અમદાવાદઃ કોંગ્રેસ સમિતિનું સંગઠન જાહેર થતાં કાર્યકરો નારાજ, આપી રાજીનામાંની ચીમકી

શહેર કોંગ્રેસમાં રહેલા આંતરીક જૂથવાદને કારણે ચાર મહિના બાદ જાહેર થયેલા સંગઠનના માળખાને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 અમદાવાદઃ કોંગ્રેસ સમિતિનું સંગઠન જાહેર થતાં કાર્યકરો નારાજ, આપી રાજીનામાંની ચીમકી

ગૌરવ પટેલ/અમદાવાદઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માત્ર બે મહિનામાં માળખુ જાહેર કરવાનો દાવો કરવામાં આવ્યો  હતો જો કે શહેર કાંગ્રેસમાં રહેલા જૂથવાદના કારણે માળખું ચાર મહિનાના અંતે જાહેર થયુ અને માળખુ જાહેર થતાંની  સાથેજ વોર્ડના કાર્યકરોમાં રહેલી નારાજગી સામે આવવા લાગી છે. ચાંદખેડા અને લાંભાના કાર્યકરોએ તો પ્રદેશ  કાર્યાલય ખાતે જઇ રાજીનામા આપ્યા અને કેટલાક દિવસની મોહલત આપી છે. રાજીનામાની ચીમકી ઉચ્ચારી તો આ  વિરોધ હજુ પણ ઉગ્ર થાય તેવી સ્થિતિ છે. કારણ કે શહેરના મણિનગર, અમરાઇવાડી, વેજલપુર, સૈજપુરમાં વિરોધના  સૂર દેખાઇ રહ્યા છે. જો કે શહેર પ્રમુખે દાવો કર્યો છે બધુ બરાબર થઈ જશે. બધાને સમજાવી લેવામાં આવશે. તમામ  ધારાસભ્યો સાથે વાત કરીને નિર્ણય લેવાયો છે અને કોઇની અનદેખી કરવામાં આવી નથી.

શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રદર્શન હંમેશા નબળું રહ્યું છે. ત્યારે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોંગ્રેસને  મજબૂત બનાવવાના સપના વચ્ચે હાલ તો આંતરીક વિખવાદના કારણે વિવાદ વધ્યો છે. જેમાં શહેરના બે સિનિયર ધારાસભ્યોને નારાજ કર્યા હોવાનુ કારણ સામે આવ્યું છે. 

શહેરના ધારાસભ્યોના મતની બાદબાકી અને કાર્યકરોની નારાજગીને લઇને નિરીક્ષક અને શહેરના ધારાસભ્યોએ આ  મામલાને આંતરીક મામલો ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે પરિવારમાં કેટલીક નિયુક્તિઓને લઇને વિરોધ થતો  હોય છે પણ બધા સાથે બેસીને આ મામલાને ઉકેલીશું.

શહેરના અગ્રણીઓતો તમામ વિરોધ અને નારાજગી ઉકેલવાની વાતો કરી રહ્યાં છે પરંતુ શહેર સંગઠનની પહેલી જ  જાહેરાતમાં ઉભા થયેલા વિવાદે પ્રદેશ નેતાગીરીની પરેશાની ચોક્કસ વધારી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ કેટલા  વોર્ડમાંથી નારાજગીના સૂર ઉઠે છે તે જોવાનું રહેશે અને લોકસભાની ચૂંટણી અગાઉ સૌથી મોટા શહેરમાં કાંગ્રેસની આ  સ્થિતિ ભાજપાને વઘુ ફાયદો કરવેતો નવાઇ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news