કેન્દ્રએ ઓઇલ કંપનીઓને આપ્યો આદેશ, તાત્કાલિક 15 રૂપિયા ઘટાડો ખાદ્ય તેલના ભાવ
વધતી જતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત અપાવવા માટે કેન્દ્ર સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે ખાદ્ય તેલના ભાવ ઓછા કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાની આશા વધી ગઇ છે.
Trending Photos
Edible Oil Price Cut: વધતી જતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત અપાવવા માટે કેન્દ્ર સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે ખાદ્ય તેલના ભાવ ઓછા કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાની આશા વધી ગઇ છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે એડિલ ઓઇલ એસોસિએશનને તાત્કાલિક 15 રૂપિયા પ્રતિ લીટર તેલના ભાવમાં ઘટાડો કરવાનો આદેશ જાહેર કર્યો છે.
સરકારે જાહેર કર્યા આદેશ
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની 6 જુલાઇ 2022ના રોજ બેઠક મળી હતી જેમાં અગ્રણી ખાદ્ય તેલ સંગઠનોને ખાદ્ય તેલની મહત્તમ છૂટક વેચાણ કિંમત (MRP)માં તાત્કાલિક અસરથી કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો કરવાના નિર્દેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રએ એવી પણ સલાહ આપી છે કે ઉત્પાદકો અને રિફાઇનરો દ્વારા વિતરકો જે ભાવે તેલ આપવામાં આવે છે તેની કિંમતમાં પણ તાત્કાલિક ઘટાડો કરવાની જરૂર છે જેથી ભાવમાં થયેલો ઘટાડો કોઇપણ રીતે ઓછો ના થઇ જાય. તેમાં એવું પણ ખાસ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ ઉત્પાદકો/રિફાઇનરો દ્વારા વિતરકો માટે ભાવમાં ઘટાડો કરવામાં આવે, ત્યારે તેનો લાભ ઉદ્યોગ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવો જોઇએ અને વિભાગને નિયમિતપણે આ બાબતે જાણ કરવી જોઇએ. કેટલીક કંપનીઓ કે જેમણે તેમના ભાવોમાં ઘટાડો કર્યો નથી અને જેમની મહત્તમ છૂટક વેચાણ કિંમત (MRP) અન્ય બ્રાન્ડ્સની સરખામણીએ વધારે છે તેમને પણ તેમના ભાવમાં ઘટાડો કરવાની સલાહ આપવામાં આવી છે.
આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, આયાત કરવામાં આવતા ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટાડાના વલણમાં છે જે ખાદ્ય તેલના પરિદૃશ્યમાં ઘણું સકારાત્મક ચિત્ર છે અને આથી, સ્થાનિક ખાદ્ય તેલ ઉદ્યોગોએ ખાતરી કરવાની જરૂર છે કે, સ્થાનિક બજારોમાં પણ ભાવોમાં અનુરૂપ ઘટાડો કરવામાં આવ્યો છે. અને, આ ભાવ ઘટાડાને ગ્રાહકો સુધી તાકીદના ધોરણે પહોંચાડવાની જરૂર છે. આ બેઠકમાં ભાવ ડેટા સંગ્રહ, ખાદ્ય તેલ પર નિયંત્રણ આદેશ અને ખાદ્ય તેલના પેકેજિંગ જેવા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2022માં વિભાગ દ્વારા અગ્રણી ખાદ્ય તેલ સંગઠનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને સૂત્રોના જણાવ્યા અનુસાર ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલના 1 લીટર પેકની MRP રૂ. 220થી ઘટાડીને રૂ. 210 કરવામાં આવી હતી અને સોયાબીન (ફોર્ચ્યુન) તેલ તેમજ કાચીઘાણી તેલના 1 લીટરના પેકની MRP રૂ. 205 થી રૂ. 195 કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલોને સસ્તા કરવા માટે તેમના પર લાગતી આયાત જકાત ઘટાડવામાં આવી હોવાથી તેલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉદ્યોગને સલાહ આપવામાં આવી હતી કે, ઘટાડેલી જકાતનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને અચૂક રીતે આપવામાં આવે તેવું તેઓ સુનિશ્ચિત કરે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલોની કિંમતમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે, સ્થાનિક બજારમાં પરિસ્થિતિ તેના કરતાં થોડી અલગ છે કારણ કે સ્થાનિક બજારમાં ભાવોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. ભારત સરકારે આ દિશામાં પગલાં લીધા છે અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા SEAI, IVPA અને SOPA સહિતના અગ્રણી ખાદ્ય તેલ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરીને વૈશ્વિક બજારોમાં થઇ રહેલા ભાવોમાં ઘટાડા વચ્ચે રસોઇમાં ઉપયોગમાં લેવાતા વિવિધ તેલમાં છૂટ વેચાણ કિંમતમાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. ઉદ્યોગોએ માહિતી આપી હતી કે, છેલ્લા એક મહિનામાં વિવિધ ખાદ્ય તેલોના વૈશ્વિક ભાવમાં ટન દીઠ 300-450 USDનો ઘટાડો થયો છે, પરંતુ છૂટક બજારોમાં પ્રતિબિંબિત થવામાં સમય લાગે છે અને આગામી દિવસોમાં છૂટક ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.
દેશમાં ખાદ્ય તેલની કિંમતો અને ઉપલબ્ધતાની સ્થિતિ પર વિભાગ દ્વારા એકધારી નજર રાખવામાં આવે છે અને ખાદ્ય તેલો પરની ઘટેલી જકાતનું માળખું તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં સતત નોંધપાત્ર પ્રમાણમાં થયેલા ઘટાડોનો લાભ તાકીદના ધોરણે છેવાડાના ગ્રાહકો સુધી અવશ્યપણે પહોંચાડવો જરૂરી છે. ગ્રાહકો તેમના રસોડાના બજેટમાં વધુ બચતની આશા રાખી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે