1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે નવી બેંક, ઝીરો બેલેન્સ પર ખુલશે બચત ખાતું

આ અગાઉ એરટેલ અને પેટીએમને પણ આ પરમિટ મળી ચૂકી છે. પેમેન્ટ બેંકના ખાતામાં કોઈ પણ વ્યક્તિ કે નાના ધંધાદારી એક લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકે છે. 

1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે નવી બેંક, ઝીરો બેલેન્સ પર ખુલશે બચત ખાતું

નવી દિલ્હી: લાંબી રાહ બાદ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ને પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની 1લી સપ્ટેમ્બરથી શરૂઆત કરશે. આઈપીપીબી દેશની ત્રીજી પેમેન્ટ્સ બેંક હશે. આ અગાઉ એરટેલ અને પેટીએમને પણ આ પરમિટ મળી ચૂકી છે. પેમેન્ટ બેંકના ખાતામાં કોઈ પણ વ્યક્તિ કે નાના ધંધાદારી એક લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકે છે. 

અગાઉ 21 ઓગસ્ટથી શરૂ થવાની હતી
પોસ્ટ પેમેન્ટ્સ બેંકની શરૂઆતની તિથિ હાલમાંથી નવેસરથી નક્કી કરાઈ હતી. અગાઉ તે 21મી ઓગસ્ટથી શરૂ થવાની હતી પરંતુ 16 ઓગસ્ટના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ આઈપીપીબીના લોન્ચિંગની તિથિને બદલવામાં આવી હતી. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની શરૂઆત થતાની સાથે જ તેની એપ પણ તે જ દિવસે લોન્ચ થવાની આશા છે. આ એપ દ્વારા ગ્રાહકો લગભગ 100 કંપનીઓની સેવાની ચૂકવણી સરળતાથી કરી શકશે. 

એક જ પ્લેટફોર્મ પર મળશે 100 સુવિધાઓ
તેનાથી તમે એક જ પ્લેટફોર્મ પર ફોન રિચાર્જ, વીજળીના બિલની ચૂકવણી, ડીટીએચ સર્વિસ, અને કોલેજની ફી વગેરે ચૂકવી શકશો. ગત દિવસોમાં પોસ્ટ પેમેન્ટ્સ બેંકના સીઈઓ સુરેશ સેઠ્ઠીએ જણાવ્યું હતું કે આઈપીપીબીની શરૂઆત દેશભરમાં 650 શાખાઓથી થશે. આ ઉપરાંત વિભિન્ન પોસ્ટ ઓફિસમાં તેના 3250 એક્સેસ પોઈન્ટ હશે. શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 11000 પોસ્ટમેન લોકોને ઘરે ઘરે જઈને બેંકિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે. 

પોસ્ટલ પેમેન્ટ બેંક અંગે 5 વાતો જાણો

1. આઈપીપીબીની દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક બ્રાન્ચ ખોલવામાં આવશે. પેમેન્ટ્સ બેંકની શરૂઆત કરવાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તમામ 1.55 પોસ્ટઓફિસને તેની સાથે જોડવામાં આવશે. તેનાથી દેશમાં સૌથી મોટુ બેંકિંગ નેટવર્ક તૈયાર થશે. 
2. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકથી 17 કરોડ પોસ્ટલ સેવિંગ બેંક એકાઉન્ટને લિંક કરવામાં આવશે. આઈપીપીબી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લોકો ડિજિટલ બેંકિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિઝનો ફાયદો ઉઠાવી શકશે. તેના માધ્યમથી કોઈ પણ બેંક ખાતામાં મની ટ્રાન્સફર પણ કરી શકાશે. 
3. પોસ્ટલ પેમેન્ટ બેંક દ્વારા ગ્રાહકો RTGS, NEFT, IMPS ટ્રાન્ઝેક્શન જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકશે. એટલે કે તમે તમારા ખાતાથી કોઈ પણ બેંકમાં RTGS, NEFT, IMPS કરી શકશો અને કોઈ પણ એકાઉન્ટથી તેના દ્વારા રકમ મેળવી શકશો. થર્ડ પાર્ટી ટાઈઅપના માધ્યમથી આઈપીપીબીના ખાતાધારક કોઈ પણ પ્રકારની નાણાકીય સુવિધાનો ઉપયોગ કરી શકશે. 
4. સરકાર તરફથી પેમેન્ટ્સ બેંકનો ઉપયોગ નરેગાનો પગાર, સબ્સિડી, પેન્શન વગેરેના ચૂકવણી માટે કરાશે. 
5. આઈપીપીબી એપ પણ પહેલી સપ્ટેમ્બરે લોન્ચ થાય તેવી આશા છે. આ એપ દ્વારા ગ્રાહક 100 કંપનીઓની સેવાઓની ચૂકવણી સરળતાથી કરી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news