IPL 2019: કોલકત્તાએ કિંગ્સ ઇલેવન પંજાબને 28 રને આપ્યો પરાજય

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના 12માં મેચમાં યજમાન કોલકત્તા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને રને પરાજય આપીને સતત બીજો વિજય મેળવ્યો છે. 

IPL 2019: કોલકત્તાએ કિંગ્સ ઇલેવન પંજાબને 28 રને આપ્યો પરાજય

કોલકત્તાઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાયેલા આઈપીએલના 12માં મુકાબલામાં કેકેઆરે પંજાબને રનથી પરાજય આપીને બીજો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ નીતીશ રાણા અને ઉથપ્પાની અડધી સદી તથા રસેલના આક્રમક 47 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં  4 વિકેટ ગુમાવીને 190 રન બનાવી શકી હતી. પંજાબ તરફથી ડેવિડ મિલરે 59* અને મયંક અગ્રવાલે 58 રન બનાવ્યા હતા. કોલકત્તા તરફથી રસેલે બે વિકેટ ઝડપી હતી. 

પંજાબની શરૂઆત નિરાશાજનક રહી, કારણ કે ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલના રૂપમાં ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. તે 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લોકી ફર્ગ્યૂસને તેને મિડ ઓફમાં કુલદીપ યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. અહીંથી ગેલ અને અગ્રવાલની જોડીએ ઈનિંગને સંભાળી હતી પરંતુ આંદ્રે રસેલે પાંચમી ઓવરના બીજા બોલ પર કોલકત્તાને મોટી સફળતા અપાવી હતી. રસેલે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને પ્રસિદ્ધ કૃષ્ણના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બંન્ને બેટ્સમેનો વચ્ચે બીજા વિકેટ માટે 26 રનની ભાગીદારી થઈ હતી. 

ત્યારબાદ રસેલે 7.3 ઓવરમાં કોલકત્તાને વધુ એક સફળતા અપાવી હતી. ગેલ બાદ તેણે સરફરાઝ ખાન (13)ને કેપ્ટન દિનેશ કાર્તિકના હાથે વિકેટપાછળ કેચ આઉટ કરાવીને ડગઆઉટમાં મોકલ્યો હતો. ત્રીજી વિકેટ માટે સરફરાઝે મયંકની સાથે 23 રનની ભાગીદારી કરી હતી. 

ત્યારબાદ ડેવિડ મિલર અને મયંક અગ્રવાલે ચોથી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. મયંક અગ્રવાલે આઈપીએલના કરિયરમાં પોતાની ચોથી અડધી સદી પૂરી કરી હતી. મયંક (58)ને પિયૂષ ચાવલાએ ક્લિન બોલ્ડ કર્યો હતો. તેણે 34 બોલમાં 6 ફોર અને એક સિક્સ ફટકારી હતી. 

કોલકત્તાની ઈનિંગનો રોમાંચ
કોલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે નીતીશ રાણાએ 63 રન ફટકાર્યા હતા. રાણાએ પોતાની 34 બોલની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રોબિન ઉથપ્પાએ 67 રનની જોરદાર ઈનિંગ રમી હતી. ઉથપ્પા સિવાય આંદ્રે રસેલે પણ આક્રમક 48 રનનું યોગદાન આપ્યું હતું. કિંગ્સ ઈલેવન પંજાબના બલરોમાં એંડ્રયૂ ટાય, મોહમ્મદ શમી, હાર્ડસ વિલ્જોન અને વરૂણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી. 

કોલકત્તાએ પોતાની પ્રથમ વિકેટ ક્રિસ લિનના રૂપમાં ગુવાવી, જ્યારે તેને કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ડેવિડ મિલરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ક્રિસ લિન 10 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ લિન બાદ સુનીલ નરેન પણ આઉટ થઈ ગયો હતો. તેણે 24 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં નરેને 1 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. 

કોલકત્તાને ત્રીજો ઝટકો વરૂણ ચક્રવર્તીએ આપ્યો, જેણે આક્રમક બેટિંગ કરી રહેલા નીતીશ રાણાને મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રાણાએ 34 બોલમાં 63 રન ફટકાર્યા હતા. તેણે રોબિન ઉથપ્પા સાથે મળીને 110 રનની ભાગીદારી કરી હતી. મેચમાં તે સમયે એક નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે શમીએ 16.5 ઓવરમાં વિસ્ફોટક બેટ્સમેન રસેલને આઉટ કરી દીધો, પરંતુ ચારમાંથી માત્ર ત્રણ ફીલ્ડર રિંગની બહાર રહેવાને કારણે તેને નો-બોલ જાહેર કર્યો અને રસેલને જીવનદાન મળ્યું હતું. 

રસેલે આ જીવનદાનો ફાયદો ઉઠાવ્યો અને 17 બોલ પર ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. ઉથપ્પાએ 50 બોલ પર છ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. કેપ્ટન દિનેશ કાર્તિક એક રન બનાવીને અણનમ રહ્યો હતો. રસેલ અને ઉથપ્પાએ ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારીએ કોલકત્તાને 4 વિકેટ પર 218 રન સુધી પહોંચાડી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news