પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરૂ; 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા

કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાંથી હાલમાં સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ પ્રાપ્ત થયા છે.

પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરૂ; 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા

Kutch Hadappiyan Culture/રાજેન્દ્ર ઠકકર, કચ્છ: કચ્છની ધરામાં પુરાતન સંસ્કૃતિના અનેક અવશેષો ધરબાયેલા છે અને દેશ વિદેશની જુદી જુદી યુનિવર્સિટી તેમજ પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ કરીને સંશોધન કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષ 2018થી કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઓફ કેરાલા યુનિ., સેન્ટ્રલ યુનિ. ઓફ કર્ણાટક તેમજ અન્ય યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાં હડપ્પા સભ્યતાના અવશેષોને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને સંશોધન કરવામાં આવી રહ્યા હતા ત્યારે હાલમાં 5700 વર્ષથી પણ જૂના અવશેષો મળી આવ્યા છે. 

કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાંથી હાલમાં સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ પ્રાપ્ત થયા છે. કેરાલા યુનિવર્સિટીના પુરાત્વીય વિભાગ દ્વારા ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિના દરમિયાન ખોદકામ કરાતાં 5700 વર્ષ જૂના હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. જેમાં સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળી આવ્યા છે. 

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગના ડીન ડૉ. સુભાષ ભંડારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2018માં કેરાલા યુનિવર્સિટીની ટીમે અને કચ્છ યુનિવર્સિટીની ટીમે લખપત તાલુકાના પડદા બેટ નામની સાઇટ પડદા બેટનું ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2019માં હાલમાં જે સાઇટ પરથી અવશેષો મળ્યા છે છે તેનાથી 1.5 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ બાજુ આવેલા જૂના ખટિયા ખાતેના પ્રારંભિક હડપ્પા સભ્યતાના કબ્રસ્તાન પર પણ ખોદકામ કરાયું હતું. જ્યાં જૂના ખટિયાના ખોદકામને ધ્યાને લઇને કબ્રસ્તાનને તેની આસપાસના રહેણાંક વિસ્તારો સાથે કેવા સંબંધો રહ્યા હશે તેના વિશે વિચારીને વધુ ખોદકામ હાથ ધર્યું હતું.

પડદા બેટ પાસેના ખોદકામમાં નાની ટેકરીના ઢોળાવ પરથી વસાહતનો પૂરાવો મળ્યો હતો. આ સ્થળ પર 200X200 મીટરના વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યામાંથી હડપ્પન સંસ્કૃતિના પુરાત્વિક અવશેષો મળ્યા છે. જેની પાછળ એક નાની નદી પણ વહેતી હતી. ઊંચાઈ વાળા વિસ્તારમાંથી આ અવશેષો મળ્યા છે જેથી આસપાસના વિસ્તારમાં પણ સંશોધન માટે સરળ બની શકે છે. 

હાલમાં મળેલા અવશેષોમાં જ્યાં લોકો રહેતા હશે, તેવા વસવાટના વિસ્તારના ગોળ અને લંબચોરસ આકારના બે મકાનના પાયાના અવશેષો મળ્યા છે. જે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવાયા છે. આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે. જેમાં નાના અને મોટા માટલાઓ મળ્યા છે. તો અનેક વાસણો પણ મળ્યા છે સાથે સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે. તો હેમર સ્ટોન અને ગ્રાઇન્ડીંગ સ્ટોન પણ મળ્યા છે. તો ગાય અને બકરી જેવા પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો પણ સંશોધન દરમિયાન મળી આવ્યા હતા.આ સાઈટ જોઈને કહી શકાય છે કે આ 5700 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઇટ છે.

પડદા બેટ સાઈટ પરથી પ્રાણીઓના અવશેષ પણ મળી આવ્યા છે ત્યારે કહી શકાય કે અહીં જે લોકો વસવાટ કરતા હતા તેઓ પશુપાલન સાથે સંકળાયેલા હોય શકે છે.આ વિસ્તારમાંથી ખોદકામ દરમિયાન માનવ હાડપિંજર પણ મળ્યું છે જેના પર પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જે ટેકરી પર અવશેષ મળી આવ્યા છે તે અને અગાઉ ખટીયા સાઈટ પરથી જે કબ્રસ્તાન મળી આવ્યું છે તે બન્ને વચ્ચે કેવો સબંધ હતો તે અંગે સંશોધન કરવામાં આવશે.

આ ખોદકામમાં કેરાલા યુનિવર્સિટી જોડાઈ હતી જેને ASI માંથી સંશોધન માટેની મંજૂરી મળી હતી તો કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, પૂણેની ડેક્કન કોલેજ, સ્પેનની બે યુનિવર્સિટી જેમાં સ્પેનિસ નેશનલ રિસર્ચ કાઉન્સિલ, યુનિવર્સિટી ઓફ લા લાગુના જોડાઈ હતી તો યુએસએની ટેક્સાસ એ.એન્ડ.એમ. યુનિવર્સિટી, કેટેલેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી, યુએસએની અલ્બેનો કોલેજ, કેરાલા યુનિવર્સિટીનો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીના રીસર્ચર અને વિદ્યાર્થીઓ મળીને કુલ 40 જેટલા લોકો આ સાઈટ પર સંશોધન અને ખોદકામ કરી રહ્યા છે.

ખટીયામાં મળી આવેલ કબ્રસ્તાનના વિસ્તારની આસપાસ ટેકરીઓ પર નાની-નાની વસાહતોના આવા સમૂહો કદાચ અર્લી હડપ્પન અને તેના પછીની લેટ હડપ્પન વસાહતોએ લખપત વિસ્તારમાં સભ્યતા વિકસાવવાનો પ્રયાસ કર્યો હશે. હાલમાં મળી આવેલા માટીના વાસણના ટુકડાના અવશેષો અન્ય સ્થળોએથી મળી આવેલ હડપ્પન સંસ્કૃતિની સભ્યતાના અવશેષો સાથે સમાનતા ધરાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news