કેફેને પણ ટક્કર મારે છે સુરતની આ ચાની કીટલી, કાકા કડક ચા સાથે પીરસે છે મનોરંજન
Surat Tea Stall Owner Singing Songs ચેતન પટેલ/સુરત : સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલા ચાની ટપરી પર લોકો માત્ર ચા ની મજા માણવા જ નહીં પરંતુ કડક ચા ની સાથે મધુર ગીતો સાંભળવા પણ આવે છે. 60 વર્ષના વિજયભાઈ ચાની ટપરી ચલાવે છે. ચા બનાવતી વેળાએ તેઓ માઈક પર જુના ગીતો ગાતા હોય છે. જુના ગીતો ગાતા ગાતા ચા બનાવતા વિજય કાકાને જોવા માટે અને તેમની કડક ચા પીવા માટે લોકો કલાકો ઉભા રહે છે.
સામાન્ય રીતે ચાની ટપરી પર ચા બનાવનાર વ્યક્તિના હાથમાં ચા પત્તી, દૂધ સહિતની વસ્તુઓ જોવા મળે છે. પરંતુ સુરત શહેરમાં 60 વર્ષના વિજયભાઈ કે જેઓ ટપરી પર વર્ષોથી ચા બનાવી રહ્યા છે, તેમના હાથમાં આ તમામ ચીજ વસ્તુઓની સાથે માઈક પણ જોવા મળે છે. ટપરી પર સ્પીકર પણ છે જેના કારણે જ્યારે તેઓ ગીત ગાતા હોય છે, ત્યારે ત્યાં આવનાર લોકો સારી રીતે સાંભળી શકે છે.
તેઓ છેલ્લા 20 વર્ષથી સુરત શહેરના ડુમસ વિસ્તારમાં ચાની ટપરી ચલાવી રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ચા બનાવતી વેળાએ હાથમાં માઈક લઈ પ્રોફેશનલ સિંગરની જેમ જુના ગીતો ગાતા ગાતા કડક ચા બનાવે છે. નાની ટપરી પર ચા પીવા માટે આવનાર લોકોને અહી કેફેનો અનુભવ થાય છે. લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે કઈ રીતે ચા બનાવતી વેળાએ આટલી ઉંમરમાં કોઈ પ્રોફેશનલ સિંગરની જેમ સૂર અને તાલ ચૂક્યા વગર જૂના ગીતો પણ ગાય છે અને તેની સાથે ચા પણ બનાવે છે અને પીરસે પણ છે.
સુરતમાં તેઓ કાકા ટી હાઉસના નામથી પ્રખ્યાત છે. વિજયભાઈ જણાવે છે કે, તેઓ નાનપણથી જ સંગીતમાં રસ ધરાવે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ ડુમસ વિસ્તારમાં ચાની લારી ચલાવી રહ્યા છે. ગીતો ગાવાનો શોખ નાનપણથી હતો. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે ક્યારે આ ક્ષેત્રમાં આવવા માટે વિચાર્યું નહોતું. સામાન્ય રીતે ચા બનાવતી વેળાએ માઈક વગર ગીતો ગાવાનો શરૂ કર્યો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાલના સમય લોકો ઉદાસ રહેતા હતા અને ફરવા માટે જ્યારે ડુમસ આવતા અને મારા ગીતો સાંભળતા તો તેમને આનંદ થતો હતો. જેથી મેં વિચાર્યું કે લોકોને માઈક પર ગીત સંભળાવું. લોકો દૂર દૂરથી આવે છે ગુજરાતના વડોદરા, અમદાવાદ, બારડોલી, નવસારી, વ્યારા સહિત અલગ શહેરોથી લોકો આવે છે. હવે હું મારા શોખ પણ પૂર્ણ કરી શકું છું અને મારી આવક પણ એના કારણે વધી છે.
Trending Photos