લો બોલો! 2021માં થયેલી હત્યાનો ગુનો 2024માં નોંધાયો, પત્નીએ ખખડાવ્યા ગુજરાત હાઇકોર્ટના દ્વાર
વર્ષ 2021માં બનેલી ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશથી હત્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના પતિ તેની જ સોસાયટીમાં રહેતા મિત્ર સાથે બહાર ગયા હતા અને જે બાદ તેઓની લાશ મળી આવી હતી. જોકે હત્યા કરાઈ હોય તેવા કોઈ પુરાવાઓ ન મળી આવતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી પીએમ રિપોર્ટની રાહ જોઈ હતી..
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના મણિનગર પોલીસ સ્ટેશનમાં એક 45 વર્ષીય યુવકના શંકાસ્પદ મોત મામલે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2021માં બનેલી ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશથી હત્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના પતિ તેની જ સોસાયટીમાં રહેતા મિત્ર સાથે બહાર ગયા હતા અને જે બાદ તેઓની લાશ મળી આવી હતી. જોકે હત્યા કરાઈ હોય તેવા કોઈ પુરાવાઓ ન મળી આવતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી પીએમ રિપોર્ટની રાહ જોઈ હતી, જોકે અંતે પીએમ રિપોર્ટમાં બ્રેઈન હેમરેજથી મોત થઈ હોવાનું સામે આવ્યું છે. અને મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં પીટીશન કરતા કોર્ટના આદેશથી મણીનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય નીકીતાબેન અમિતભાઈ જેઠવાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી બે બાળકો અને સાસુ સાથે ભાડાના મકાનમાં રહે છે અને બંગ્લામાં રસોઈ બનાવવાનું કામ કરે છે. 23/12/2021 ના રોજ તેઓ રસોઈના કામથી ગયા હતા ત્યારે દિકરાએ ફોન કરી પિતાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તેવુ જણાવતા તેઓ દિકરા સાથે સિવિલ પહોંચ્યા હતા. જે બાદ તેઓના દિકરાએ જણાવ્યું હતું કે સાંજના સમયે 5 વાગે આસપાસ તેના પિતા અમિત જેઠવા ઘરે હાજર હતા, ત્યારે તેઓની સોસાયટીમાં રહેતા જગન શુક્લા ઘરે આવીને તેઓને બહાર લઈ ગયા હતા. જેના 2 કલાક બાદ જગન શુક્લાએ 7 વાગે ઘરે આવીને ફરિયાદીના દિકરાને જણાવ્યું હતુ કે તેના પિતાને હીરાભાઈ ટાવર પાસે કોઈ લોકો માર મારી રહ્યા છે અને જો તારા પિતા ત્યાં ન મળે તો રામબાર પોલીસ સ્ટેશન જજે. જેથી મહિલાએ દિકરા સાથે હીરાભાઈ ટાવર પાસે તપાસ કરતા પતિ ત્યાં ન મળતા રામબાગ મણિનગર પોલીસ સ્ટેશને ગયા હતા. જ્યાં તેઓની જાણ થઈ હતી કે તેમના પતિને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. જેથી તેઓ સિવિલ પહોંચ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં તેઓના પતિ બેભાન અવસ્થામાં હતા અને શરીરે અલગ અલગ જગ્યાએ ઈજાઓ જોવા મળી હતી. જ્યાં તબીબે નાનું અને મોટુ બન્ને મગજ ડેમેજ થયા હોવાનું તેમજ પાસરીએ તુટી હોવાની હકિકત જણાવી હતી. જે બાદ 24મી ડિસેમ્બરે સવારે 4 વાગે આસપાસ ફરિયાદીની પતિનું મોત થયું હતું. જે બાદ પોલીસે પીએમ કરાવી ફરિયાદીની પુછપરછ કરી હતી તેમજ મૃતક છેલ્લે જે મિત્ર જગન શુક્લ સાથે ગયા હતા તેની પુછપરછ કરી હતી. જોકે બાદમાં જગન શુક્લએ ફરિયાદીના ઘરે જઈને મારૂ નામ પોલીસને કેમ આપ્યું કહીને ગાળાગાળી કરી હતી.
25મી ડિસેમ્બર 2021 ના રોજ ફરિયાદી નીકીતાબેન જેઠવા પતિ અમિત જેઠવાની હત્યાની ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા, જોકે પોલીસે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને પીએમ નોટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાય, જે રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવાની વાત કરી હતી. જેના બીજા દિવસે પણ ફરિયાદી પોલીસ મથકે જતા પોલીસે તેઓના પતિનું ખૂન કરનાર કોઈ નજરે જોનાર વ્યક્તિ મળી આવ્યુ નથી જેથી પી.એમ નોટની રાહ જોવો તે આવશે પછી આગળની કાર્યવાહી થશે તેવી વાત કરી હતી. જે પછી પીએમ નોટ આવી ગયા બાદ તેમજ ગંભીર ઈજાઓના કારણે મોત થઈ હોય તેવો ઉલ્લેખ હતો જેથી નીકીતાબેન ફરી પોલીસ પાસે ગયા હતા પરંતુ પોલીસે આ બાબતે હાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે જેમ જણાવી ફરિયાદ લીધી ન હતી. અંતે મહિલાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 14 ફેબ્રુઆરી 2022 ના રોજ પીટીશન દાખલ કરાવી હતી.
જે પીટીશન અન્વ્યે ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ દ્વારા મણિનગર પોલીસને આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવાનો સૂચન કરાતા પોલીસે અમિત જેઠવાની હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટના સમયના કોઈ સીસીટીવી કે પ્રત્યક્ષદર્શી ન હોય હત્યા કરનારની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર બની ગઈ છે. અઢી વર્ષ જુની ઘટનામાં હવે પોલીસને કઈ કડી આ કેસમાં મદદરૂપ થાય છે તે જોવુ રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે