અમદાવાદીઓ ચેતી જજો! સ્થિતિ ચિંતાજનક, મુંબઈ કરતા વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં દરરોજ કોરોના નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની સ્થિતિ મુંબઈ કરતા પણ ચિંતાજનક બની ગઈ છે. 

અમદાવાદીઓ ચેતી જજો! સ્થિતિ ચિંતાજનક, મુંબઈ કરતા વધુ કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં પણ કોરોના દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8391 કેસ સામે આવ્યા છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો ત્યાં 138 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 24 કલાકની અંદર 6 લોકોના મૃત્યુ પણ થયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં મુંબઈ કરતા પણ વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6032 કેસ સામે આવ્યા છે. 

ઉત્તરાયણ બાદ કેસમાં મોટી સંખ્યામાં વધારો
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના તહેવાર બાદ કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. અમદાવાદમાં ગુજરાતના 40-50 ટકા કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં ફરી કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાઇનો પણ જોવા મળી રહી છે. જો હજુ લોકો નિયમોનું પાલન નહીં કરે તો સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. 

અમદાવાદ શહેરમાં 104 માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન સક્રિય
અમદાવાદ કોર્પોરેશન કોરોના કેસની સાથે માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વધારો-ઘટાડો કરી રહ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 20 માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર ઘટાડવામાં આવ્યા છે, જ્યારે નવા 19 માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર સામેલ કરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 104 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર થયા છે. 

અમદાવાદમાં અત્યાર સુધી નોંધાયેલા કેસ
અમદાવાદમાં કોરોના કાળની શરૂઆતથી લઈને અત્યાર સુધી 2 લાખ 94 હજાર 396 કેસ નોંધાયા છે. અહીં કોરોનાને લીધે અત્યાર સુધી 3629 લોકોના મૃત્યુ થયા છે. 

ગુજરાતમાં 20 હજારથી વધુ કેસ
રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 હજાર 966 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે આવ્યા બાદ આ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મંગળવારે પણ 17 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પરંતુ આજે તેનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 9 લાખ 77 હજાર 78 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10186 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news