UK ચૂંટણી: ઋષિ સુનકની પાર્ટી સત્તામાંથી બહાર થઈ, હવે કીર સ્ટાર્મર બનશે નવા પીએમ
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને મોટો ઝટકો મળ્યો છે. સામાન્ય ચૂંટણીમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને સજ્જડ હારનો સામનો કરવો પડી રહ્યો છે. મતગણતરી શરૂ થતાની સાથે જ કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટીએ જીત મેળવવાની શરૂ કરી.
Trending Photos
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને મોટો ઝટકો મળ્યો છે. સામાન્ય ચૂંટણીમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને સજ્જડ હારનો સામનો કરવો પડી રહ્યો છે. મતગણતરી શરૂ થતાની સાથે જ કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટીએ જીત મેળવવાની શરૂ કરી. એક્ઝિટ પોલના પરિણામો પણ તેમના પક્ષમાં આવ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઋષિ સુનકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક હારની ભવિષ્યવાણી કરાઈ હતી.
એક્ઝિટ પોલના પરિણામ જો હકીકતમાં ફેરવાય તો લેબર પાર્ટી પ્રચંડ બહુમત સાથે સત્તામાં વાપસી કરી શકે છે અને કીર સ્ટારમર નવા પ્રધાનમંત્રી બનશે. યુકેમાં મતદાન પૂરું થતા જ મતગણતરી શરૂ થઈ ગઈ હતી. અન્ય એક સર્વે એજન્સી YouGov એ કીર સ્ટારમરની લેબર પાર્ટીને 431 સીટો મળવાની અને પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને ફક્ત 102 સીટો મળે તેવી ભવિષ્યવાણી કરી છે. જો સર્વે સટીક બેસે તો લેબર પાર્ટીને 650 સીટોવાળા હાઉસ ઓફ કોમેન્સમાં જબરદસ્ત બહુમત મળશે. એક્ઝિટ પોલના અનુમાન કન્ઝર્વેટિવ પાર્ટી માટે 1906 બાદથી તેમની સંભવિત સૌથી ખરાબ હારનો સંકેત આપે છે. જોકે ત્યારે પણ તેમને 156 સીટો પર જીત મળી હતી. લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીને 72 સીટો અને રિફોર્મ યુકે પાર્ટીને 3 સીટો મળવાનું અનુમાન કરાયું છે.
લેટેસ્ટ સ્થિતિ....
186 આંકડા સાથે લેબર પાર્ટી બહુમતના જાદુઈ આંકડા 170થી ઘણી આગળ નીકળી ગઈ છે. હાલની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી હજુ સુધી 50 સીટ પણ મેળવી શકી નથી. જો કે આ ચૂંટણી પરિણામો ચોંકવનારા નથી. કારણ કે યુકેમાં ગુરુવારે થયેલી સામાન્ય ચૂંટણી બાદ બીબીસી, આઈટીવી અને સ્કાયના એક્ઝિટ પોલે લેબર પાર્ટીની મોટી જીતની ભવિષ્યવાણી કરી દીધી હતી.
બીજી બાજુ ડેહેના ડેવિસનનું કહેવું છે કે 14 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ કોઈ સરકાર માટે સામાન્ય ચૂંટણી જીતવી એ અસામાન્ય હશે. ડેવિસન 2019માં કાઉન્ટી ડરહમના પહેલા ટોરી સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે તેઓ ચૂંટણી લડી નથી. પૂર્વ સાંસદનું કહેવું છે કે તેમની પાર્ટીની સૌથી મોટી ભૂલ 'સત્તામાં રહેવાની વધુ પડતી આદત પડી જવી' હતી. તે કહે છે કે કેટલાક કન્ઝર્વેટિવ સભ્યોએ પોતાની જાતને અરીસામાં જોવાની અને જવાબદારીના એક સ્તરને સ્વીકારવાની જરૂર છે.
ભારત માટે શું મહત્વ
ભારત અને બ્રિટન બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા માટે બે વર્ષથી વધુ સમયથી પ્રસ્તાવિત મુક્ત વેપાર સંધિ (FTA) પર વાતચીત ચાલુ છે. લેબર પાર્ટીની પ્રચંડ જીતથી બંને દેશો વચ્ચે એફટીએ પર ચાલી રહેલી વાર્તા ડાયનામિક્સમાં ફેરફાર આવી શકે છે. જો સર્વે સટીક બેસે તો અન્ય યુરોપીયન દેશોની જેમ બ્રિટનમાં પણ હાલની સરકાર બદલાઈ જશે. અત્રે જણાવાનું કે કોવિડ મહામારી અને યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે ઊભા થયેલા સંકટથી અનેક યુરોપીયન દેશોમાં થયેલી ચૂંટણીઓમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. એક્ઝિટ પોલના આંકડા બ્રિટનમાં પણ આ ફેરફારના સંકેત આપે છે.
યુકે એટલે શું?
યુનાઈટેડ કિંગડમ- ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયરલેન્ડ ભેગા થઈને બને છે અને સામાન્ય ચૂંટણી આ તમામ દેશો પર લાગૂ થાય છે. યુકેમાં કુલ 650 મતવિસ્તારો છે. જેમાં 533 સીટો ઈંગ્લેન્ડ, 59 સીટો સ્કોટલેન્ડ, 40 સીટો વેલ્સ, અને 18 સીટો ઉત્તરી આયરલેન્ડમાં પડે છે. જો કે એ જાણવું જરૂરી છે કે યુકેની અંદર આવતા દરેક દેશની પણ પોતાની સરકાર હોય છે અને ત્યાં ચૂંટણી થાય છે.
જેમ કે સ્કોટલેન્ડમાં સ્કોટિશ સંસદ (Holyrood) હોય છે. જેના માટે સ્થાનિક ચૂંટણી થાય છે. વેલ્સમાં સેનેડ (સંસદ) હોય છે અને તેના માટે ચૂંટણી થાય છે. ઉત્તરી આયરલેન્ડમાં સ્થાનિક વિધાનસભા (Stormont) હોય છે અને તેના માટે ચૂંટણી થાય છે. સામાન્ય ચૂંટણી વેસ્ટમિન્સ્ટરમાં સ્થિત યુનાઈટેડ કિંગડમના સભ્યોને પસંદ કરવા માટે હોય છે. જ્યાં તમામ ચારેય દેશો ભાગ લે છે. યુકે ગવર્મેન્ટ, જેને કેન્દ્રીય સરકાર કે વેસ્ટમિન્સ્ટરના નામથી પણ ઓળખવામાં આવે છે તેની પાસે સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં પણ કેટલાક મામલાઓ પર નિર્ણય લેવાનો અધિકાર છે. આ મામલા વિદેશ નીતિ, સુરક્ષા અને અર્થવ્યવસ્થા સંબંધિત છે. પોતાના આંતરિક મામલાઓની દેખરેખ ચારેય દેશોની સ્થાનિક સરકાર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે