અઝલન શાહ કપઃ મનદીપની હેટ્રિક, ભારતે કેનેડાને 7-3થી હરાવ્યું

ભારતીય હોકી ટીમે મનદીપ સિંહની હેટ્રિકની મદદથી કેનેડાને 7-3થી પરાજય આપ્યો હતો. 
 

અઝલન શાહ કપઃ મનદીપની હેટ્રિક, ભારતે કેનેડાને 7-3થી હરાવ્યું

ઇપોહ (મલેશિયા): સ્ટ્રાઇકર મનદીપ સિંહની  હેટ્રિકની મદદથી ભારતે કેનેડાને 7-3થી હરાવીને અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. મનદીપે 20મી, 27મી અને 29મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. આ પહેલા વરૂણ કુમારે ભારતને 12મી મિનિટે લીડ અપાવી હતી. હાફ ટાઇમ સુધી ભારત 4-0થી આગળ હતું. કેનેડા માટે માર્ક પીયરસને 35મી મિનિટે ગોલ કર્યો હતો. 

ભારત માટે અમિત રોહિદાસે 39મી, વિવેક પ્રદાસે 55મી અને નીલાકાંતા શર્માએ 58મી મિનિટમાં ગોલ કર્યા હતા. કેનેડા માટે ફિન બૂથરાયડે 50મી અને જેમ્સ વાલાસે 57મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. આ જીતની સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાનું અપરાજય અભિયાન જાળવી રાખ્યું છે. 

ગ્રુપ સ્ટેજમાં ભારતે ત્રણ મેચ જીત્યા અને એક ડ્રો રમીને 10 પોઈન્ટ મેળવ્યા છે. હવે એક મેચ બાકી રહેતા ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. તે શુક્રવારે પોલેન્ડ સામે અંતિમ લીગ મેચ રમશે. કોરિયા સાત પોઈન્ટની સાથે બીજા સ્થાને છે જ્યારે મલેશિયા અને કેનેડાના છ પોઈન્ટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news