AMCની સંસ્થાઓ મચ્છરો માટે સુરક્ષિત રહેવાનું નગર બની! કેવી રીતે હેલ્થ વિભાગના દાવાઓની ખૂલી પોલ
હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દર રોજ જુદા જુદા ખાનગી સ્થળોએ જઈ મચ્છરોના લાર્વાની તપાસ હાથ ધરે છે. Amc જે સાઈટ ઉપર મચ્છરોના લાર્વા મળી આવે ત્યાંથી દંડ વસુલ કરે છે.
Trending Photos
અમદાવાદ: શહેરમાં હાલ મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે. વરસાદી પાણી અથવા ભરાવા થયેલા ચોખ્ખા પાણીમાં મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેની સામે AMCનું આરોગ્ય વિભાગ કામગીરી કરતુ હોવાના બણગા ફૂંકે છે. પણ ફોગીંગ, દવાનો છંટકાવ, લાર્વાની વિવિધ સાઇટ્સ ઉપર જઈ તપાસ કરવાની કામગીરી માત્ર ખાનગી એકમો સુધી જ સીમિત છે. તેની સામે AMCની ખુદની સંસ્થાઓ મચ્છરો માટેનું નગર બની ગઈ છે.
હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દર રોજ જુદા જુદા ખાનગી સ્થળોએ જઈ મચ્છરોના લાર્વાની તપાસ હાથ ધરે છે. Amc જે સાઈટ ઉપર મચ્છરોના લાર્વા મળી આવે ત્યાંથી દંડ વસુલ કરે છે. એકમને સીલ કરી દે છે પણ ખુદની પ્રિમાઇસિસમાં કોઈ કામગીરી કરતી નથી. આ માટેનું રિયાલિટી ચેક કરવા અમરાઈવાળી AMCના ગોડાઉન, ગોમતીપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સરસપુરના સ્નાનાગારમા તપાસ કરી હતી. અહીંની સ્થિતિ આરોગ્ય વિભાગના તમામ દાવાઓ ઉપર મોટા સવાલો ઉભા કરી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં મનપા એ લોકો પાસેથી 5 લાખ જેટલો દંડ વસુલ કર્યો છે. જયારે છેલ્લા 15 દિવસમાં 45 હજારથી વધુનો વહીવટી દંડ વસુલ કર્યો હોવાનું હેલ્થ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે.
પણ આ તમામ દાવાઓ AMCની પ્રિમાઇસિસ જોતા પોકળ સાબિત થઇ જાય છે. સૌપ્રથમ અમરાઈવાડી ખાતે આવેલા amc એસ્ટેટ વિભાગના પ્લોટમાં જ્યાં amc દબાણ દૂર કરતા સમયે જપ્ત કરેલી સામગ્રીઓ મૂકે છે. અહીં તમામ સામગ્રીમાં પાણીનો ભરાવો અને તેમાં મચ્છરોના લાર્વા મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. ત્યારબાદ ઝી 24 કલાકની ટીમ ગોમતીપુરના અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં લોકો સારવાર લેવા આવે છે ત્યાં AMC ની ઘોર બેદરકારી જોવા મળી હતી. અહીં તો પીવાના પાણીની ટાંકીમાં જ અસંખ્ય મચ્છરો મળી આવ્યા હતા. પીવાના પાણીની ટાંકીમાંથી એક ડોલ કાઢી જયારે તપાસ હાથ ધરી તો હજારોની સંખ્યામાં મચ્છરો મળી આવ્યા હતા. પણ જાણે AC ચેમ્બરમા બેસેલા અધિકારીઓને આમ જનતા કઈ રીતે આવું પાણી પી રહી છે તેની કઈ પડી નથી.
અહીંથી ઝી 24 કલાકની ટીમ સરસપુર સ્નાનાગરમાં ગઈ. અહીં બે મહિનાથી લાઈનમાં લીકેજ છે. પરિણામે કાયમી પાણી ભરાવવાની સમસ્યા રહે છે. જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જો કે આ તમામ સ્થિતિ વચ્ચે હેલ્થ વિભાગનું કહેવું છે કે તેઓ દરરોજ ટીમ બનાવી શહેરના દરેક વોર્ડમાં કામગીરી કરે છે. એવી જ કામગીરી મનપાની પ્રિમાઇસિસમાં પણ કરવામાં આવે છે. છેલ્લા 15 દિવસથી તો સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
જો કે હેલ્થ કમિટીના ચેરમેને કરેલા તમામ દાવાઓનો છેદ ઉડાડતા વિપક્ષે મનપાને સવાલોના ઘેરામાં ઉભા કર્યા, વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે મનપાએ 13 કરોડ રૂપિયા તો માત્ર ફોગીંગના નામે જ ખર્ચી નાખ્યા છે. છતાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. મનપા લોકો પાસેથી તો દંડ વસુલ કરે છે પણ ખુદ પોતાની પ્રિમાઇસિસમા મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે કશું જ કરતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે