કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્યા
Trending Photos
કચ્છ :હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી ભર્યો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે કચ્છના કુખ્યાત એવા હરામી નાળા પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાઇ હતી. પકડાયેલા બંને વ્યક્તિ પાકિસ્તાની માછીમારો હોવાનું અનુમાન છે. ત્યારે BSFએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ભારતીય જળ સીમામાં હરામીનાળામાંથી ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સે પેટ્રોલિંગ દરમિયાન બે ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને માછીમારી કરવા માટે ભારતીય સીમાની અંદર આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજે 5.30 કલાકના સમયે બીએસએફના જવાનોએ બોટનો પીછો કરીને બંને માછીમારોને પકડી પાડ્યા હતા. તેની પાસેથી માછીમારીનો સામાન તથા માછલીનો જથ્થો પકડાયો હતો. ત્યારે બોટ ઝડપાયા બાદ બીએસએફએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
5 ફિશિંગ બોટ પકડાઈ હતી
તાજેતરમાં જ 15 ઓક્ટોબરના રોજ કચ્છની દરિયાઈ સીમા પર 5 ફિશિંગ બોટ પકડાઈ હતી. બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો હતો. ત્યારે પણ એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી હતી.
જાણો હરામી નાળાનો વિવાદ
હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને વહેંચતી 22 કિમી લાંબી સમુદ્રી ચેનલ છે. તે બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિમી વિવાદિત સરહદનો ભાગ પણ છે. 22 કિમીનો એરિયા ધરાવતું 'હરામી નાળા' આમ જુઓ તો ઘૂસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન કહેવાય છે. આ જ કારણે તેનું નામ 'હરામી નાળા' પડ્યું છે. અહીં પાણીનું સ્તર હવામાનના કારણે સતત બદલાતુ રહે છે. આથી પણ તે અત્યંત ખતરનાક પણ મનાય છે.
હરામીનાળામાં માછલી પકડવા પર રોક
એવું કહેવાય છે કે વર્ષ 2008માં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય માછીમારની બોટ કુબેરને સરક્રીક વિસ્તારથી પકડી અને ત્યાંથી તેઓ ગુજરાત આવ્યાં અને મુંબઈ પહોંચી ત્યાં હુમલો કર્યો. આ વિસ્તારમાં મોટાભાગે પાકિસ્તાનની ખાલી પડેલી નાવડીઓ મળી આવે છે. હરામી નાળાની અંદર માછલી પકડવા પર રોક છે. પરંતુ ત્યાં ઝીંગા માછલી અને રેડ સેમેન માછલી મળી આવી છે જેની ખુબ માંગ છે. આ જ કારણે આ નાળું ભારત અને પાકિસ્તાન બંનેના માછીમારો માટે પસંદગીની જગ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે