ENG vs AUS: બેન સ્ટોક્સની તોફાની ઈનિંગ પાણીમાં, લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાનો 43 રને વિજય

ENG vs AUS 2nd Test: એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 43 રને પરાજય આપ્યો છે. આ સાથે પેટ કમિન્સની ટીમે પાંચ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 

ENG vs AUS: બેન સ્ટોક્સની તોફાની ઈનિંગ પાણીમાં, લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાનો 43 રને વિજય

લંડનઃ England vs Australia 2nd Test: લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 43 રનથી પરાજય આપ્યો છે. આ રીતે કાંગારૂઓએ એશિઝ સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 371 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 327 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે અવિશ્વસનીય ઈનિંગ રમતા 155 રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં માત્ર 325 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ બીજી ઈનિંગમાં યજમાન ટીમે વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાને 279 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. આ રીતે ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં બેન સ્ટોક્સની ટીમ 327 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

સ્ટોક્સની સદી, ડકેટ સાથે ભાગીદારી
371 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માટે કેપ્ટન સ્ટોક્સે શાનદાર ઈનિંગ રમી હતી. સ્ટોક્સે 214 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને 9 સિક્સની મદદથી 155 રન ફટકાર્યા હતા. તે ટીમની સાતમી વિકેટ તરીકે આઉટ થયો હતો. તેણે બેન ડકેટ (112 બોલમાં 83 રન) ની સાથે પાંચમી વિકેટ માટે 132 રનની ભાગીદારી પણ કરી હતી. ડકેતે પોતાની ઈનિંગમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા. 

ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ
ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે મેચમાં છ વિકેટ ઝડપી હતી. તેણે બંને ઈનિંગમાં 3-3 બેટરોને આઉટ કર્યા હતા. બીજી ઈનિંગમાં પેટ કમિન્સ અને હેઝલવુડને પણ ત્રણ-ત્રણ સફળતા મળી હતી. પેટ કમિન્સની આગેવાનીમાં રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે એશિઝ સિરીઝમાં શાનદાર શરૂઆત કરતા 2-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news