IND vs PAK: આવી હશે ભારત-પાકની પ્લેઇંગ 11, જાણો મેચ પ્રિડિક્શન, પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
T20 World Cup India vs Pakistan: આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક લાખ જેટલા ફેન્સની સામે ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાનમાં ઉતરશે તો બંને ટીમની નજર વિજય સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવાની હશે.
Trending Photos
મેલબોર્નઃ T20 World Cup India vs Pakistan: ટી20 વિશ્વકપ 2022માં આજે મહામુકાબલો રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર સમગ્ર વિશ્વના ક્રિકેટ ફેન્સની નજર છે. પાછલા વર્ષે ટી20 વિશ્વકપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું અને આ વખતે રોહિત શર્માની નજર બદલો લેવા પર છે. આ મેચમાં બંને ટીમની પ્લેઇંગ ઇલેવન, કેવો રહેશે મોસમનો મિજાજ સહિત તમામ જાણકારી મળશે.
બંને ટીમ માટે મહત્વના સમાચાર
ભારત માટે મોહમ્મદ શમીએ નેટ્સ પર ખુબ પરસેવો પાડ્યો છે અને કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે મુકાબલા માટે તૈયાર છે. શમીની હાજરીમાં ભારતીય બોલિંગ યુનિટને મજબૂતી મળશે. શુક્રવારે માથામાં ઈજા થયા બાદ શાન મસૂદ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે મેચ માટે ઉપલબ્ધ રહેશે. તેની પુષ્ટિ બાબર આઝમે કરી દીધી છે. પરંતુ ફખર જમાન હજુ સંપૂર્ણ ફિટ થયો નથી અને તે પ્રથમ બે મેચ ગુમાવશે.
હજુ નથી ભૂલાયો તે જીતનો જખ્મ
રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં પાછલા વર્ષે મળેલા પરાજયને ભૂલ્યા હશે નહીં. તેના પર એશિયા કપ રમવા પાકિસ્તાન ન જવાના બીસીસીઆઈના નિવેદન અને આગામી વર્ષે ભારતમાં રમાનાર વનડે વિશ્વકપમાંથી હટવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ટીમ સંયોજન છે. છેલ્લા કેટલાક સમયથી ભારતને સ્થિર ટીમ સંયોજન મળી શક્યું નથી. ભારતે એક વધારાનો બોલર ઉતારવા માટે નિષ્ણાંત વિકેટકીપર પંતને બહાર બેસાડવો પડે છે.
પાકિસ્તાનની બોલિંગ મજબૂત
બેટિંગ ક્રમને આફ્રિદી સિવાય નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે. ભારતના ટોપના ત્રણ બેટર આફ્રિદીને પાવરપ્લેમાં કઈ રીતે રમે છે, તેનાથી મેચની દશા અને દિશા નક્કી થશે. તેવામાં ટી20 ફોર્મેટમાં ભારતના નંબર એક બેટર સૂર્યકુમાર યાદવ પર નિર્ભર રહેશે કે તે પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે બેટિંગ કરે છે.
ભારત-પાકનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી આઠમાં ભારત અને ત્રણ વખત પાકિસ્તાનને જીત મળી છે. ટી20 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ છમાંથી પાંચ મેચ જીતી છે.
ઓસ્ટ્રેલિયામાં કેવું રહ્યું છે બંને ટીમોનું પ્રદર્શન?
પાકિસ્તાને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ચાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ ક્યારેય જીત મળી નથી. પાકિસ્તાને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો એક મેચનું પરિણામ આવ્યું નથી. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે. તેણે 12માંથી સાત મેચમાં જીત મેળવી છે, જ્યારે ચાર મેચમાં હારનો સામનો કર્યો છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.
શું છે હવામાનની અપડેટ?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારા મેચમાં પહેલા વરસાદનો ખતરો હતો. પરંતુ મેચ નજીક આવતા વરસાદની સંભાવના ઓછી થઈ ગઈ છે. બે દિવસ પહેલા વરસાદની સંભાવના 80 ટકા હતી પરંતુ હવે ઘટીને 20 ટકા રહી ગઈ છે.
કઈ ટીમને મળી શકે છે જીત?
મુકાબલો ખુબ રોમાંચક હશે અને તેમાં જે ટીમની બેટિંગ સારી હશે તેને જીત મળશે. મજબૂત બોલિંગને કારણે પાકિસ્તાન ભારત કરતા થોડું આગળ છે. પરંતુ જો ભારતના ટોપના બેટરો ચાલી ગયા તો મુકાબલો બરાબરીનો થશે.
શું હોય શકે છે બંને ટીમની સંભાવિત પ્લેઇંગ ઇલેવન?
ભારત- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
પાકિસ્તાન- બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રઉફ અને શાહીન આફ્રિદી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે