Gold: આ વર્ષે અક્ષય તૃતિયા પર પણ લાગશે કોરોનાનું ગ્રહણ? સોનાની ખરીદી રહેશે ફિક્કી, નાના વેપારીઓ ચિંતામાં

આગામી 14 મે ના રોજ અક્ષય તૃતિયાનો શુભ દિવસ છે. પણ કોરોના કેસો દેશભરમાં વધવાથી સોનાની ખરીદી ઉપર માઠી અસર પડશે, એમ જણાય છે. ગત વર્ષે પણ આ દિવસે દેશભરમાં લૉકડાઉન હોવાથી સોનાની વિશેષ ખરીદી થઈ નહોતી.

Gold: આ વર્ષે અક્ષય તૃતિયા પર પણ લાગશે કોરોનાનું ગ્રહણ? સોનાની ખરીદી રહેશે ફિક્કી, નાના વેપારીઓ ચિંતામાં

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરની તબાહી મચાવી છે. સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. મૃત્યુઆંક પર સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં વેપાર-ધંધાને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેથી વણજોયા મૂહૂર્તના શુભ દિવસે પણ સોનાની ખરીદી ફિક્કી રહેશે.

આગામી 14 મે ના રોજ અક્ષય તૃતિયાનો શુભ દિવસ છે. પણ કોરોના કેસો દેશભરમાં વધવાથી સોનાની ખરીદી ઉપર માઠી અસર પડશે, એમ જણાય છે. ગત વર્ષે પણ આ દિવસે દેશભરમાં લૉકડાઉન હોવાથી સોનાની વિશેષ ખરીદી થઈ નહોતી. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે કોરોનાને કારણે હાલત વધારે ખરાબ છે.

લોકોને સતાવી રહ્યો છે કોરોનાનો ડરઃ
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના નિષ્ણાતોનું કહેવું છેકે, ગ્રાહકો પોતાનો જીવ જોખમમાં મૂકી સોનું ખરીદવા શૉરૂમમાં જવાનું પસંદ નહીં કરે. લોકો હવે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. હવે સરકારી ગાઈડલાઈન નહીં પણ લોકોને કોરોના અને તેના કારણે થતી મોતનો ડર સતાવી રહ્યો છે.

નિષ્ણાતોને એવો પણ મત છેકે, ભલે અક્ષય તૃતિયાના દિવસને સોનાની ખરીદી માટે શુભ માનવામાં આવતો હોય પણ હાલની સ્થિતિમાં કોઈ જીવનનું જોખમ લઈને સોનાની ખરીદી કરવા બજારમાં નીકળે તે શક્ય નથી. જેને આભૂષણો ખરીદવા છે તેમણે દુકાન માલિકને હોમ ડિલિવરી માટે કહેવું જોઈએ. ઘણા મોટા ઝવેરીઓ સોનાની ડિજિટલ માર્કેટિંગને પ્રોત્સાહન આપે છે. ડિજિટલ વેચાણ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધ્યું છે અને અગાઉ ઘણા લગ્નો જે મુલતવી રહ્યાં હતા તે આ ગાળામાં થઈ રહ્યા છે.

ગત વર્ષે નાના ઝવેરીઓને પડ્યો ફટકોઃ
ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ જ્યારે અર્થતંત્ર ખૂલ્યું હતું ત્યારે મોટા ઝવેરીઓને અમુક લાભ થયો છે. આની સામે નાના ઝવેરીઓ જે મોટી સંખ્યામાં છે તેમને ખાસ લાભ થયો નહોતો. નાના ઝવેરીઓનું ગત વર્ષે વેચાણ 50થી 60 ટકા ઘટયું હતું. જોકે, તામિલનાડુ અને કેરલા-એ બે મોટા સોનાનો વપરાશ કરતા રાજ્યો હોવાથી ત્યાં પાછળથી વેચાણ સુધર્યું હતું. 

આ વર્ષે પણ નાના વેપારીઓ પર ઘાતઃ
ગ્રાહકો ભાવ વધઘટથી બહુ ચિંતા કરતા નથી અને મોટા જ્વેલર્સો ઍડવાન્સમાં સોનું બુક કરાવવાની સ્કીમો ધરાવતા હોય છે. અક્ષય તૃતિયામાં સોનાનું વેચાણ જે ઓછું થશે તેનો માર નાના ઝવેરીઓને પડશે. સોનાના ભાવો ઘટયા બાદ પાછા વધઘટ શરૂ થયા છે. નીચા વૈશ્વિક વ્યાજદર અને ફુગાવાએ ગત વર્ષે સોનાના ભાવો વધવામાં મદદ કરી હતી. 

ગ્લોબલ માર્કેટ પર પણ માઠી અસરઃ
ઓગસ્ટમાં બજારભાવ ઔંસદીઠ વધી 2000 ડૉલર થઈ ગયા હતા. જે તે પહેલા ઘટી ઔંસદીઠ 1670 ડૉલર થયા હતા. પીળી ધાતુના ભાવો ફરી વધવા શરૂ થઈ ગયા છે. શુક્રવારે સવારે ભાવ ઔંસદીઠ 1819 ડૉલર હતા. ગત વર્ષની અક્ષય તૃતિયા વેળા ભાવ ઔંસદીઠ 1715 ડૉલર હતા. જ્યારે આ વેળા ભાવ 100 ડૉલર જેટલા ઊંચા છે. નિષ્ણાતોના મતે 30થી 45 દિવસમાં ભાવ 1920 ડૉલરની સપાટીએ પહોંચી જવાની શક્યતા છે. આમ છતાં કોરોનાની બીજી લહેરમાં ટૂંકા ગાળે સોનાના ભાવો અસ્થિર રહેશે. છેલ્લા દોઢ મહિનામાં ભાવો સુધર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news