વર્લ્ડ ફોટોગ્રાફી ડેઃ દુનિયાની કેટલીક યાદગાર તસવીરો, જે ક્યારેય ભુલાશે નહીં

સમગ્ર વિશ્વમાં 19 ઓગસ્ટનો દિવસ 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' તરીકે ઉજવાય છે. એક સમય હતો જ્યારે ફોટો ખેંચાવો હોય ત્યારે ફોટોગ્રાફરને શોધવા જવું પડતું હતું અને આજે આવેલી સ્માર્ટ ફોનની ક્રાંતિના કારણે લોકોના હાથમાં કેમેરો આવી ગયો છે, જેના કારણે હવે માહિતીનો પ્રચાર-પ્રસાર પણ ઝડપી બન્યો છે. 

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સમગ્ર વિશ્વમાં ખેંચવામાં આવેલી કેટલીક યાદગાર તસવીરો અને પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા તસવીરો અહીં રજુ કરી છે. સમગ્ર દુનિયામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે, જે આજે યાદગાર બની ગઈ છે અને તેની તસવીરોની ચર્ચા અવાર-નવાર કરવામાં આવે છે. વળી આ તસવીરો એવી અદભૂત છે કે માત્ર તસવીર જ સમગ્ર ઘટનાનું વર્ણન કરી જાય છે, તેનું શબ્દો દ્વારા વર્ણન કરવાની જરૂર પડે એમ જ નથી. 
 

ગાંધીજી અને તેમનો ચરખો

1/12
image

આ ફોટો 1946માં લાઈફ મેગેઝીનની પ્રથમ મહિલા ફોટોગ્રાફર માર્ગારેટ બુરકે-વ્હાઈટ દ્વારા ખેંચવામાં આવ્યો હતો. એ સમયે આજના જેવા અત્યાધુનિક કેમેરા ન હતા. આથી, ટેક્નિકલ ગરબડના કારણે બે નિષ્ફળ પ્રયાસ પછી માર્ગારેટ આ યાદગાર તસવીર ખેંચવામાં સફળ રહ્યા હતા. આ તસવીર ગાંધીજીના મૃત્યુના બે વર્ષ પહેલાંની છે. 

આલ્બર્ટ આઈન્સ્ટીન, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક

2/12
image

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સીટનના 72મા જન્મદિવસે 1951માં આ ફોટો ખેંચવામાં આવ્યો હતો. ફોટોગ્રાફરે આલ્બર્ટ આઈન્સ્ટીનને જ્યારે કેમેરા સામે સ્માઈલ કરવાનું કહ્યું ત્યારે તેમણે સ્માઈલ આપવાના બદલે પોતાની લાંબી જીભ બહાર કાઢી હતી. જોકે, ત્યાર પછી આ ફોટો આલ્બર્ટ આઈન્સ્ટીનના યાદગાર ફોટામાંનો એક બની ગયો હતો. આલ્બર્ટ આઈન્સ્ટીનને પણ આ ફોટો એટલો ગમી ગયો કે તેમણે ફોટોગ્રાફર પાસે આ ફોટાની 9 કોપી મગાવી હતી.  

ભારત-પાકિસ્તાનના ભાગલાની યાદ અપાવતી તસવીર

3/12
image

વર્ષ 1947માં બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળ્યા પછી હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા હતા. એ સમયે પાકિસ્તાનમાં રહેવા જવા માગતા લોકો ટ્રેનમાં બેસીને પાકિસ્તાન તરફ રવાના થયા હતા, જ્યારે ભારતમાં રહેવા માગતા લોકો પાકિસ્તાનથી ટ્રેનમાં બેસીને ભારત આવતા હતા. 1947માં ભાગલા સમયની આ યાદગાર તસવીર ઘણું બધું કહી જાય છે. 

મેરિલીન મુનરોની યાદગાર તસવીર

4/12
image

હોલિવૂડની અભિનેત્રી મેરિલીન મુનરોની 1954માં ન્યૂયોર્ક સિટીના સબવેના ગેટ પાસે ખેંચવામાં આવેલી આ તસવીર સમગ્ર વિશ્વની યાદગાર તસવીરોમાંની એક છે. ઉલ્લેખનીય છે કે, મેરિલીન મુનરો હોલિવૂડની સેક્સ સિમ્બોલ કહેવાતી હતી અને તેના જેવી લોકપ્રિયતા હજુ સુધી હોલિવૂડની એક પણ અભિનેત્રી મેળવી શકી નથી. 

સુદાનમાં ભુખમરો અને ગરીબી

5/12
image

સુદાનમાં દુષ્કાળના કારણે જે ભુખમરો અને ગરીબી ફેલાઈ હતી તેની વાસ્તવિક્તા દર્શાવતી આ તસવીર છે. 1993માં દક્ષિણ આફ્રિકાના ફોટોજર્નાલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા ખેંચવામાં આવેલી આ તસવીરને વિશ્વવિખ્યાત પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું હતું.   

ટિયાનમેન સ્ક્વેરમાં ચીનનું દમન

6/12
image

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ 1989માં બિજિંગના ટિયાનમેન સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ ટેન્કો ચડાવી દીધી હતી અને તેમાં અસંખ્ય વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના સમયે 5 ફોટોગ્રાફર હાજર હતા. ફોટામાં એક પ્રદર્શનકારી કોઈ પણ પ્રકારના ભય વગર ટેન્કની સામે ઊભો રહી ગયો છે. 'ટેન્ક મેન' તરીકે તસવીર પ્રખ્યાત થઈ હતી, જેને ન્યૂઝ વિકના ફોટોગ્રાફર ચાર્લી કોલેએ ખેંચી હતી. આ તસવીરને 'વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ' મળ્યો હતો.   

ભોપાલની ગેસ દુર્ઘટના

7/12
image

3 ડિસેમ્બર, 1984ના રોજ ભોપાલમાં થયેલી 'ગેસ દુર્ઘટના' દેશ કે દુનિયા ભુલી નથી. આજે પણ ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો આ ભયાવહ ઘટનાને યાદ કરતા રડી પડે છે. એ સમયે ખેંચવામાં આવેલો ફોટો એ દુર્ઘટનાની સાક્ષી પુરે છે.   

સમગ્ર વિશ્વને ડંખતો આતંકવાદનો જખમ

8/12
image

સમગ્ર વિશ્વમાં આતંકવાદ નામનો દૈત્ય ગમે ત્યારે અને ગમે ત્યાં નિર્દોષ લોકોને ભોગ બનાવે છે. આવી જ આ એક તસવીર છે. અફઘાનિસ્તાનમાં એક આતંકવાદી હુમલામાં અસંખ્ય બાળકો અને મહિલાઓ ઘાયલ થઈ હતી. આવા જ એક નાનકડા ભુલકાને પ્રાથમિક સુરક્ષા આપ્યા પછી એમ્બ્યુલન્સ તરફ લઈને દોડી રહેલો એક સુરક્ષા કર્મચારી આ તસવીરમાં દેખાઈ રહ્યો છે.   

સીરિયાના બાળકની તસવીરે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું

9/12
image

વર્ષ 2015માં સીરિયાના બાળક અયલાનની આ તસવીરે દુનિયાભરના લોકોને હચમચાવી નાખ્યા હતા. સમુદ્રના કિનારે પેટના બળે મૃત્યુ પામેલા બાળકના આ ફોટોએ દુનિયાભરના લોકોને રડાવી દીધા હતા. સીરિયામાં ગૃહયુદ્ધના કારણે પલાયન કરી રહેલા લોકોની હોડી ડૂબી જવાના કારણે અનેક લોકો સમુદ્રમાં ડુબી ગયા હતા. ડુબી ગયેલા લોકોમાં આ બાળક પણ હતો, જેનું શબ બીજા દિવસે સમુદ્ર કિનારે મળ્યું હતું. 

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો

10/12
image

અમેરિકાના વિશ્વવિખ્યાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલો આતંકવાદી હુમલો આજે પણ એક યાદગાર ઘટના છે. વિમાનમાં આરડીએક્સ ભરીને આ ટ્વીન ટાવરમાં ઘુસાડી દેવાયું હતું, જેના કારણે બંને ટાવર ધ્વસ્ત થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આ હુમલામાં અસંખ્ય લોકોનાં મોત થયા હતા.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી જીવ બચાવવા કૂદેલો વ્યક્તિ

11/12
image

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલો આતંકવાદી હુમલો સમગ્ર વિશ્વમાં '9/11 એટેક' તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં એક વ્યક્તિએ બિલ્ડિંગમાંથી જ નીચે છલાંગ લગાવી હતી, જેની તસવીર કોઈ અજાણી વ્યક્તિના કેમેરામાં ઝીલાઈ ગઈ હતી.   

ઓસામા બિન લાદેનને મારી નાખવાના નેવી સીલના ઓપરેશનને જોઈ રહેલા રાષ્ટ્રપતિ ઓબામા અને અધિકારીઓ

12/12
image

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ડર પર 2001માં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી ઓસામા બિન લાદેનના આતંકવાદી સંગઠને સ્વીકારી હતી. આથી અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા. આખરે, 2011માં અમેરિકાની નેવી સીલે એક વિશેષ ઓપરેશનમાં ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. અમેરિકાના ઈતિહાસની આ અત્યંત ગંભીર ઘટના હતી અને આ ઘટનાને એ સમયના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને નેશનલ સિક્યોરિટી ટીમના સભ્યો જોઈ રહ્યા હતા. વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફ પીટ સોઝાએ આ તસવીર ખેંચી હતી.