શ્રીલંકામાં આખરે રાજકીય સંકટનો અંત, રાનિલ વિક્રમસિંઘેએ લીધા વડાપ્રધાન પદના શપથ
શ્રીલંકામાં સત્તાની ખેંચતાણનો આખરે અંત થયો છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા વિવાદાસ્પદ પગલું ઉઠાવાયા બાદ મહિન્દ્રા રાજપક્ષેને વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં.
Trending Photos
કોલંબો: શ્રીલંકામાં સત્તાની ખેંચતાણનો આખરે અંત થયો છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા વિવાદાસ્પદ પગલું ઉઠાવાયા બાદ મહિન્દ્રા રાજપક્ષેને વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં, તે રાજપક્ષેએ શનિવારે રાજીનામું આપી દીધુ અને હવે રાનિલ વિક્રમસિંઘેએ આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાનિલ વિક્રમસિંઘે કે જેમને ઓક્ટોબરમાં શ્રીલંકાના વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યાં હતાં તેમને આજે ફરીથી મૈત્રીપાલા સિરિસેનાએ શપથ લેવડાવ્યાં. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ રવિવારે વિક્રમસિંઘેના શપથ લીધા બાદ લગભગ બે મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટનો હવે અંત આવી ગયો છે. સુપ્રીમ કોર્ટના બે મહત્વના ચુકાદાના કારણે રાજપક્ષેનું આ પદ પર બની રહેવું મુશ્કેલ બની ગયું હતું. જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી.
રાજપક્ષેના સમર્થક સાંસદ શેહન સેમાસિંઘેએ જણાવ્યું કે રાજપક્ષેએ કોલંબોમાં પોતાના નિવાસસ્થાન પર આયોજિત એક કાર્યક્રમમાં રાજીનામા પર હસ્તાક્ષર કર્યા હતાં. સાંસદે કહ્યું કે રાજપક્ષેએ પીપલ્સ ફ્રીડમ અલાયન્સ (યુપીએફએ)ના સાંસદોને જણાવ્યું કે તેમણે પદેથી રાજીનામું આપી દીધુ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સર્વસંમતિથી ચુકાદો આપ્યો કે સિરિસેના દ્વારા સંસદ ભંગ કરવી એ ગેરકાયદેસર હતી. આ સાથે જ કોર્ટે શુક્રવારે રાજપક્ષેને વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળતા રોકનારા કોર્ટના આદેશ ઉપર પણ રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
વિક્રમસિંઘેની યુનાઈટેડ નેશનલ પાર્ટીએ શનિવારે જણાવ્યું કે સિરિસેના તેમને પદ પર ફરીથી બહાલ કરવા માટે રાજી થઈ ગયાં. રાષ્ટ્રપતિએ શુક્રવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી. યુએનપીના મહાસચિવ અકિલા વિરાજ કરિયાવાસમે કહ્યું કે અમને રાષ્ટ્રપતિ સચિવાલયથી જાણવા મળ્યું કે અમારા નેતા આવતી કાલે સવારે વડાપ્રધાન પદના શપથ લેશે. અત્રે જણાવવાનું કે 26 ઓક્ટોબરના રોજ વિક્રમસિંઘેને બરખાસ્ત કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ શ્રીલંકામાં રાજકીય સંકટ ઊભુ થઈ ગયું હતું.
સાંસદ લક્ષ્મણ વાઈએ શુક્રવારે જણાવ્યું કે લગભગ એક દાયકા સુધી શ્રીલંકા પર શાસન કરનારા રાજપક્ષેએ દેશના સર્વાધિક હિતમાં રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. તેમણે દાવો કર્યો કે રાજપક્ષે રાજીનામા આપ્યા વગર પદભાર સંભાળી શકે છે પરંતુ તેનાથી દેશમાં રાજકીય અસ્થિરતા વધશે અને આથી પૂર્વ રાષ્ટ્રપતિએ કોર્ટના આદેશ બાદ રાજીનામું આપવાનું નક્કી કર્યું. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન તરીકે રાજપક્ષેની નિયુક્તિ વિરુદ્ધ કોર્ટ ઓફ અપીલનો આદેશ યથાવત રહેશે. રાજપક્ષેની અપીલ પર 16, 17, 18 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને ત્રણ અઠવાડિયાની અંદર લેખિતમાં દલીલો રજુ કરવા જણાવ્યું છે. મીડિયામાં આવી રહેલા અહેવાલો મુજબ નવું મંત્રીમંડળ સોમવારે શપથ લેશે. મંત્રીમંડળમાં 30 સભ્યો હશે જેમાં શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના 6 સાંસદો પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન તરીકે રાજપક્ષેની નિયુક્તિ બાદ તેમણે 225 સભ્યોની સંસદમાં બહુમત મેળવવાનો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયાં. ત્યારબાદ સિરિસેનાએ સંસદ ભંગ કરી અને પાંચ જાન્યુઆરીના રોજ ચૂંટણીની જાહેરાત કરી. જો કે સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયને પલટી નાખ્યો અને ચૂંટણીની તૈયારીઓ પર રોક લગાવી. મોટાભાગના દેશોએ રાજપક્ષેની સરકારને માન્યતા આપી નહતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે