Odi World Cup 2023: વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, ICC અને BCCI એ ઠુકરાવી આ માંગ

CWC 2023: આ વર્ષે વર્લ્ડકપનો પ્રારંભ 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલાથી થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં રમશે. તો પાકિસ્તાનની ટીમ પોતાની પ્રથમ મેચ છ ઓક્ટોબરે હૈદરાબાદમાં રમશે.  

Odi World Cup 2023: વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, ICC અને BCCI એ ઠુકરાવી આ માંગ

નવી દિલ્હીઃ India Vs Pakistan ODI World Cup 2023: ક્રિકેટના મહાકુંભ કહેવાતા વિશ્વકપને શરૂ થવામાં હવે વધુ સમય નથી. આ ટૂર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)જલદી વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરવાનું છે. 

પરંતુ આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં પીસીબીએ ICC અને BCCI પાસે એક માંગ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી પોતાની મેચનું વેન્યૂ આપસમાં બદલાવવાની અપીલ કરી હતી. 

સ્થળ બદલવાની હતી ઈચ્છા
પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરૂમાં મેચ રમવાની છે. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ ચેન્નઈમાં મેચ રમાશે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન બોર્ડે બંને વેન્યૂને આપસમાં બદલાવવાની માંગ કરી હતી. 

પીસીબી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં અને અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગલુરૂમાં મેચ રમવા ઈચ્છતું હતું. પરંતુ ક્રિકબઝ પ્રમાણે ICC અને BCCI એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ માંગ ઠુકરાવી દીધી છે. આઈસીસી અને બીસીસીઆઈએ મંગળવારે એક બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે પોતાના નિર્ણય વિશે સત્તાવાર રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને માહિતી આપી દીધી છે. 

વર્લ્ડ કપનું પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે
નોંધનીય છે કે આ વર્ષે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાછલા વખતની રનર્સઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. તો ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. પાકિસ્તાનની ટીમ પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં ક્વોલિફાયર ટીમ વિરુદ્ધ રમશે. 

પાકિસ્તાન ટીમનો કાર્યક્રમ
ઑક્ટોબર 6 વિ ક્વોલિફાયર ટીમ, હૈદરાબાદ
12 ઓક્ટોબર વિ ક્વોલિફાયર, હૈદરાબાદ
15 ઓક્ટોબર વિરુદ્ધ ભારત, અમદાવાદ
20 ઓક્ટોબર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ
23 ઓક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન, ચેન્નાઈ
27 ઓક્ટોબર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ
31 ઓક્ટોબર વિરુદ્ધ બાંગ્લાદેશ, કોલકાતા
5 નવેમ્બર વિ. ન્યુઝીલેન્ડ, બેંગલુરુ
12 નવેમ્બર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલકાતા

કઈ પરિસ્થિતિમાં બદલી શકાય છે વેન્યૂ?
પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના બંને વેન્યૂ કેમ બદલવા ઈચ્છતું હતું? તેનો જવાબ તેણે આપ્યો નથી. તેવામાં આઈસીસી અને બીસીસીઆઈએ તેની વિનંતી ઠુકરાવી દીધી છે. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટ ખુબ નજીક છે, તેવામાં વેન્યૂ બદલી શકાય નહીં. આમ પણ વેન્યૂ બદલવાનો અધિકાર ભારતની પાસે છે, પરંતુ તેમાં આઈસીસીની મંજૂરીની જરૂર પડશે. 

મહત્વનું છે કે જ્યારે ખેલાડીઓની સુરક્ષાને લઈને કોઈ સમસ્યા હોય ત્યારે જ વર્લ્ડ કપમાં સ્થળ બદલી શકાય છે. પણ અહીં એવું કંઈ નથી. ઉપરાંત, બીજી પરિસ્થિતિમાં, જ્યારે તે મેદાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે યોગ્ય ન ગણાય ત્યારે સ્થળ બદલી શકાય છે. આવી સ્થિતિમાં, જો અહીં બંને પરિસ્થિતિનું નિર્માણ કરવામાં નહીં આવે, તો સ્થળ બદલી શકાશે નહીં.

પાકિસ્તાને ટીમ ઈન્ડિયા વિરુદ્ધ પોતાની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે. તેવામાં પીસીબીએ સુરક્ષા કારણોનો હવાલો આપીને આ વેન્યૂને પણ બદલવાની માંગ કરી હતી, પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ આ માંગ પર ધ્યાન આપ્યું નહીં. આ પહેલા 2016માં ટી20 વિશ્વકપ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચને સુરક્ષાના કારણોસર ધર્મશાલાથી કોલકત્તા શિફ્ટ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news