ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટામાં ચોંકાવનારો ખુલાસો, 10 હજાર કરોડનુ કૌભાંડ હોવાની ગંધ
Cricket Satta In Ahmedabad : અમદાવાદ પીસીબીએ કરેલી સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગની રેડમાં દુબઇ સુધીના તાર હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આ કૌભાંડ બે હજાર કરોડનું નહિ પણ પાંચથી દસ હજાર કરોડનું હોવાનું મનાઇ રહ્યુ છે
Trending Photos
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ ગુના નિવારણ શાખા એ (પીસીબી) કરેલ ઓનલાઇન પૈસા કૌભાંડ મામલો દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે આ કૌભાંડ 10 હજાર કરોડનું હોવાની સંભાવના છે. અમદાવાદ પીસીબીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ પર કરેલી રેડ મામલે નવા ખુલાસા થયા છે. જે આ એકાદ બે હજાર કરોડનું નહિ પણ પાંચથી દસ હજારનું કૌભાંડ હોવાનું તપાસ એજન્સી માની રહી છે. સાથે જ હવે આ તપાસ માટે બે પીઆઇ, એક પીએસઆઇની એસઆઇટી બનાવવામાં આવી છે. જેનું સુપરવિઝન શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કરશે. શું થયા આ રેડમાં નવા ખુલાસા જોઇએ આ અહેવાલમાં..
અમદાવાદ પીસીબીએ કરેલી સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગની રેડમાં દુબઇ સુધીના તાર હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આ કૌભાંડ બે હજાર કરોડનું નહિ પણ પાંચથી દસ હજાર કરોડનું હોવાનું મનાઇ રહ્યુ છે. હાલ તો આ મામલે એસઆઇટી બનાવવામાં આવી છે. જે ટીમ હાલ આરોપીઓ પાસેથી મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસિસ કરી રહી છે. ત્યારે આ કેસમાં હવે દુબઈ સુધીના તાર હોવાથી ઇડી, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતના વિભાગોને જાણ કરાશે. સાથે જ તાજેતરમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે નોંધેલી રાકેશ રાજદેવની ફરિયાદ સુધીના તાર બાબતની પણ તપાસ કરાશે. હાલ પોલીસ દ્વારા ફોરેન્સિક એક્સપર્ટ, સીએ અને બેન્ક એક્સપર્ટ ની તપાસ માટે મદદ લેવાઇ રહી છે. ત્યારે આ ઇન્ટરનેશનલ સ્કેમ મહાદેવ એજન્સીના એમપીના સૌરભ ચંદ્રનાગર થકી ચાલતું હતું.
માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈએન ઘાસુરાએ જણાવ્યું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઇન્ટરનેશનલ કૌભાંડ ફ્રેન્ચાઇઝી બેઝ ચલાવાતું હતું. હાલ ટીમ દ્વારા બેન્કના નોડલને બોલાવી બેન્ક એકાઉન્ટની માહિતીઓ મંગાવવામાં આવી રહી છે. સાથે જ મુખ્ય સંચાલક મહાદેવ પાસે 50 થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી, જે દુબઇ બેઝ હોવાનું સામે આવ્યું છે. સાથે જ મહાદેવ પાંચ કરોડમાં નોન રીફન્ડેબલ એક ફ્રેન્ચાઇઝી વેચતો હતો. પકડાયેલા ચાર મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેક્નિકલ ટ્રેઇનિંગ પણ મેળવી હોવાનું સામે આવ્યુ છે.
છેલ્લા વર્ષોમાં અસંખ્ય અને અકલ્પનિય ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અનુમાન લગાવી બે વર્ષ માં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસ માની રહી છે. જેના આધારે સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ માત્ર દેખાડો છે, પણ આ કૌભાંડ કરોડોના ટ્રાન્ઝેકશન કરવાનું છે. અને તે પણ ઇન્ટલએક્ચ્યુઅલ સર્વિસના નામે વિદેશી કંપનીઓની આડમાં આ કરોડોનો ખેલ ચાલી રહ્યો હોવાનો દાવો તપાસ એજન્સી કરી રહી છે.
આ કૌભાંડના તાર દુબઇ સુધી તો પહોંચ્યા જ છે, પણ આ કૌભાંડ હજુ મોટુ નીકળે અને અનેક મોટા માથાના નામ સામે આવી શકે તેમ મનાઇ રહ્યું છે. તેમાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, હવાલા સાથે સંકળાયેલા લોકો પણ હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે હવે પોલીસ બધા આરોપીઓની સિટીઝનશીપ બાબતે તપાસ કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં શું મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે