અમદાવાદ: 7 માસની જન્મેલી બાળકીને 53 દિવસની સારવાર બાદ મળ્યું જીવનદાન
Trending Photos
અમદાવાદ: 7 માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં અરૂણાબેનને ત્યાં પારણું બંધાયુ. ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી હતી. પરંતુ આ લાગણીઓ સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળખી માત્ર 650 ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો છે. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલીવખત હોવાના કારણે ખૂબજ પડકારજનક બની રહી છે. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર કરી જીવતદાન બક્ષ્યું છે. અરૂણાબેનની લક્ષ્મી 1 કિલો 200 ગ્રામ વજન સાથે ઘર આંગણે પ્રવેશી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.
ન્યુબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ (N.I.C.U.)ના ઇન્ચાર્જ ડો. સુચેતા મુનશી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં માત્ર 650 ગ્રામ જેટલું ઓછુ વજન ધરાવતા બાળકનો સૌ પ્રથમ કિસ્સો નોંધાયો છે. આંતરરાષ્ટ્રી ધારાધોરણો પ્રમાણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો 'વેરી લો બર્થ વેઈટ'ની કેટેગરીમાં સ્થાન પામે છે. ડો. મુનશીએ વધુમાં કહ્યું હતું કે, બાળક અધુરા માસે જન્મ્યુ તેમજ વજન પણ 650 ગ્રામ હોવાથી અનેક પ્રકારની જટિલતાઓ જેવી કે ફેફસાં અને મજગનો અપૂરતો વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિ નહિવત હોવાના લીધે બાળકને ન્યૂબોર્ન ઇન્ટેસિવ કેર યુનિટ (N.I.C.U.) ખાતે રાખી સારવાર આપવામાં આવી.
બાળકના જન્મ સમયે ફેફસા અલ્પ વિકસિત હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું છે. નવજાત શિશુએ પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ, પ્રોટીન અને અન્ય વિટામિન મળી રહે તે માટે 15 સેન્ટીમીટર જેટલી વાળ જેટલી પાતળી લાઇન નસમાં નાખવામાં આવી હતી. જેના દ્વાર સતત 23 દિવસ સુધી બાળખને પોષણ મળતુ રહ્યું. તાજા જન્મેલા બાળક માટે માતાનું ધાવણ ઉત્તમ ગણાય છે, જેથી બાળકના નાકમાં નળી નાખી માતાનું ધાવણ આપવામાં આવતું હતું.
આ પણ વાંચો:- GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે
અરવલ્લી જિલ્લાના ધનસુરાના વતની 26 વર્ષીય અરૂણાબેન ચમારની પ્રથમ સુવાવડના સમયે બાળકીને જન્મ આપતા આ સ્થિતિ ઉભી થઇ હતી. ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર, લોહીના ત્રાક-કણો ઓછા થતા તેમજ લિવર પર સોજાની ગંભીર તકલીફ ઉભી થતાં માતા અને બાળકના હિતમાં માત્ર 7 મહિને હોસ્પિટલમાં નોર્મલ ડિલેવરી કરાવી હતી. જ્યારે કોરોના સ્થિતિ અત્યંત ગંભીર હતી તેવા સંજોગોમાં કોઇપણ પ્રકારનો ટેસ્ટ કર્યા વિના ઝડપથી સારવાર પૂરી પાડવામાં આવી. માતાની ગંભીર સ્થિતિ હોવા છતાં પણ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા નોર્મલ ડિલેવરી કરાવીને માતા અને બાળક બંન્નેના જીવ બચાવી લીધા.
બાળકના સ્પર્શ સાથે માતાને તેની સાથે લાગણીનો સંબંધ હોય છે. બાળક પણ માતા સાથે લાગણીના સંબંધથી જોડાય તે ખૂબજ અનિવાર્ય છે. જેને કારણે બાળખનો શારીરિક વિકાસ ખૂબજ યોગ્ય રીતે થયા છે. હોસ્પિટલ દ્વારા કાંગારૂ મધર કેરની પણ વ્યવસ્થા કરી હતી. દિવસમાં 8થી 12 કલાક સુધી બાળકીને તેની માતાની છાતી પર રાખવામાં આવી હતી. આ સ્પર્શ અને સંપર્કથી બાળકને પોષણની સાથે સાથે તેનું વજન, રોગપ્રતિકારક શક્તિ અને તેની પાચનક્રિયાનો પણ પૂર્ણરૂપથી વિકાસ થયા છે. બે માસનું બાળક કે હજુ સુધી તેની માતાને જોઇને ઓળખી શખતું નથી પરંતુ તેની માતાના સ્પર્શ દ્વારા અનુભવાતી ગરમીના અહેસાસથી તેની માતાને તરત જ ઓળખી જાય છે.
બાળકની સારવારથી હર્ષઘેલી માતા અરૂણા કહે છે કે, મારી દિકરી અધુરા મહિને જન્મી હતી જેના પરિણામે અમે સતત 53 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રહ્યા છીએ. સિવિલમાં મારા અને મારા બાળકની ખુબ જ સરસ સારસંભાળ રાખવામાં આવી છે. સિવિલમાં અમને શ્રેષ્ઠ સારવાર, ભોજન, કાળજીપુર્વકના સ્તનપાન અંગે માર્ગદર્શન, રોગપ્રતિકારક શક્તિ મજબુત થાય તે માટે આપવામાં આવતી વિશિષ્ટ દવાઓ, હોસ્પિટલનું ઘર જેવું વાતાવરણ, તબીબો-સ્ટાફનો અભિગમની સાથે-સાથે સુચારૂ વ્યવસ્થાપન રહેલું છે.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં જ્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રસુતિ માટે નકારે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ સગર્ભા મહિલા અને અધુરા મહિને જન્મેલા બાળકો માટે સહારે બની રહી છે. બાળકની માતાને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તેની પણ સિવિલ દ્વારા ચિંતા કરીને પોષણયુક્ત આહારની વ્યવસ્થા કરી હતી. અંદાજિત 4થી 5 લાખ રૂપિયા જેટલો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આ સારવાર માટે લેવામાં આવતો હોય છે પરંતુ સિવિલ ખાતે તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આટલું જ નહિ બાળકને રજા આપ્યા પછી પણ ન્યુબોર્ન ઈન્ટેસિવ કેર યુનિટના તમામ સ્ટાફ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે.
પિડિયાટ્રીકસ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. જોલી વૈષ્ણવ જણાવે છે કે, અધુરા માસે જન્મેલી અને માત્ર 650 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતી બાળકીને એન.આઈ.સી.યુમાં સંપૂર્ણ સાર-સંભાળ રાખી તેને જીવતદાન આપવામાં આવ્યું છે જેને માટે હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. અમારા વિભાગ દ્વારા કોવિડ અને નોન-કોવિડ બંન્નેમાં ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે