તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન


ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી લોકપ્રિય બનેલા અભિનેતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયુ છે. 

તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન

નવી દિલ્હીઃ લોકપ્રિય ટીવી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ધનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહત્વનું છે કે ઘનશ્યામ નાયક ((Ghanshyam Nayak) છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને કેન્સરની સમસ્યા હતી. અભિનેતાએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 

જૂન મહિનામાં આવ્યા હતા કેન્સરના સમાચાર
મહત્વનું છે કે જૂન મહિનામાં સામે આવેલા એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે જણાવ્યુ કે પાંચ મહિના પહેલા ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા, ત્યારબાદ આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના પુત્રએ કહ્યુ હતુ કે, એપ્રિલ મહિનામાં ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવવામાં આવ્યું, જેનાથી બીમારીની માહિતી મળી હતી. 

મહેસાણા જિલ્લાાં થયો હતો જન્મ
ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. તેમણે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.

ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ, ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news