SA vs IND Highlights: સાઉથ આફ્રિકાને ટક્કર પણ ન આપી શકી ટીમ ઈન્ડિયા, ત્રીજા દિવસે મળી શરમજનક હાર

SA vs IND Highlights: ભારતીય ટીમને સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો છે. સેન્ચુરિયનમાં મેચ ત્રીજા દિવસે સમાપ્ત થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરો સામે ભારતના બેટરો ઘુંટણીયે પડી ગયા હતા. 
 

SA vs IND Highlights: સાઉથ આફ્રિકાને ટક્કર પણ ન આપી શકી ટીમ ઈન્ડિયા, ત્રીજા દિવસે મળી શરમજનક હાર

સેન્ચુરિયનઃ ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે આશા હતી કે રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આ કમાલ કરી દેશે. પરંતુ આ સપનું તૂટી ગયું છે. સેન્ચુરિયનમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમને એક ઈનિંગ અને 32 રનથી હાર મળી છે. વરસાદને કારણે પ્રથમ બે દિવસમાં આશરે 134 ઓવરની રમત શક્ય બની હતી. તેમ છતાં ભારતીય ટીમ ત્રીજા દિવસે મેચ હારી ગઈ. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 408 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમ 245 રનમાં આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં 163 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં માત્ર 131 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે આ સિરીઝ આફ્રિકા જીતશે અથવા ડ્રો થશે. 

ભારતની બેટિંગ નિષ્ફળ રહી
163 રનની લીડ સાથે ઉતરેલી સાઉથ આફ્રિકાએ રોહિત શર્માને શૂન્ય રને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ નાંદ્રે બર્ગરે યશસ્વી જાયસવાલને આઉટ કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ પણ 26 રને માર્કો યાનસેનનો શિકાર બન્યો હતો.
શ્રેયસ અય્યર 6 અને રાહુલ 4 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ 76 રન ફટકાર્યા હતા. કોહલી છેલ્લી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. 

પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલની સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 245 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેએલ રાહુલ (101) સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ 38, શ્રેયસ અય્યરે 31, શાર્દુલ ઠાકુરે 24 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જાયસવાલ 17, રોહિત શર્મા 5, શુભમન ગિલ 2, અશ્વિન 8 રન બનાવી આઉટ થયા હતા. આફ્રિકા તરફથી કગિસો રબાડાએ 59 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય નાંદ્રે બર્ગરને 3 સફળતા મળી હતી. 

આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 408 રન
સાઉથ આફ્રિકા તરફથી પ્રથમ ઈનિંગમાં ડીન એલ્ગરે 185 રન બનાવ્યા હતા. આ સિવાય બેડિંગઘમ 58, માર્કો યાનસેને 84 રન બનાવ્યા હતા. માર્કરમ 5, કીગન પીટરસન 2 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય સિરાજને બે સફળતા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news