પાક.માં જ્યાં આતંકી હુમલો થયો એ દરગાહ દક્ષિણ એશિયાની સૌથી મોટી અને 11મી સદીની છે

પાકિસ્તાનના લાહોરમાં સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત સુફી દરગાહ 'દાતા દરબાર'ની બહાર આજે થયેલા એક આતંકી હુમલામાં 8નાં મોત થયા છે અને 24થી વધુ ઘાયલ થયા છે 
 

પાક.માં જ્યાં આતંકી હુમલો થયો એ દરગાહ દક્ષિણ એશિયાની સૌથી મોટી અને 11મી સદીની છે

લાહોરઃ પાકિસ્તાનના લાહોરમાં આજે જે દાતા દરબાર દરગાહ પર ફિદાયિન હુમલો થયો છે તે દક્ષિણ એશિયાની સૌથી મોટી અને 11મી સદીમાં બનેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરગાહની બહાર તૈનાત પાકિસ્તાનની પંજાબ પોલીસની વિશેષ ટૂકડી 'એલાઈટ ફોર્સ'ના વાહનને નિશાન બનાવીને આ હુમલો કરાયો હતો. પાકિસ્તાન સ્થિત તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે અને અત્યાર સુધી 5 પોલીસ કર્મચારી સહિત અનેક સામાન્ય નાગરિકના આ હુમલામાં મોત થયા છે. 

જાણો દરગાહની વિશેષતા 
1. દાતા દરબાર 11મી સદીના સુફી સંત અબુ હસન અલ હુજવીરીની દરગાહ છે. તેમને 'દાતા ગંજ બખ્શ' પણ કહેવામાં આવે છે. 11મી સદીમાં આ સુફી સંત અહીં રહેતા હતા. 

2. દાતા દરબારના ઉર્સમાં દર વર્ષે લગભગ 10 લાખથી વધુ લોકો આવે છે. 

3. જનરલ ઝિયા-ઉલ-હકના કાર્યકાળ દરમિયાન આ દરગાહનું રિનોવેશન કરીને તેનો વિસ્તાર મોટો બનાવાયો હતો. 

4. 1960માં પાકિસ્તાનની સરકારે 'વક્ફ અધ્યાદેશ' અંતર્ગત આ દરગાહને પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. 

5. 1965માં દરગાહની નજીક દર વર્ષે બે દિવસ 'મહેફિલ-એ-શમા' નામથી અહીં કવ્વાલી મહોત્સવનું આયોજન શરૂ થયું હતું. 1992માં આ આયોજનને નજીકની જ એક સ્કૂલમાં ખસેડવામાં આવ્યું છે. 

6. આ અગાઉ, 1 જુલાઈ, 2010ના રોજ અહીં બે આત્માઘાતી બોમ્બ વિસ્ફોટ થયા હતા. એ હમલામાં 50 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

સવારે 8.45 કલાકે થયો હુમલો 
અશફાક અહેમદ ખાન - ડીઆઈજી(ઓપરેશન્સ) લાહોરે જણાવ્યું કે, "આ ફિદાયિન હુમલો સવારે 8.45 કલાકે ગેટ નંબર-2ની બહાર 'એલાઈટ ફોર્સ'ના વાહનને નિશાન બનાવીને કરાયો હતો. અત્યાર સુધી આ હુમલામાં 8નાં મોત થયા છે અને 24થી વધુ ઘાયલ થયા છે." 

એલાઈટ ફોર્સ
'એલાઈટ ફોર્સ' એ પંજાબ પોલીસની આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરતી વિશેષ શાખા છે.. આ ટીમ આતંકવાદ વિરોધી ઓપરેશન, અતી જોખમવાળા રિસર્ચ ઓપરેશન, દરોડા પાડવા અને રાહત-બચાવ કાર્યોનું કામ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news