'ડોન'થી પણ માથાભારે નીરવ મોદી, 11 નહીં 192 દેશોની પોલીસને તલાશ
PNB ગોટાળાના મામલામાં ઇન્ટરપોલે નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે
Trending Photos
નવી દિલ્હી : 11 દેશોની પોલીસ 'ડોન'ને શોધી રહી હતી તો પણ એને પકડવો અશક્ય હતો. આ સિચુએશન ભલે હિન્દી ફિલ્મની હતી પણ હવે રિયલ લાઇફમાં પણ આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હવે પીએનબી ગોટાળાનો આરોપી અને ભાગેડુ ડાયમંડ બિઝનેસમેન હવે ડોન કરતા પણ મોટો થઈ ગયો છે કારણ કે તેની શોધ 11 નહીં પણ 192 દેશની પોલીસ કરી રહી છે. હકીકતમાં 13,578 કરોડ રૂ.ના ગોટાળાના મામલામાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગનાઇઝેશન (ઇન્ટરપોલ) દ્વારા સોમવારે નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ (RCN) જાહેર કરવામાં આવી છે. પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી વિરૂદ્ધ વિદેશમાં લેવાયેલું આ પહેલું પગલું છે. ઇન્ટરપોલે તેના ભઈ નિશ્ચલ મોદી તેમજ કંપનીના એક્ઝિક્યુટિવ સુભાષ પરબ વિરૂદ્ધ પણ 13578 કરોડ રૂ.ના ગોટાળામાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. નીરવ અને તેના મામા મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી આચરવાનો આરોપ છે.
નીરવ મોદી વિરૂદ્ધ ફેબ્રુઆરી મહિનામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ભારતીય તપાસ એજન્સીઓએ RCN જાહેર કરવા માટે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે CBI અને EDએ છેતરપિંડી, ક્રિમિનલ કોન્સપિરન્સી, કરપ્શન તેમજ મની લોન્ડ્રિંગના મામલામાં આ નોટિસ જાહેર કરી છે.
ભાગેડુ નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરીને ઇન્ટરપોલે પોતાના સહયોગી 192 દેશોને તેની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. નીરવ મોદીની ધરપકડ પછી તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો હેતુ અન્ય દેશોને આરોપી વિશે સતર્ક કરવાનો છે. આનાથી આરોપીની વિદેશ યાત્રાઓ પર અંકશુ મુકી શકાશે.
Red Corner Notice issued against Nirav Modi by Interpol in connection with #PNBScamCase pic.twitter.com/pOeE09SCUy
— ANI (@ANI) July 2, 2018
સીબીઆઇએ 15 ફેબ્રુઆરીએ ડિફ્યુશન નોટિસ જાહેર કરીને નીરવ મોદીના દરેક પગલાં પર નજર રાખવાની માગણી કરી હતી પણ એમાં ખાસ સફળતા નહોતી મળી કારણ કે બ્રિટન સિવાય બીજો કોઈ દેશોએ સીબીઆઇની આ માગણી પર જવાબ નહોતો આપ્યો. આ દરમિયાન નીરવ મોદી પાસપોર્ટ રદ થઈ ગયો હોવા છતાં બીજા દેશમાં પ્રવાસ કરતો હતો. સીબીઆઇએ થોડા દિવસ પહેલાં 6 દેશો પાસે નીરવ મોદી વિશે જાણકારી માગી હતી. સીબીઆઇને આશંકા છે કે નીરવ મોદીએ આ દેશોમાં પ્રવાસ કર્યો છે. આ વાતની જાણકારી અમેરિકા, સિંગાપોર, બેલ્જિયમ, યુનાઇટેડ આરબ અમિરેટ્સ અને ફ્રાન્સ જેવા દેશો પાસે માગવામાં આવી હતી.
શું છે રેડ કોર્નર નોટિસ?
ઇન્ટરપોલ સાત પ્રકારની નોટિસ જાહેર કરે છે જેના નામ કલર પરથી રાખવામાં આ્વ્યા છે. રેડ કોર્નર નોટિસ સિવાય ઇ્ન્ટરપોલ દ્વારા બ્લુ, ગ્રીન, યેલો, બ્લેક, ઓરેન્જ અને ઇન્ટરપોલ યુએન નામથી નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે. રેડ કોર્નર નોટિસને સભ્ય દેશની અરજીના આધારે જાહેર કરવામાં આવે છે અને એનો હેતુ તમામ સભ્યોને એ વાતની જાણ કરવાનો છે કે આરોપી વિરૂદ્ધ સંબંધિત દેશમાં અરેસ્ટ વોરંટ જાહેર થઈ ચૂક્યું છે. રેડ કોર્નર નોટિસએ ઇન્ટરનેશનલ અરેસ્ટ વોરંટ નથી કારણ કે અરેસ્ટ વોરંટ જાહેર કરવાનો હક સંબંધિત દેશને જ હોય છે પણ એ ઇન્ટરનેશનલ અરેસ્ટ વોરંટની સમકક્ષ જ ગણાય છે. ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કર્યા પછી એ વ્યક્તિની ધરપકડ માટે અધિકારી નથી મોકલતા કે પછી સભ્ય દેશો પાસે ધરપકડની ડિમાન્ડ પણ નથી કરતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે