ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદીની હાજરી ઈચ્છે છે PTI

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવેલી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના એક ટોચના નેતાએ બુધવારે જણાવ્યું કે તેમની પાર્ટીએ વિદેશ કાર્યાલયને પૂછ્યું છે કે શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરી શકાય.

ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદીની હાજરી ઈચ્છે છે PTI

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવેલી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના એક ટોચના નેતાએ બુધવારે જણાવ્યું કે તેમની પાર્ટીએ વિદેશ કાર્યાલયને પૂછ્યું છે કે શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરી શકાય. ઈમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈ આ મહિનાની 25 તારીખના રોજ નેશનલ એસેમ્બલી માટે થયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. તે પોતાની સહયોગી પાર્ટીઓ અને અપક્ષ સાંસદોના સમર્થનથી સરકારનું ગઠન કરી શકે છે. 

પીટીઆઈના પ્રમુખે સોમવારે કહ્યું હતું કે તેઓ 11 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરીના હવાલે ધ ડોનના અહેવાલોમાં કહેવાયું છે કે પાર્ટીએ વિદેશ કાર્યાલયને પૂછ્યું છે કે બહુ ઓછો સમય રહ્યો હોવાના કારણે શું મોદી સહિત અન્ય વિદેશી ગણમાન્ય હસ્તીઓને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપી શકાય. ચૌધરીએ કહ્યું કે પાર્ટી વિદેશ કાર્યાલયના જવાબની રાહ જોઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ સોમવારે ઈમરાન ખાનને ફોન કરીને ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન અઆને ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે તેઓ કામ કરશે. ઈમરાન ખાને શુભકામનાઓ બદલ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. 

સુપ્રીમ કોર્ટની બહાર મીડિયા સાથે વાતચીતમાં ચૌધરીએ કહ્યું કે બોલિવૂડ સ્ટાર આમિર ખાન, ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગાવસ્કર જેવી હસ્તીઓને પાર્ટી તરફથી શપથ ગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવ્યાં છે. ચૌધરી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિબ નિસારને મળવા ગયા હતાં. 

મે 2014માં જ્યારે પીએમ મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતાં ત્યારે તેમણે તે સમયના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું અને શરીફ નવી દિલ્હી આવ્યાં પણ હતાં. ત્યારબાદ ડિસેમ્બર 2015માં મોદી શરીફને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે અચાનક લાહોર પહોંચ્યા હતાં. જો કે હાલના સમયમાં ભારત અને પાકિસ્તાનના સંબંધ તણાવપૂર્ણ બન્યા છે અને કોઈ દ્વિપક્ષીય વાર્તા થઈ રહી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news