અફગાનિસ્તાનનો ટી20માં ધમાકો, બનાવ્યા અનેક રેકોર્ડ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફગાનિસ્તાને 20 ઓવરમાં રેકોર્ડ 278/3 રન ફટકાર્યા હતા.
Trending Photos
દેહરાદૂનઃ શનિવારે અફગાનિસ્તાન ક્રિકેટની દેહરાદૂનમાં એવી આંધી ચાલી કે ટી20ના ઘણા રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા હતા. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ વિરુદ્ધ સિરીઝના બીજા મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફગાન ટીમે હજરતુલ્લાહ ઝાઝાઈની તોફાની સદી (અણનમ 162 રન, 62 બોલ, 16 સિક્સ, 11 ચોગ્ગા)ની મદદથી સનસની ફેલાવી દીધઈ હતી.
નજર કરો આ રેકોર્ડ્સ પર
-અફગાનિસ્તાને ટી20માં સૌથી મોટો સ્કોર બનાવ્યો - 278/3
-ટી20માં સૌથી મોટી ભાગીદારી- 236 (ઝાઝાઈ અને ઉસ્માન ગની (73) વચ્ચે)
- ટી20 આંતરરાષ્ટ્રીયની એક ઈનિંગમાં અફગાનિસ્તાને ફટકારી સૌથી વધુ 22 સિક્સ
- ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઝાઝાઈએ ફટકારી સૌથી વધુ સિક્સ (16)
- ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઝાઝાઈ (162*)નો બીજો સર્વોચ્ચ સ્કોર
અફગાનિસ્તાને ટી20નો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ પહેલા રેકોર્ડ રોયલ ચેલેન્જર બેંગલુરૂના નામે હતો, જેણે પુણે વોરિયર્સ વિરુદ્ધ 263/5 રન બનાવ્યા હતા.
ટી20માં સૌથી મોટા સ્કોર
278/3 અફગાનિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડ, દેહરાદૂન 2019
263/5, આરસીબી, પુણે વોરિયર્સ, બેંગલુરૂ, 2013
263/3, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા, પલ્લેકેલ, 2016
262/4 નોર્થ વેસ્ટ વિરુદ્ધ લિંપોપો, પર્લ, 2018
ટી20માં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો પણ રેકોર્ડ નોંધાયો. ઝાઝાઈ અને ઉસ્માન ગનીએ પ્રથમ વિકેટ માટે 136 રન જોડ્યા. આ જોડીએ વિરાટ અને એબી ડિવિલિયર્સના 229 રનનો રેકોર્ડ તોડ્યો.
અફગાનિસ્તાનની ઈનિંગમાં કુલ 22 સિક્સ લાગી, જે ટી20 આંતરરાષ્ટ્રીયની એક ઈનિંગમાં સૌથી વધુ છે. ઓવરઓલ ટી20ની વાત કરીએ તો એપીએલ ટી20 દરમિયાન 2018માં બલ્ખે કાબુલ વિરુદ્ધ 23 સિક્સ ફટકારી હતી.
હઝરતુલ્લાહ ઝાઝાઈએ 16 સિક્સ ફટકારી, જે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ છે. આ પહેલા ફિન્ચે 2014માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 14 સિક્સ ફટકારી હતી. ઓવરઓલ ટી20ની વાત કરીએ તો સર્વાધિક સિક્સનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેણે એક ઈનિંગમાં 18 સિક્સ ફટકારી હતી.
ઝાઝાઈ (162*)નો ટી20 આંતરરાષ્ટ્રીયમાં બીજો સર્વોચ્ચ સ્કોર છે. ફિન્ચ 172 રનની ઈનિંગ સાથે આગળ છે. ઓવરઓલ ટી20ની વાત કરીએ તો ક્રિસ ગેલ 175* રન બનાવીને ટોપ પર છે.
279 રનનો આસમાની લક્ષ્યનો પીછો કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 194/6 રન બનાવ્યા. અફગાને આ મેચ 84 રનથી જીતી લીધી હતી. આયર્લેન્ડ તરફથી કેપ્ટન પોલ સ્ટર્લિંગે 50 બોલમાં 91 રન ફટકાર્યા હતા. અફગાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે અફગાનિસ્તાને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે