વડોદરા : સ્પેનના નકલી પાસપોર્ટ બનાવી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ, 8 પકડાયા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાંથી નકલી પાસપોર્ટ બનાવવાના વેપલાનો પર્દાફાશ થયો છે. વડોદરા એસઓજી પોલીસે કાલાઘોડા સર્કલ પાસેથી આજે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમની પાસેથી 22 પાસપોર્ટ મળી આવ્યા છે. પાસપોર્ટ બનાવી આપવાનું કહીને વેરિફિકેશન માટે વડોદરા આવેલા આ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. આમ, સ્પેન દેશના નકલી પાસપોર્ટ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ વિશે કરી હતી ટિપ્પણી
વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કાલાઘોડા સર્કલ પાસે કેટલાક ઈસમો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યાં છે. જેના આધારે એસઓજીની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી 17 ઇન્ડિયન પાસપોર્ટ, જે ઓરીજનલ હતા અને 5 સ્પેનના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. આ બાબતે પોલીસે તપાસ કરતા આરોપીઓએ પહેલા તો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેઓ કંઈક છુપાવતા હોય તેવું લાગ્યું હતું. ત્યારે પોલીસે સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં આ ટોળકી સ્પેન દેશના પાસપોર્ટ બનાવી આપીને લોકો સાથે છેતરપિંડી કરવા માટેનું આખું રેકેટ ચલાવતી હતી.
પોલીસે સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપી દેવેન નાયક અને કીર્તિકુમાર ચૌધરી બંને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને બંને એજન્ટનો રોલ ભજવતા હતા. તેમજ બોગસ પાસપોર્ટ બનાવવા માટે નિલેશ હસમુખ પંડ્યાનો સંપર્ક કર્યો હતો. નિલેશ પંડ્યા બોગસ પાસપોર્ટ બેંગ્લોરથી લાવ્યો હતો અને આરોપીઓને પાસપોર્ટ આપ્યા હતા. ગ્રાહકોને વડોદરા ખાતે બોલાવી પાસપોર્ટ વેરિફિકેશન કરવાનું છે તેવું કહ્યું હતું. જોકે ગ્રાહકો અહીં આવે તે પહેલા જ પોલીસે આઠેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરા પોલીસના સકંજામાં આવેલી ટોળકી મહેસાણા જિલ્લાના વિવિધ ગામોની છે. આ ઉપરાંત બે ઈસમો અમદાવાદના છે તેવી માહિતી એસીપી વી.પી. ગામિતે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નિલેશ હસમુખભાઇ પંડ્યા સામે આ અગાઉ પણ અમદાવાદ શહેરના બેથી ત્રણ પોલીસ સ્ટેશનમાં બોગસ રીતે વિદેશ મોકલવાના અને વિઝા અને પાસપોર્ટને લગતા ગુના નોંધાયેલા છે. જપ્ત કરેલા પાસપોર્ટ અંગે સ્પેન એમ્બેસીમાંથી પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે