ફીફા વર્લ્ડ કપ 2018માં બ્રાઝીલ અને મેક્સિકો વચ્ચે જંગ, હવે નેમાર પર નજર

બ્રાઝીલ માટે મેક્સિકોને હરાવવું એક મજબૂત પડકાર સાબિત થઈ શકે છે. 

ફીફા વર્લ્ડ કપ 2018માં બ્રાઝીલ અને મેક્સિકો વચ્ચે જંગ, હવે નેમાર પર નજર

સમારાઃ વર્લ્ડ કપ ફુટબોલની ત્રિમૂર્તી (રોનાલ્ડો, મેસી અને નેમાર)માંથી બે વિશ્વકપમાંથી વિદાઈ લઈ ચૂક્યા છે અને હવે બધાની નજર નેમાર પર હશે, જ્યારે બ્રાઝીલ આજે મેક્સિકોન વિરુદ્ધ રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં મેદાન પર હશે. 1990 બાદ બ્રાઝીલે તમામ વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે અને તે પોતાનો રેકોર્ડ યથાવત રાખવાનો પ્રયત્ન કરશે. પરંતુ તેના માટે આ બધુ સરળ રહેવાનું નથી કારણ કે, તેની ટક્કર તે ટીમ સાથે છે જેણે લીગ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીને હરાવીને અપસેટ સર્જયો હતો. 

ડિફેન્સને ભેદવાનો પડકારઃ બ્રાઝીલની ટીમ પોતાના બંન્ન ગ્રુપ મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. છઠ્ઠા ટાઇટલના લક્ષ્ય સાથે આ ટૂર્નામેન્ટમાં ઉતરેલી બ્રાઝીલની ટીમ કોઈપણ સ્થિતિમાં પાછળ નહીં હટે. તે મેક્સિકોના પ્રદર્શનથી પરિચિત છે અને તેનું લક્ષ્ય ટીમના ડિફેન્સ પર વાર કરવાનું હશે. મેક્સિકોના ડિફેન્સને તોડવો તેના માટે સમારા એરીનામાં રમાનાર મેચનો સૌથી મોટો પડકાર હશે. તેની પાસે નેમાર અને કોટિન્હો સિવાય થિયાગો સિલ્વા અને ગેબ્રિએલ જીસૂસ જેવા ખેલાડીઓ પણ સામેલ છે. 

પ્રી-ક્વાર્ટરનું વિઘ્નઃ મેક્સિકોએ સતત સાતમી વાર વિશ્વકપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ ટીમ છેલ્લી છ તક પર અંતિમ-16ના વિઘ્નને પાર પાડવામાં નિષ્ફળ રહી છે. ગ્રુપ મેચમાં જર્મની અને સાઉથ કોરિયાને હરાવ્યા બાદ તેને સ્વીડન સામે હાર મળી હતી. 

ફીફા વિશ્વકપમાં અત્યાર સુધી મેક્સિકોએ માત્ર બે વાર જ ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી છે. તે 1970 અને 1986માં અંતિમ-8માં પ્રવેશ કર્યો હતો, જ્યારે બ્રાઝીલની ટીમ 13 વખત ફાઇનલમાં પહોંચી છે. તેવામાં મેક્સિકો માટે બ્રાઝીલ વિરુદ્ધ જીત મેળવીને અંતિમ-8 ટીમોમાં સ્થાન મેળવવું આસાન નહીં રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news