IND vs NED: ભારતીય બેટરોનો ધમાકો, રાહુલ-અય્યરની સદી, નેધરલેન્ડ સામે ફટકાર્યા 410 રન

World Cup 2023: આઈસીસી વિશ્વકપ-2023માં શાનદાર ફોર્મમાં રહેલી ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ સામે અંતિમ લીગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 410 રન ફટકાર્યા છે. ભારત તરફથી બે બેટરોએ સદી અને ત્રણ બેટરોએ અડધી સદી ફટકારી હતી. 
 

IND vs NED: ભારતીય બેટરોનો ધમાકો, રાહુલ-અય્યરની સદી, નેધરલેન્ડ સામે ફટકાર્યા 410 રન

બેંગલુરૂઃ દિવાળીના દિવસે ભારતીય બેટરોએ બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 410 રન ફટકારી દીધા છે અને નેધરલેન્ડને જીત માટે 411 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે વિશ્વકપના ઈતિહાસમાં બીજીવાર 400થી વધુ રન ફટકાર્યા છે. ભારત તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સિવાય રોહિત, ગિલ અને કોહલીએ અડધી સદી ફટકારી હતી. 

ગિલ-રોહિતે અપાવી આક્રમક શરૂઆત
ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે આક્રમક શરૂઆત કરી હતી. રોહિતે શરૂઆતી ઓવરમાં ફટકાબાજી શરૂ કરી પછી ગિલે મોર્ચો સંભાળ્યો હતો. ભારતે 10 ઓવરમાં વિના વિકેટે 91 રન ફટકારી દીધા હતા. ટીમને પ્રથમ ઝટકો 100 રનના સ્કોર પર લાગ્યો હતો. ગિલ 32 બોલમાં 51 રન ફટકારી આઉટ થયો હતો. ગિલે 4 સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા પણ 54 બોલમાં 61 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

કોહલીની અડધી સદી
વિરાટ કોહલી આ વિશ્વકપમાં શાનદાર ફોર્મમાં છે. બેંગલુરૂમાં કોહલીની 50મી વનડે સદીની આશા હતી. કોહલીએ ધીમી શરૂઆત બાદ શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી 56 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 51 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. 

શ્રેયસ અય્યરે ફટકારી સદી
શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિશ્વકપમાં અય્યરની પ્રથમ સદી છે. છેલ્લી કેટલીક મેચથી ફોર્મમાં આવેલા અય્યરે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. શ્રેયસ અય્યર 94 બોલમાં 10 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 128 રન બનાવી અણનમ રહ્યો હતો. 

રાહુલે 62 બોલમાં ફટકારી સદી
કેએલ રાહુલે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી. કેએલ રાહુલે માત્ર 62 બોલમાં 11 ચોગ્ગા અને 4 સિક્સ સાથે સદી પૂરી કરી હતી. કેએલ રાહુલ 64 બોલમાં 102 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ અને શ્રેયસ અય્યર વચ્ચે 127 બોલમાં 208 રનની ભાગીદારી થઈ હતી. કેએલ રાહુલ વિશ્વકપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. કેએલ રાહુલે 62 બોલમાં સદી પૂરી કરી હતી. આ પહેલા રોહિત શર્માના નામે રેકોર્ડ હતો, જેણે 63  બોલમાં અફઘાનિસ્તાન સામે સદી પૂરી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news