ENG vs IND: ઈંગ્લેન્ડ સામે રવિન્દ્ર જાડેજાએ ફટકારી સદી, બનાવ્યો ખાસ રેકોર્ડ

ENG vs IND: બર્મિંઘમ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. મેચના બીજા દિવસે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સદી પૂરી કરી હતી. 

ENG vs IND: ઈંગ્લેન્ડ સામે રવિન્દ્ર જાડેજાએ ફટકારી સદી, બનાવ્યો ખાસ રેકોર્ડ

બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ સામે એઝબેસ્ટનના બર્મિંઘમમાં ચાલી રહેલી પાંચમી રિશેડ્યૂલ ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બીજા દિવસે પોતાની ત્રીજી સદી પૂરી કરી હતી. આ સદી સાથે જાડેજાએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ટેસ્ટ કરિયરની આ ત્રીજી સદી છે. જાડેજાએ મેચના પ્રથમ દિવસે રિષભ પંત સાથે મળીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ભારતે 98 રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. 

રવિન્દ્ર જાડેજાના કરિયરની ત્રીજી સદી
રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી ફટકારી છે. જાડેજા 194 બોલમાં 13 ચોગ્ગા સાથે 104 રન બનાવી આઉટ થયો હતો. તો રવિન્દ્ર જાડેજા સાતમાં ક્રમે કે તેનાથી નીચા સ્થાને બેટિંગ કરી એક વર્ષમાં બે સદી ફટકારનાર ચોથો ભારતીય બની ગયો છે. આ પહેલાં કપિલ દેવ (1986), એમએસ ધોની (2009), હરભજન સિંહ (2010) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. 

ટેસ્ટ મેચની એક ઈનિંગમાં બે ડાબોડી બેટરોએ સદી ફટકારી
ભારત તરફથી બે લેફ્ટ હેન્ડ બેટરે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સદી ફટકારી હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ પહેલા 1999માં એસ રમેશ (100) અને સૌરવ ગાંગુલી (125) એ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ સૌરવ ગાંગુલી (239) અને યુવરાજ સિંહ (169) એ પાકિસ્તાન સામે 2007માં સદી ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ સામે એઝબેસ્ટ ટેસ્ટમાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી છે. 

ભારતીય ટીમ 416 રનમાં ઓલઆઉટ
એઝબેસ્ટ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 146 રન બનાવ્યા હતા. તો રવિન્દ્ર જાડેજાએ 104 રનની ઈનિંગ રમી હતી. અંતમાં કેપ્ટન બુમરાહે 16 બોલમાં ચાર ફોર અને બે સિક્સ સાથે અણનમ 31 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 60 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news