આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા

ભરશિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા

અમદાવાદ: ભરશિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તો સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં પણ માવઠું પડ્યું છે. અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. જેને અનુલક્ષીને ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. 

- હાલમાં જીલ્લામાં ચણા, ઘઉ, તથા રાઇ કે અન્ય મરીમસાલા પાકોમાં નવીન વાવેતર થયેલ હોય તેવા પાકોમાં વરસાદી પાણી ભરાઇ ન રહે તે હેતુસર  કયારા તોડી સત્વરે પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવી જેથી પાણી ભરાવાના કારણસર પાક નિષ્ફળ જવાની શકયતાને નિવારી શકાય.
-  બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસની વીણી તાત્કાલિક ધોરણે કરી લેવી અને કપાસ સલામત જગ્યાએ રાખવો. 
- ખેડુતોએ શાકભાજી કે પોતાનો ઉત્પાદીત થયેલો પાક સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. ઘાસચારો વગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી જેથી વરસાદથી થનાર સંભવિત નુકશાનથી પાકને બચાવી શકાય. 
- કમોસમી વરસાદના સંજોગો જણાય તો શાકભાજી વગેરે ઊભા પાકોમાં પિયત ટાળવું તથા યુરીયા જેવા રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું જોઈએ. ઉભા પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવો નહી. 
- ખેતરમાં ખુલ્લા રહેલા પુળા કે ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. 
- બાગાયતી ફળ પાકો અને શાકભાજી કમોસમી વરસાદ પહેલા ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા. કમોસમી વરસાદ થાય તેવા સંજોગોમા ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાય તો તુરંત જ નિકાલ કરવો.
- એ.પી.એમ.સી માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકીને જ લઇ જવી. 
- પશુઓ માટેના ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઉડે નહીં તે સુનિશ્ચિત કરવું. બિયારણ અને ખાતર જેવા ખેતી ઇનપુટનો જથ્થો સુરક્ષિત રાખવો. 
- ખેતરની કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતાં મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news