અલંગનો ઉદ્યોગ કોરોના બાદ માંડ માંડ બેઠો થયો, ત્યાં નવી મુસીબત આવી પડી

અલંગનો ઉદ્યોગ કોરોના બાદ માંડ માંડ બેઠો થયો, ત્યાં નવી મુસીબત આવી પડી
  • સ્ટીલના ભાવોમાં ઘટાડો અને નિકાસ ડ્યુટીના વધારાથી ભાવનગરની આર્થિક કરોડરજ્જુ ભાંગી જશે
  • કેન્દ્રનો આ નિર્ણયમોંઘવારીના ઘટાડા માટે ફાયદાકારક બનશે, પણ અલંગ માટે નુકશાનકર્તા સાબિત થશે
  • આ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ આ નિર્ણયને બે થી ત્રણ માસ પેન્ડીંગ રાખવા કરી વિનંતી

નવનીત દલવાડી/ભાવનગર :વિશ્વ વિખ્યાત ભાવનગરનું અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગની કઠણાઈ પૂરી થવાનું નામ જ નથી લેતી. દિવાળી બાદ સતત મંદીનના વમળમાં ઘેરાયા બાદ નવા નાણાંકીય વર્ષમાં અલંગ ઉદ્યોગ માંડ બેઠો થવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં કેન્દ્ર સરકારે સ્ટીલ પર 15 ટકા તેમજ પ્લેટ પર 45 ટકા એક્સપોર્ટ ડયૂટી વસૂલવા માટે જાહેરાત કરીને શિપ બ્રેકીંગ ઉદ્યોગ ઉપરાંત સ્ટીલ રી-રોલીંગ મીલ ઉદ્યોગની કમર ભાંગી નાંખી છે. આ અંગે શિપ રિસાયકલીંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું માનવું છે કે તેના કારણે અલંગને મરણતોલ ફટકો પડ્યો છે. તેની અસર પણ તાત્કાલિક વર્તાઈ હોય તેમ માત્ર 2 દિવસમાં જ માર્કેટ 8 રૂપિયા ડાઉન થઈ ગઈ છે. ત્યારે આ નિર્ણયને 2 થી ૩ માસ સુધી પેન્ડીંગ રાખવા સરકારને અનુરોધ કર્યો છે.

દેશમાં વધતી જતી મોંઘવારીને લઇ સરકારે જયારે પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડીને રાહત આપી છે ત્યારે સ્ટીલના ભાવોમાં ઘટાડો કરી અને કેન્દ્રની નિકાસ ડ્યુટીમાં 15 % નો વધારો કરતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારનું આ પગલું અનેક ક્ષેત્ર માટે લાભદાયી બનશે. પરંતુ તેની સીધી અસર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પડી છે. 

આ નિર્ણય અંગે આંકડાકીય વિગતો પર નજર નાખીએ તો સરેરાશ અલંગમાંથી પ્રતિમાસ 2 લાખ ટન જેટલું ઉત્પાદન જેમાં પટ્ટી, પાટા, ચેનલ, ઈન્ગોટ, બીલેટ વગરેનું ઉત્પાદન થાય છે. જ્યારે વર્ષે દહાડે 13.5 મિલિયન ટન ફર્નિશ્ડ સ્ટીલ અને 5 મિલિયન ટન સેમી ફર્નિશ્ડ સ્ટીલની ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે. ત્યારે સ્ટીલમાં ભાવ ઘટાડો થતા પડેલા માલને લઇ ભારે નુકશાન થશે જયારે વિદેશોના જે ઓર્ડર આવેલા છે તેમાં પણ 15% નિકાસ ડયુટીને લઇ ભારે નુકશાન થશે તેમ અલંગના ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં 60 રોલિંગ મિલો અને ૫૨ ફર્નેસ મિલો આવેલી છે. જેમાં સળિયા-પટ્ટી-પાટા-ચેનલ-ગડર વગરેનું ઉત્પાદન કરવામાં આવે છે. તેજીના સમયમાં જે તૈયાર સ્ટીલનો ભાવ 75000૦ રૂપિયા પ્રતિ ટન હતો તે હવે 65000 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. જયારે સ્ક્રેપનો ભાવ પણ 52000 પ્રતિ ટનથી ઘટીને 43000 રૂપિયા થઇ ગયો છે. ત્યારે હાલ જે જહાજો અલંગમાં પ્લોટમાં લાગેલા છે અને તેનું કટિંગ કામ થઇ રહ્યું છે, તેના સ્ક્રેપ અને પ્લેટોના વેચાણ ભાવો પણ ઘટશે. જેથી અગાઉ ઉંચી કીમતે ખરીદેલા જહાજોમાં પણ નુકશાની સહન કરવી પડે તેવી સ્થિત હાલ સર્જાય છે.

ત્યારે સરકારના આ નિર્ણય સામે ફેર વિચાર કરી તેને બે થી ત્રણ માસ માટે પેન્ડીંગ રાખવા માંગ કરી છે. જેથી પડેલા માલનો નિકાલ થઇ શકે અને વિદેશના પેન્ડીંગ ઓર્ડર પણ પૂર્ણ કરી શકાય. હાલની સ્થિતિમાં સ્ટીલની માંગમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારી પ્રોજેક્ટ પણ ધીમી ગતિએ શરુ હોય અને બાંધકામ વ્યવસાયમાં પણ તૈયાર સ્ટીલની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ હવે ચોમાસું સાવ નજીક આવી રહ્યું છે, જેથી બાંધકામ ઉદ્યોગ પણ મંદ પડશે. આ સમયમાં ત્યારે જો સરકાર બે માસ જેટલો સમય આ બાબતે ડયુટી પરનો નિર્ણય પેન્ડીંગ રાખે તો અલંગના ઉદ્યોગકારો ભારે નુકશાનીમાંથી બચી શકાય છે તેવું અલંગ એસોસિયેશનના સેક્રેટરી રમેશભાઈ મેંદપરાએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news