અમદાવાદમાં બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? વાસણા બેરેજના દરવાજા ખોલાયા, મીઠાખળી અંડરપાસમાં બંધ

Ahmedabad Heavy Rains: અમદાવાદમાં એક કલાકમાં જ તોફાની વરસાદ શરૂ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જોધપુરમાં પણ  1 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? વાસણા બેરેજના દરવાજા ખોલાયા, મીઠાખળી અંડરપાસમાં બંધ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વિવિધ સ્થળે 15 ઝાડ પડવાના કોલ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 9, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 અને મધ્યઝોનમાં એક વૃક્ષ પડવાના કેસ નોંધાયા છે. ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં અનેક કોલ નોંધાયા છે. રાયખડ સહિત 5 સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા છે. જ્યારે આશ્રમ રોડ પર બાટા શોરૂમ પાસે એક બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતા કેટલાક લોકો ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે.

અમદાવાદમાં વરસાદના આંકડા
અમદાવાદમાં એક કલાકમાં જ તોફાની વરસાદ શરૂ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જોધપુરમાં પણ  1 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. સરખેજ, ગોતામાં 1 કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. પાલડી, ઉસ્માનપુરા, ચાંદલોડિયામાં 2-2 ઈંચ વરસાદ અને મણીનગર, રાણીપ, વિરાટનગરમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વસ્ત્રાપુર, જીવરાજપાર્કમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. ભારે વરસાદમાં લોકોના વાહનો બંધ થવાના પણ સમાચાર પણ મળી રહ્યા છે. વાસણા બેરેજના 5 દરવાજા ખોલાવાની ફરજ પડી છે. પાણીનું રૂરલ લેવલ જાળવવા 5 દરવાજા ખોલાયા છે. ભારે પવનથી 15 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.

વરસાદને પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના કંટ્રોલરૂમમાં વાડજ વિસ્તારમાં પણ પાણી ભરવાની ફરિયાદો મળી છે. વરસાદને લઈને કોર્પોરેશન દ્વારા શહેરમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.

વરસાદે ખોલી તંત્રની પોલ
શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ જતા ભારે હાલાકી પડી હતી. પ્રિમોન્સુન કામગીરીના દાવા વચ્ચે કમોસમી વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન પણ શહેરીજનોને આ જ પ્રકારની હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news