આ વર્ષે ગાજરનો હલવો ઓછો બનશે : ગુજરાતમાં જ્યાંના ગાજર વખાણાય છે ત્યાં જ કમોસમી વરસાદે પાક બગાડ્યો

Gujarat Farmers : પાટણમાં પડેલા માવઠાના કારણે ગાજરના પાકને થઈ અસર.... ગાજરના પાકમાં નુકસાન થતાં ખેડૂતો ચિંતિત.... ગત વર્ષે 1 મણ ગાજરનો ભાવ 300થી 400 રૂપિયા હતો.. જે હાલ 140થી 190 સુધી જ મળતાં હાલાકી... ગાજરનો પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો મુંઝવણમાં મૂકાયા... 

આ વર્ષે ગાજરનો હલવો ઓછો બનશે : ગુજરાતમાં જ્યાંના ગાજર વખાણાય છે ત્યાં જ કમોસમી વરસાદે પાક બગાડ્યો

Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેતીને લઈને કંઈને કંઈ વિશેષ મહત્વ અને ઉત્પાદન રહેલું હોય છે. તેવી જ રીતે પાટણમાં પણ શિયાળુ સીઝનમાં ગાજરને એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. પણ પરંતુ તાજેતર જે કમોસમી માવઠું આવ્યુ હતું, તેને લઇ ગાજરના વાવેતર પર મોટી અસર થવા પામી છૅ. જેને લઇ તેના ભાવ પણ પોષણક્ષમ ના મળતા ખેડુતોની હાલત કફોડી બનવા પામી છે.

અહીના ગાજર મીઠા અને લાલચટ્ટાક હોય છે 
સમગ્ર પાટણ પંથકમાં 553 હેક્ટરમાં ગાજરનું વાવેતર થયું છે. પાટણના લાલ ચટક ગાજર ગુજરાત સહિત અન્ય મોટા શહેરો અને રાજ્યોમાં પણ તેની મોટી માંગ રહે છૅ. ગાજર ખાવાનું મન થાય ત્યારે પાટણનું ગાજર અચૂક લોકો યાદ કરે છૅ. કારણ કે પાટણનું ગાજર લાલ ચટ્ટાક અને સ્વાદમાં મીઠુ મધુર હોય છૅ. માટે દર સીઝનમાં પાટણના ગાજરની વધુ માંગ રહે છૅ. ઠંડી વધુ પડે તેમ ગાજરની ગુણવત્તા પણ વધુ સારી બને છૅ અને ઉત્પાદન પણ સારુ મળે છૅ. પાટણ પંથકમાં ગાજરની ખેતી પર નજર કરીએ, રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં મોટા પાયે ખેડૂતો ગાજરનું વાવેતર થઈ રહ્યું છે. 

પાટણના ગાજરની વિશેષતા
પાટણના ગાજર ની વાત કરીએ તો આ ગાજર કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટ માં વધુ મીઠું અને લાંબુ હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં પાટણના ગાજરની માંગ રહે છે. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા ખર્ચાઓ ખેડ, ખાતર, બિયારણ પાછળ કરી ગાજરનું વાવેતર મોટાપાયે કર્યું. પણ તાજેતરમાં જે કમોસમી માવઠું પડ્યું તે પાક માટે નુકશાનકારક સાબિત થયું હતું. વરસાદી પાણી ગાજરના પાકને મળતા તે જમીનમાં જ ફાટી જવા લાગ્યા હતા. જેથી ખેડૂતોને સમય પહેલા તાત્કાલિક ધોરણે પાક અડધો પાક્યો જમીનમાંથી બહાર કાઢવાની ફરજ પડી  હતી. જેને લઇ મોટી નુકશાની પાકમાં થવા પામી છૅ.

ખેડૂતોને બધો ખર્ચો માથે પડ્યો
તો બીજી તરફ ખેડૂતોએ જે ઉત્પાદનની ધારણા હતી તેનાથી પણ અડધું ઉત્પાદન થયું છે. ગાજરની ગુણવત્તા સારી ન હોવાને લઇ ભાવ પણ નીચા રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સીઝનમાં ગાજરના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી લઇ 400 સુધીનો મળ્યો હતો. જ્યારે હાલ ચાલુ સીઝનમાં ગાજરનો ભાવ 20 કિલોના રૂપિયા 140 થી 190 સુધી રહ્યા છે. જે ખૂબ જ નીચો ભાવ છૅ અને ખેડૂતોને પણ પોષાય તેમ નથી. વાવેતર પાછળ મોંઘા ભાવની ખેડ, ખાતર, બિયારણ અને ત્યાર બાદ જમીનમાંથી ગાજરના પાકને બહાર કાઢવા મજૂરોની મજૂરી, બારદાન અને માલને માર્કેટ સુધી લઇ જવા પાછળના મોટા ખર્ચાઓ સામે હાલનો ભાવ પોષણક્ષમ ન હોઈ ખેડૂતોની હાલત દયનીય બની છે. તો બીજી તરફ ગાજરના યોગ્ય ભાવ ન મળતા ગાજરને જમીનમાંથી બહાર કાઢવા માટેના મજૂરોને પણ મજૂરી ક્યાંથી લઇ આપવી તેના વિમાસણમાં ખેડૂતો મુકાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news