Vibrant Gujarat 2019: નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે, નેધરલેન્ડ-ગુજરાત વચ્ચે ૬ થયા MoU
Trending Photos
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નેધરલેન્ડના મિનીસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસ્ટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાની ભૂમિકા આપતા કહ્યું કે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનથી શરૂ થયેલી આ સમિટ આજે ૯મી કડીમાં પહોંચી છે. નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને ગુજરાત ૧૬૦૦ કિ.મી. જેટલો વ્યુહાત્મક દરિયા કિનારો ધરાવે છે તે સંદર્ભમાં નેધરલેન્ડના સહયોગ અંગે તેમજ ધોલેરામાં વિવિધ માળખાકીય સુવિધામાં પણ સહયોગ અંગે બેઠકમાં વિચાર-વિમર્શ થયો હતો. ગુજરાત અને ભારત સાથે નેધરલેન્ડના સુદ્રઢ દ્વિપક્ષીય સંબંધોના પરિણામે ૪૫ જેટલી ડચ કંપનીઓ કાર્યરત છે તેની વિગતો પણ નેધરલેન્ડ પ્રતિનિધિમંડળે આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે