Pro Kabaddi: ઘરઆંગણે ગુજરાતનું શાનદાર પ્રદર્શન યથાવત, રોમાંચક મેચમાં યૂપી યોદ્ધાને 37-32થી હરાવ્યું
ગુજરાતની ટીમે પ્રો કબડ્ડીની સિઝન-6માં પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. આ સાથે ઘરઆંગણે એકપણ મેચ ન હારવાનો ગુજરાતનો રેકોર્ડ હજુ યથાવત છે.
Trending Photos
અમદાવાદઃ પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સિઝનમાં યજમાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે ઘરઆંગણે તેની શાનદાર રમત જાળવી રાખતા યૂપી યોદ્ધા સામેની મેચમાં 37-32થી અત્યંત રોમાંચકતા બાદ વિજય મેળવ્યો હતો. રમતની છેલ્લી ઘડી સુધી મેચનું પલડું બન્ને ટીમો તરફે ઢળતું જોવા મળ્યું હતું પરંતુ યજમાન ટીમે તેના ઘરઆંગણે સમર્થકોના સમર્થન અને છેલ્લી ઘડીએ જોરદાર આક્રમક રમત બતાવીને મેચને પોતાની તરફેણમાં કરી લીધી હતી. શહેરના એરેના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે રમાયેલી મેચ રોમાંચથી ભરપૂર રહી હતી. અનેક તબક્કે મેચમાં બન્ને ટીમો વચ્ચે પોઈન્ટને લઈને ભારે સંઘર્ષ થતો જોવા મળ્યો હતો. આ સાથે ગુજરાતના અગિયાર મેચમાં આઠ વિજય સાથે 47 પોઈન્ટ થયા છે. જ્યારે યુપીએ તેની 15 મેચમાં નવમી મેચ ગુમાવી છે અને તેના 29 પોઈન્ટ થયા છે. તથા તે ઝોન બીમાં પાંચમાં ક્રમે છે. ગુજરાતે ઝોન એમાં તેનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે. ઝોન એમાં ગુજરાત હજુ યુ મુંમ્બાથી નવ પોઈન્ટ પાછળ છે, જો કે મુંમ્બા કરતા ગુજરાત અત્યાર સુધીમાં ત્રણ મેચ ઓછી રમ્યું છે.
આજે ગુજરાતની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી અને પ્રથમ હાફમાં ટીમે સતત પોઈન્ટ મેળવ્યા હતા અને રમતની થોડી જ વારમાં તો યુપીની ટીમને ઓલઆઉટ કરી નાખી હતી. એ સાથે જ યજમાન ટીમે પ્રારંભે જ મેચ પર પકડ જમાવી લીધી હતી. હાફ ટાઈમ પર ગુજરાતની ટીમે 19-10ની સરસાઈ મેળવી લીધી હતી. આ તબક્કે ગુજરાતની ટીમ રમતના દરેક પાસામાં યૂપીની ટીમ સામે મજબૂત જણાઈ હતી અને તેણે હાફ ટાઈમ સુધીમાં રેડથી યુપીના પાંચ પોઈન્ટની સરખામણીએ સાત, ટેકલમાં પાંચની સામે આઠ, ઓલઆઉટના અને એકસ્ટ્રા બે-બે પોઈન્ટ મેળવ્યા હતા.
બીજા હાફમાં યજમાન ટીમે શરૂઆતમાં કેટલિક ભૂલો કરતા તેમણે તેની કિંમત ચૂવવી પડી હતી અને કેટલાક પોઈન્ટ ગુમાવ્યા હતા. એટલું જ નહિ એક તબક્કે તો ટીમ ઓલ આઉટ થઈ જતા યુપીએ 23-22થી સરસાઈ મેળવી હતી. જોકે, પ્રેક્ષકોના જોરદાર સમર્થન સાથે રમી રહેલી યજમાન ટીમ વળતી લડત આપીને મેચમાં પાછી ફરી હતી. છતાં તેણે વિજય માટે રીતસર ઝઝૂમવું પડ્યું હતું અને છેલ્લી ઘડી સુધી મેચ કઈ તરફે વળશે તે કહેવું મુશ્કેલ બન્યું હતું પરંતુ ગુજરાતના ખેલાડીઓએ શાનદાર આક્રમક રમત બતાવીને ઘરઆંગણે તેની વિજય કૂચ જાળવી રાખી છે.
મેચ બાદ ગુજરાતના કોચ મનપ્રિતે કહ્યું હતું કે રમતના બીજા હાફમાં અમારી કેટલિક ભૂલો થઈ હતી જેથી મેચમાં વિજય મેળવવા અમારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે