સરકારની જાહેરાત બાદ તમારું વીજબિલ માફ કરવામાં આવ્યું છે કે કેમ?
સરકાર દ્વારા ૧૦૦ યુનિટ વીજબિલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત દ્વારા કેટલા લોકોના વીજબિલ માફ થયા અને લોકોને કેટલી રાહત થઈ છે તે જાણવા અમારી ઝી ૨૪ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી.
Trending Photos
કિરણસિંહ ગોહિલ, સુરત: લોકડાઉન સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળે તે માટે સરકાર દ્વારા ૧૦૦ યુનિટ વીજબિલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત દ્વારા કેટલા લોકોના વીજબિલ માફ થયા અને લોકોને કેટલી રાહત થઈ છે તે જાણવા અમારી ઝી ૨૪ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી.
કોરોના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન ને કારણે લોકોના ધંધા- રોજગાર ઠપ્પ થઈ ગયા હતા.ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની હાલત કફોડી બની હતી. આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વિજકંપનીના ગ્રાહકોને વિજબીલમાં ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અમારી ઝી ૨૪ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા કિમ વીજકંપનીની વિભાગીય કચેરી ખાતે પહોંચી હતી અને વીજ ગ્રાહકો પાસે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સરકારની જાહેરાત બાદ તમારું વીજબિલ માફ કરવામાં આવ્યું છે કે કેમ?
અમારી ઝી ૨૪ કલાકની ટીમે વિજકંપનીની કચેરીએ જઈ રિયાલિટી ચેક કરતા માલુમ પડ્યું હતું કે સરકાર દ્વારા જે વીજબિલ માફ કરવાની વાત કરવામાં આવી હતી. તેમાં કોઈ ગ્રાહકનું વીજબિલ હાલ માફ કરવામાં આવ્યું નથી. ગ્રાહકો તેમનું વિજબીલ ભરવા વિજકચેરીએ પહોંચ્યા હતા અને તેઓ પોતાનું પૂરું વીજબિલ ભરી રહ્યા હતા. તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તો ૧૦૦ યુનિટ વિજબીલમાં માફીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અમે જયારે બિલ ભરવા ગયા હતા અને ૧૦૦ યુનિટ માફ કરવાની વાત બીલ લેતા કર્મચારીને કરી ત્યારે કર્મચારીએ ચોખ્ખા શબ્દમાં ના કહી હતી કે હમણાં અમને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. તેથી હમણાં કોઈ યુનિટ માફ કરવામાં આવશે નહીં.
લોકડાઉનને કારણે નાના વેપારીઓને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો,નાના વેપારીઓની દુકાનો અને ધંધા બંધ થઈ જવાના કારણે તેઓની હાલત કફોડી બની હતી. તેથી સરકાર દ્વારા વીજબિલમાં ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાતને લઈ નાના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. હાલ વેપારીઓના વીજબિલ તો આવી ગયા છે પરંતુ વીજકંપનીમાં હાલ કોઈ માફી આપી રહ્યા નથી. જેથી તેઓ હાલ વિજબીલ ભરવા પણ કચેરીએ નથી જઈ રહ્યા છે.
કીમ દક્ષીણ ગુજરાત વીજકંપનીના ડે.એન્જીનીયર એસ.વી.શેખલીયાએ જણાવ્યું હતું કે હાલ તો કોઈ ગ્રાહકોના વીજબિલ માફ કરવામાં નથી આવ્યા કેમ કે અમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર આવ્યો નથી. પરંતુ હવે સરકારનો પરિપત્ર આવી ગયો છે જેથી જે ગ્રાહકો હાલ વીજબિલ ભરી ગયા છે તે ગ્રાહકોને બીજા નવા વીજબિલમાં તેમને આ રકમ બાદ આપવામાં આવશે. તેથી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનો સીધો ફાયદો વીજગ્રાહકોને મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે