ચોમાસામાં તમારા ઘરમાં આવતા મચ્છરોને ભગાડવા છે? તો તંત્રએ શોધી નાંખ્યો રામબાણ ઈલાજ
હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી અને પાણીના ખાબોચિયા ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્વવ આ સમયગાળા દરમિયાન વધતો હોય છે. મચ્છરને કારણે મેલેરિયા, ચીકનગુનિયા જેવાં રોગો પણ ચોમાસામાં માથું ઉચકે છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે સિહોરમાં અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. હાલ ચોમાસાની ઋતુના કારણે વરસાદી પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરને કારણે મેલેરિયા, ચીકનગુનિયા જેવાં રોગો પણ ચોમાસામાં માથું ઉચકે છે. ત્યારે તેને અટકાવવાનો રામબાણ ઇલાજ ભાવનગર આરોગ્ય તંત્રએ શોધી કાઢ્યો છે. બળેલા ઓઇલના ઓઇલ બોલ બનાવી મચ્છરની ઉત્પત્તિ અટકાવવા પ્રયોગ હાથ ધરાયો છે. બળેલાં ઓઇલના સામાન્ય પ્રયોગથી લોકો જાતે પણ મચ્છરનો ઉપદ્વવ ઘટાડી શકે છે. વપરાશ બાદ ફેકીં દેવામાં આવતાં બળેલા ઓઇલના ઓઇલ બોલ બનાવીને હેલ્થ વિભાગ દ્વારા પાણી ભરેલા ખાબોચિયામાં ફેંકવામાં આવ્યા હતા.
હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી અને પાણીના ખાબોચિયા ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્વવ આ સમયગાળા દરમિયાન વધતો હોય છે. મચ્છરને કારણે મેલેરિયા, ચીકનગુનિયા જેવાં રોગો પણ ચોમાસામાં માથું ઉચકે છે. ત્યારે તેને અટકાવવાં માટેનો રામબાણ ઇલાજ ભાવનગર આરોગ્ય તંત્રએ શોધી કાઢ્યો છે. વપરાશ બાદ ફેકીં દેવામાં આવતાં બળેલા ઓઇલના ‘ઓઇલ બોલ’ બનાવીને મચ્છરની ઉત્પત્તિ જ ન થાય તેવો પ્રયોગ હાથ ધર્યો છે, અને તે કારગત પણ સાબિત થઇ રહ્યો છે.
આ પ્રયોગમાં બળેલાં ઓઇલમાં જૂનાં કપડાં અને મોજાનો નાના બાળકો રમવાં માટે જે રીતે કપડાનો બોલ બનાવે છે તેવો બોલ બનાવીને આ કપડાના બોલને ઓઇલમાં પલાળવામાં આવે છે, અને તેને પાણી ભરાયેલાં ખાબોચિયામાં નાંખવામાં આવે છે. આ ઓઇલ બોલને ખાબોચિયામાં નાંખવાથી પાણીની સાથે ઓઇલ સમગ્ર ખાડા કે ખાબોચિયામાં પ્રસરણ પામે છે. આથી, આ ખાડામાં રહેલાં મચ્છરના પોરાને ઓક્સિજન મળવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે. તેથી તેને ઓક્સિજન મળવાનું બંધ થતાં તેની ઉત્પત્તિ આપોઆપ અટકી જાય છે.
સામાન્ય રીતે આવાં પાણી ભરાયેલાં ખાબોચિયામાં એક મચ્છર 100 થી 150 ઇંડા (પોરા) મૂકે છે. આવાં પાણીવાળા ખાબોચિયા મચ્છર માટે માફક વાતાવરણ પૂરું પાડે છે. જેથી મચ્છરની વસતિ ઝડપી ગતિએ વધે છે. પરંતુ માત્ર આ ઓઇલ ના પ્રયોગ ના કારણે તેમ થતું અટકી જાય છે અને તેથી મચ્છરની વસતિ વધવાનું પણ બંધ થઇ જાય છે. આ ઓઇલ બોલના પ્રયોગ બાદ જેમ-જેમ ખાડામાં પાણી ઓછું થતું જાય છે તેમ-તેમ ઓઇલ પણ તેની રીતે પરત સકોચાતું જાય છે, પરંતુ તેની અસર તેવી ને તેવી જ રહે છે.
જ્યારે ખાડામાં પાણી સૂકાઇ જાય છે, ત્યારે ઓઇલ બોલ ત્યાંનો ત્યાં પડ્યો રહે છે. અને ફરીથી જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે ફરીથી ઓઇલ બોલમાંથી ઓઇલ પ્રસરણ પામે છે, અને ફરીથી સમગ્ર ખાડામાં ફેલાઇને પોરાને વિકસીત થતાં રોકે છે. આ રીતે નકામા ઓઇલ દ્વારા મચ્છરોનો ઉપદ્વવ રોકી શકાય છે.
આ માટે સિહોર તાલુકામાં પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગામ માંથી આશા બહેનો દ્વારા બળેલું ઓઇલ ઉઘરાવવામાં આવ્યું હતું અને તેના‘ઓઇલ બોલ’ બનાવીને વિવિધ જગ્યાએ ભરાયેલ ખાબોચિયામાં નાંખવામાં આવ્યા હતા.
આ કામગીરી માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, આર.સી.એચ.ઓ. ડો. કોકીલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચંદ્રકાંત કણઝરીયાના સહકારથી‘ઓઇલ બોલ'' બનાવી મચ્છર અટકાવવાની કામગીરી સિહોર તાલુકામાં પ્રાથમિક ધોરણે હાથ ધરવામાં આવી રહી છે, ત્યાર બાદ જેમ-જેમ લોક સહયોગ મળે તેમ-તેમ તેને વિસ્તારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે