IND vs NZ: બીજી ઈનિંગમાં ભારત 90/6, ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડનો દબદબો


ભારતીય ટીમ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે. પ્રથમ ઈનિંગમાં સાત રનની લીડ મેળવ્યા બાદ ટીમે બીજી ઈનિંગમાં 90 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. 

IND vs NZ: બીજી ઈનિંગમાં ભારત 90/6, ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડનો દબદબો

ક્રાઇસ્ટચર્ચઃ India vs New Zealand 2nd Test Day 2: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો હેગલી ઓવલ મેદાનમાં રમાઇ રહ્યો છે. મેચના બીજા દિવસે ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સારી શરૂઆત કરી અને ન્યૂઝીલેન્ડને 235 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતીય ટીમને પ્રથમ દાવના આધારે 7 રનની લીડ મળી હતી. 

બીજા દિવસની રમત પૂરી થયા સુધી ભારતીય ટીમે 90 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. ભારતની કુલ લીડ 97 રન છે. દિવસના અંતે હનુમા વિહારી 5 અને રિષભ પંત 1 રન બનાવી ક્રીઝ પર છે. 

આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 242 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમ લાગી રહ્યું હતું કે, યજમાન ટીમ મોટો સ્કોર બનાવી શકે છે, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂઝીલેન્ડની ટીમને 73.1 ઓવરમાં 235 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. તેવામાં ભારતને 7 રનની લીડ મળી હતી. પ્રથમ ઈનિંગમાં ભારત માટે શમીએ 4, બુમરાહે 3, જાડેજાએ 2 અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. 

બીજી ઈનિંગમાં પડી ભારતની 6 વિકેટ
પ્રથમ ઈનિંગમાં 7 રનની લીડ હાંસિલ કર્યાં બાદ ભારતની બીજી ઈનિંગની શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો. બીજી ઓવરમાં મયંક અગ્રવાલ 3 રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઈનિંડમાં અડધી સદી ફટકારનાર પૃથ્વી શોને ટીમ સાઉદીએ આઉટ કર્યો હતો. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સિરીઝમાં ફરી એક વખત ફ્લોપ રહ્યો હતો. કોહલીને 14 રનના સ્કોર પર કોલિન ડિ ગ્રાન્ડહોમે LBW આઉટ કર્યો હતો. સતત સંઘર્ષ કરી રહેલ રહાણે 9 રન બનાવી નીલ વેગનરનો શિકાર બન્યો હતો. ચેતેશ્વર પૂજારાને ટ્રેન્ટ બોલ્ટે 24 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ભારતે દિવસની છેલ્લી વિકેટ નાઇટવોચમેન ઉમેશ યાદવના રૂપમાં ગુમાવી હતી. 

ન્યૂઝીલેન્ડની ઈનિંગ
બીજા દિવસે ભારતને પ્રથમ સફળતા ઉમેશ યાદવે અપાવી હતી. ટોમ બ્લંડેલને તેણે 30 રનના સ્કોર પર LBW આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન 3 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમને ત્રીજી સફળતા જાડેજાએ રોસ ટેલર (15)ને આઉટ કરીને અપાવી હતી. 

ઓપનર ટોમ લાથમે અડધી સદી ફટકારી હતી. તેણે 119 બોલમાં 5 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ મોહમ્મદ શમીએ તેને બોલ્ડ કર્યો હતો. તે 52 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ હેનરી નિકોલ્સના રૂપમાં ભારતને પાંચમી સફળતા મળી હતી. નિકોલ્સે 14 રન બનાવ્યા હતા. 

લંચ બાદ પણ ન્યૂઝીલેન્ડે સતત વિકેટ ગુમાવી હતી. બુમરાહે વોટલિંગને શૂન્ય પર આઉટ કર્યો હતો. ત્યારબાદ સાઉદી પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કોલિન ડિ ગ્રાન્ડહોમને જાડેજાએ બોલ્ડ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલ જેમીસને અંતમાં 49 અને નીલ વેગનરે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ બંન્નેની ભાગીદારીથી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના સ્કોરની નજીક પહોંચવામાં સફળ રહી હતી.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news