બેંકર બનવા માંગતા લોકો માટે એચડીએફસી બેંકે લોન્ચ કર્યો ખાસ પોગ્રામ

આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો કરવા પર વિદ્યાર્થીઓને એચડીએફસી બેંકમાં જ કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ અથવા કસ્ટમર એક્સપીરિયેન્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી આપવામાં આવશે, જેમનો શરૂઆતનો પગાર વાર્ષિક રૂ. 3 લાખ હશે.

બેંકર બનવા માંગતા લોકો માટે એચડીએફસી બેંકે લોન્ચ કર્યો ખાસ પોગ્રામ

ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એવી એમિટી ગ્લોબલ બિઝનેસ સ્કુલ (એજીબીએસ)ની સાથે ભેગા મળીને બેંકર બનવા માંગતા લોકો માટે ‘રાઇઝિંગ બેંકર્સ’ નામનો એક 8 મહિનાનો સર્ટિફિકેટ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાન ગ્રેજ્યુએટોને સારી રીતે તાલીમબદ્ધ થયેલા ગ્રાહક-કેન્દ્રી કર્મચારીઓ બનાવવાનો છે. આ પ્રોગ્રામમાં કેમ્પસમાં આપવામાં આવતાં શિક્ષણ, ઇન્ટર્નશિપ તથા આ પ્રમાણપત્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂરો કરવા પર બેંકમાં જ ફૂલ-ટાઇમ નોકરીની તક પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

આ પ્રોગ્રામમાં વાસ્તવિક વિશ્વનો અનુભવ મેળવવા માંગતા તથા ભણવાની સાથે કમાણી કરવા માંગતા હોય તેવા સમગ્ર દેશમાંથી આવનારા ઉમેદવારો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ પ્રોગ્રામ મારફતે એચડીએફસી બેંક પાત્ર પ્રતિભાશાળી કર્મચારીઓનો એક સમુહ તૈયાર કરવા માંગે છે, જેઓ દેશમાં કોઇપણ સ્થળે અને કોઇપણ ભાષામાં સતત, ઉચ્ચ ગુણવત્તાનો ગ્રાહકસેવાનો અનુભવ પૂરો પાડશે.

આ પ્રોગ્રામ દરમિયાન ઉમેદવારોને કામના વાસ્તવિક માહોલમાં જ બેંકિંગના કામકાજના તમામ પાસાંઓની તાલીમ આપવામાં આવશે. આ 8 મહિનાના અભ્યાસક્રમમાં નોઇડા સ્થિત એમિટી ગ્લોબલ બિઝનેસ સ્કુલ ખાતે આવેલી અત્યાધુનિક ફેસિલિટીમાં 5 મહિનાના કાર્યકાળનો સમાવેશ થાય છે, જ્યાં ઉમેદવારો રેસિડેન્શિયલ ક્લાસરૂમ સેશનોમાં હાજરી આપશે. તેના પછી 3 મહિના માટે એચડીએફસી બેંકની સમગ્ર ભારતમાં આવેલી શાખાઓ ખાતે પેઇડ ઇન્ટર્નશિપ શરૂ થશે.

આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો કરવા પર વિદ્યાર્થીઓને એચડીએફસી બેંકમાં જ કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ અથવા કસ્ટમર એક્સપીરિયેન્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી આપવામાં આવશે, જેમનો શરૂઆતનો પગાર વાર્ષિક રૂ. 3 લાખ હશે. આથી વિશેષ, તેમને એજીબીએસ તરફથી કસ્ટમર એક્સપીરિયેન્સ મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા એનાયત કરવામાં આવશે.

એચડીએફસી બેંકના ચીફ હ્યુમન રીસૉર્સ ઑફિસર વિનય રાઝદાને જણાવ્યું હતું કે, ‘અમે એચડીએફસી બેંકમાં સેવાને પ્રાધાન્ય આપનારી સંસ્કૃતિને એક સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે. અમે અમારી આ કટિબદ્ધતા પૂરી કરી શકીએ તેની ખાતરી કરવા માટે અમે અમારી ટેલેન્ટ પાઇપલાઇનનું નિર્માણ કરવાના વિવિધ માર્ગો શોધી રહ્યાં છીએ. 

રાઇઝિંગ બેંકર્સ પ્રોગ્રામ એ આ જ પ્રકારનો એક માર્ગ છે, જેની મદદથી આજે અમે નવી પ્રતિભાઓનું ઘડતર કરી શકીશું, જેથી કરીને ભવિષ્યના યુવાન અગ્રણીઓ તરીકે તેમનો વિકાસ સાધી શકાય. અમને વિશ્વાસ છે કે, એમિટી ગ્લોબલ બિઝનેસ સ્કુલ સાથેની આ સહભાગીદારી મારફતે અમે અમારા તમામ ટચ પોઇન્ટ્સમાં ગ્રાહક-કેન્દ્રી સેવાના નિરંતર, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ધોરણો જળવાઈ રહે તેની ખાતરી કરી શકીશું.’

ઉમેદવારો એચડીએફસી બેંકની સાઇટ https://risingbankers.myamcat.com/ પરથી અરજી કરી શકે છે. ઓનલાઇન પ્રવેશ પરીક્ષા મારફતે પાત્ર ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તેના પછી તેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ અભ્યાસક્રમની ફી રૂ. 2.2 લાખ + ટેક્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news