Ind Vs Eng: વન-ડેમાં વિરાટ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ, મેળવી મોટી સિદ્ધિ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ પછી વન-ડે સિરીઝમાં પણ શાનદાર ફોર્મ ચાલુ છે. તેણે સિરીઝની બીજી મેચમાં 66 રનની ઈનિંગ્સ રમી.
Trending Photos
પુણે: ઈંગ્લેન્ડ (England) સામે પુણેમાં રમાયેલી બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ (Virat Kohli) મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે નંબર-3 પર બેટિંગ કરતાં 10,000 રન પૂરા કર્યા. તેના માટે તેણે 190 ઈનિંગ્સ લીધી. ત્રીજા નંબર પર બેટિંગ કરતાં 10,000 રન પૂરા કરનાર વિરાટ કોહલી દુનિયાનો બીજો બેટ્સમેન છે. તેની પહેલી રિકી પોન્ટિંગે (Ricky Ponting) આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાની કારકિર્દીમાં સૌથી વધારે વખત નંબર-3 પર બેટિંગ કરી. તેણે ત્રીજા નંબર પર કુલ 12,662 રન બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ 42.48ની રહી. તેમાં 29 સદી અને 74 અર્ધસદીનો સમાવેશ થાય છે.
વિરાટ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ
વિરાટ કોહલીએ (Virat Kohli) વન-ડેમાં ત્રીજા નંબરે બેટિંગ કરતાં કુલ 36 સદી ફટકારી છે. તેની એવરેજ 62.78ની છે. કોહલી વર્ષ 2012થી નંબર ત્રણ પર બેટિંગ કરી રહ્યો છે. કોહલીના નામે નંબર ત્રણ પર બેટિંગ કરતાં 10046 રન થઈ ગયા છે.
પોન્ટિંગ-કોહલી પણ કોણ છે આગળ
કોહલી (Virat Kohli) અને પોન્ટિંગ પછી શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ નંબર ત્રણ પર બેટિંગ કરતાં સૌથી વધારે રન બનાવ્યા છે. સંગાકારાએ વન-ડેમાં નંબર ત્રણ પર 9747 રન બનાવ્યા. તેણે 238 ઈનિંગ્સમાં આ રન બનાવ્યા. તેની એવરેજ 44.71ની રહી. તો સાઉથ આફ્રિકાના જેક્સ કાલિસે 7774 અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સને 5421 રન બનાવ્યા.
વિરાટે ગ્રીમ સ્મિથને પાછળ છોડ્યો
વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે વન-ડે ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથથી આગળ નીકળી ગયો છે. કોહલીએ કેપ્ટન તરીકે 94 વનડે મેચમાં 5442 રન બનાવ્યા છે. જ્યારે સ્મિથે 150 વન-ડેમાં 5416 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ નંબર વન છે. પોન્ટિંગે 230 વન-ડે મેચમાં 8497 રન બનાવ્યા. જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજા નંબર પર છે. તેણે 200 વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરી અને 6641 રન બનાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે