદ મનપા તમામ વોર્ડ અને ઝોનમાં બેઠક યોજીને મહત્તમ ઝાડ ઉગાડવા કવાયત હાથ ધરશે.
દર 6 વ્યક્તિએ એક વૃક્ષનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી ચોમાસા દરમિયાન શહેરમાં 10 લાખ વૃક્ષોનું રોપણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદની વસતી 60 લાખથી વધુ છે. એટલે કે, સરેરાશની દૃષ્ટિએ જોઈએ તો AMC 10 લાક્ષ વૃક્ષનું રોપણ કરીને દર 6 વ્યક્તિએ 1 વૃક્ષનું પ્રમાણ ઊભું કરવા માગે છે. જો, સાચે જ આમ થશે તો શહેરની રોનક બદલાઈ જશે.
વેબસાઈટ દ્વારા પ્રોત્સાહન
વર્તમાનમાં કોર્પોરેશન રોડ પરના ડીવાઈડર, ફૂટપાથ, ખુલ્લા પ્લોટ, રીંગરોડ પર મહત્તમ વૃક્ષો રોપી તેનું જતન થાય તેની કાળજી લેવાનું આયોજન કરી રહી છે. આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા AMCની વેબસાઈટના માધ્યમથી લોકો જોડાઈ પણ શકે છે. અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ અને સોસાયટીઓના માધ્યમથી આશરે 35,000 લોકો જોડાઈ પણ ચુક્યા છે.
એક પરિવાર, એક વૃક્ષ
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા શહેરીજનોને પરિવારદીઠ એક વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી હતી. જો કોઈ સંસ્થા વૃક્ષો ડોનેટ કરવા માગે અથવા પોતાની સોસાયટીમાં વૃક્ષો વાવવા ઈચ્છે તો પણ તે કોર્પોરેશનનો સંપર્ક સાધી શકે છે. માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેનું જતન થાય અને આગામી 5 વર્ષમાં અમદાવાદને ગ્રીન સિટીમાં સ્થાન હાંસલ થાય તેવા ઉદ્દેશ સાથે આ વૃક્ષા રોપણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે