પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર: ગુજરાતના આ બે ખેડૂતો કમાઈ રહ્યા છે 34-35 લાખ રૂપિયા

આધુનિક જીવનશૈલીના કારણે 50 વર્ષથી નાની ઉમંરના લોકોમાં અનેક અસાધ્ય રોગોએ દેખા દેવા લાગી જેના મુળમાં જંતુ નાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો બે રોકટોક ઉપયોગ થકી ઉત્પાદીત થયેલ ખોરાકને કારણભુત ગણાવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર: ગુજરાતના આ બે ખેડૂતો કમાઈ રહ્યા છે 34-35 લાખ રૂપિયા

ગૌરવ પટેલ/અમદાવાદ: આધુનિક જંતુનાશક દવાઓ અને સંશોધિત રાસાયણિક ખાતરની હાજરી વચ્ચે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ અપનાવ્યો છે. ગાય આધારિત ખેતી કરી આજે ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે અને આવા ખેડૂતોને જોઇ સામાન્ય ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. 

આધુનિક જીવનશૈલીના કારણે 50 વર્ષથી નાની ઉમંરના લોકોમાં અનેક અસાધ્ય રોગોએ દેખા દેવા લાગી જેના મુળમાં જંતુ નાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો બે રોકટોક ઉપયોગ થકી ઉત્પાદીત થયેલ ખોરાકને કારણભુત ગણાવામાં આવે છે. આનો વિકલ્પ શુ હોઇ શકે? તેના જવાબ રૂપે પ્રાકૃતિક ખેતી કે ગાય આધારીત ખેતી ગણવામાં આવે છે. જ્યારે જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરની શોધ થઇ ન હતી ત્યારે માત્ર છાણીયા ખાતરથી ખેતી થતી હતી. 

જોકે વધારે ઉત્પાદનની આશાએ ખેડૂત રાસાયણિક ખાતર અને જંતુ નાશક દવાઓ તરફ વળ્યા. ખેડૂતોને ટુંકા ગાળે આનો ફાયદો મળ્યો, જેમ કે ઉત્પાદન વધ્યું. જોકે તેની સામે વધેલો ખર્ચ અને જમીનને થતુ અકલ્પનીય નુકસાન મળ્યુ, જેની સામે પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારીતે ખેતીમાં ઉત્પાદન વધારે મળે છે, જમીન સજીવન થાય છે અને તેના ઉત્પાદનના બજાર ભાવ વધારે મળતા હોવાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપવાની રહ્યા છે.

સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા વર્ષ 2015થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એક વિઘાથી પ્રાકૃતિક ખેતીની શરુઆત કરનાર ગજેન્દ્રસિહ આજે 30 વિઘાથી વધારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયેળ, કેળ, સરગવો, ખારેક તેમજ ધઉં અને ડાંગરની ખેતી કરી વાર્ષિક રૂ. 14-15 લાખ આવક તથા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. 19-20 લાખની આવક મેળવી રહ્યા છે. જાણીને નવાઇ લાગશે કે તેમના થકી ઉત્પન્ન થતા અનાજ અને દુધની બનાવટનું એડવાન્સ બુકીંગ થઇ જાય છે. તેઓ 80 રૂપિયા લીટર દૂધ, 20 રૂપિયા લીટર છાશ, 2500 રૂપિયા કિલો ઘી અને 1200 રૂપિયા કિલો માખણનું વેચાણ કરે છે. તેમનો દાવો છે કે પ્રાકૃતિક ખેતીથી જમીન નવસાધ્ય થઇ.

સાણંદ તાલુકના અન્ય ખેડૂત કાશીરામ વાધેલાએ પણ પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ અપનાવ્યો છે. સેવા સંસ્થાની પુરૂષ મંડળીમાં તેમના માથે આરોગ્યની જવાબદારી હતી. જેમાં તેમણે અનુભવ્યુ કે 50 વર્ષથી નાની ઉમંરના લોકોમાં રોગનું પ્રમાણ વધારે છે ત્યારે તેમણે પ્રાકૃતિક ખેતી તરફ જવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રાકૃતિક ખેતી અપવાની તો ગામના લોકોએ તેમની મશ્કરી કરી હાંસી ઉડાવી. તેમના ખેતરમાં પ્રથમ વર્ષે ઉત્પાદન પણ ઘટ્યુ. જો કે ભાવ ઉંચા મળવાને કારણે નફો થતાં તેઓ પ્રાકૃતિક ખેતીને વળગી રહ્યા છે. આજે તેઓ 20 વિઘા કરતાં વધારે જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જાતે ડાંગર અને ધઉનું મીલીંગ કરી નક્કી કરેલ ગ્રાહકમાં વેચાણ કરી રહ્યા છે. 

ગુજરાતમાં દિવસે દિવસે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની સંખ્યા અને જમીનમાં નાંધપાત્ર વધારો થઇ રહ્યો છે. વર્ષ 2020માં એક લાખ 22 હજાર 673 ખેડૂતો એક લાખ 38 હજાર 893 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હતા. ખેડૂતોની સંખ્યા વર્ષ 2022માં વધીને 2 લાખ 17 હજાર 214 અને જમીનનો વિસ્તાર 2 લાખ 46 હજાર 290 એકરે પહોંચ્યો. વર્ષ 2023માં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોમાં બમણા કરતાં પણ વધી ગયા. 31 મે 2023ના આંકડા પ્રમાણે રાજ્યમાં 5 લાખ 37 હજાર 305 ખેડૂત 5 લાખ 17 હજાર 588 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news