1100 PUC સેન્ટર કાર્યરત કરાશે : ૩૦ ઓકટોબર સુધી અરજી કરવાની રહેશે
લાયકાત ધરાવતા અરજદારોએ આ પીયુસી સેન્ટરના લાઈસન્સ લેવા માટે આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે તા.૩૦/૧૦/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે.
Trending Photos
અમદાવાદ: નવા મોટર વાહન કાયદા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પોલ્યુશન અંડર કંટ્રોલ-પીયુસી સેન્ટરો સ્થાપવા માટેના નિયમો-પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. વાહન ચાલકોને સરળતાથી નજીકમાં પીયુસી પ્રમાણપત્ર ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્યભરમાં નવા ૧૧૦૦ પીયુસી સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. લાયકાત ધરાવતા અરજદારોએ આ પીયુસી સેન્ટરના લાઈસન્સ લેવા માટે આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે તા.૩૦/૧૦/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે.
રાજ્યમાં નવીન પીયુસી સેન્ટર મેળવવા માટેની પ્રક્રિયામાં ફેરફાર કરીને વધુ સરળ બનાવવામાં આવી છે. જે અંતર્ગત અગાઉ પીયુસી સેન્ટર માટેની જગ્યા માલિકિ કે ભાડાની હોય તો તેની મુદત ૫ વર્ષની હતી જે હવે અરજીના દિવસે માલિકી કે લીઝનો પુરાવા રજુ કરવાનો રહેશે. અરજદારે અરજી સાથે ૧ ગેસ એનલાઇઝર અને ધુમાડાનું મીટર કોમ્પ્યુટરના જોડાણ અને કેમેરા સાથે ફીટ કરવાની જોગવાઇ હતી તે હવે મરજીયાત કરી અરજી મંજુર થયેથી પણ આ વ્યવસ્થા ઉભી કરી શકશે તે બાબતનુ બાંહેધરી પત્ર અરજી સાથે રજુ કરી અરજી કરી શકશે.
અગાઉ અરજદારનો રહેઠાણનો પુરાવો, બેંક એકાઉન્ટ અંગેનુ સર્ટીફીકેટ તથા પાસબુક, ચાલચલગતનુ પ્રમાણપત્ર, દુકાનનુ ટેક્ષ બીલ, ભાડા ચીઠી, અનુભવનુ સર્ટીફીકેટ, ટેકનીશીયનનું એલ.સી, દુકાન માલિકનુ સંમતિપત્રક, જગ્યાનો લેઆઉટ પ્લાન, વગેરે જટીલ પુરાવા રજુ કરવાના થતા હતા તેની જગ્યાએ અરજદાર કે ટેકનિશીયન ધોરણ ૧૦ પાસ તથા ટેકનીકલ કોર્ષ પાસ કર્યાની લાયકાત હોવી જરૂરી છે. આમ, અરજી મંજુર થયેથી ૩૦ દિવસમાં અરજદાર દ્વારા સીક્યુરીટી ડીપોઝીટ પેટે રૂ.૧૫,૦૦૦/-, મશીનના બીલો, કેલિબ્રેશન સર્ટીફિકેટ વગેરે રજૂ કરવાનુ રહેશે. ત્યાર બાદ પીયુસી સેન્ટર માન્ય ગણાશે.
આ ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં આ ૩૦ દિવસની મુદતમાં આરટીઓ/એઆરટીઓ સ્વવિવેકાધિન દિન ૧૫ નો વધારો કરી શકશે. અરજી સંબંધિત વધુ વિગતો વેબસાઇટ https://cot.gujarat.in/notification-gu.htm પરથી મેળવી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે