ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટોય લાઈબ્રેરી, જ્યાં ભાડેથી મળશે રમકડા
Rajkot Toy Library ગૌરવ દવે/રાજકોટ : ઉનાળાનો સમય છે અને શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. મોટાભાગનો સમય બાળકો રમવામાં પસાર કરતા હોય છે. આકરા તાપમાં બાળકો ઘરની બહાર રમવા નીકળી ન શકતા હોવાથી મોબાઇલની હેબીટ થઈ જતી હોય છે. જોકે મોબાઇલની આદતમાંથી બાળકો મુક્ત થાય અને એક્ટિવિટી તરફ વળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં રમકડાંનો વિભાગ કાર્યરત છે. આ લાઈબ્રેરી રાજકોટના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પર આવેલી છે. જ્યાં બાળકોને મનગમતા રમકડા તમને ભાડા પર મળી જશે
અહીંથી રમકડા ઘરે લઈ જઈ શકાય છે
આ લાઈબ્રેરીની ખાસ વાત એ છે કે અહિંયા તમને અનેક પ્રકારના રમકડાં મળી જશે. જે બાળકોને ગમતા હોય.આ રમકડા માટે એક મહિનાની મેમ્બરશીપના 20 રૂપિયા રાખવામાં આવ્યા છે. જેથી દરેક માતા-પિતાને આ રકમ પોસાય.પણ જો રમકડા તમે લઈ ગયા હોય અને નુકસાન થાય તો તમારે તેની કિંમત ચુકવવી પડે છે.
રાજકોટ ટોયઝ લાઈબ્રેરીના ડેપ્યુટી ચીફ સુનિલભાઈ દેત્રોજાએ કહ્યું કે, રાજકોટમાં મનપા સંચાલિત રમકડાની 4 લાઈબ્રેરી કાર્યરત છે. રાજકોટમાં સૌથી પહેલી રમકડાની લાઈબ્રેરી 1988-89માં શરૂ કરવામાં આવી હતી. આજે રાજકોટમાં રમકડાની 4 લાઈબ્રેરી કાર્યરત છે. ટોય લાઈબ્રેરી માટે 2થી 13 વર્ષના બાળકો માટે મેમ્બરશીપ આપવામાં આવે છે. જેમાં દર મહિને 20 રૂપિયાનું લવાજમ ભરવાનું હોય છે. જ્યારે તમે પહેલી વખત મેમ્બરશીપ લો છો. ત્યારે તમારે 280 રૂપિયા ચુકવવા પડે છે. જેમાં 60 રૂપિયા લવાજમના, 15 રૂપિયા દાખલ ફી, 5 રૂપિયા ફોર્મ ફી અને 200 રૂપિયા ડિપોઝિટના છે. 200 રૂપિયા જે ડિપોઝિટના આપવામાં આવ્યા હોય છે .એ પૈસા જ્યારે તમે ખાતુ બંધ કરાવો ત્યારે તમને પાછા આપવામાં આવે છે. એટલે કે દર મહિને 20 રૂપિયા ભરવાના હોય છે અને આ સેવા રાજકોટ મનપા દ્વારા આપવામાં આવી રહી છે.
આ રમકડાં બાળકોના માનસિક વિકાસ કરશે
RMC ના ડેપ્યુટી ચીફ લાઈબ્રેરીયન સુનિલ દેત્રોજાએ જણાવ્યું કે, આ રમકડાની અંદર ગેમ્સ, પઝલ્સ સહિતના રમકડા હોય છે.. જેનાથી બાળકો રમી શકે.આ સાથે જ એજ્યુકેશનના ઉદેશથી એજ્યુકેશનલ ટોયઝ અને પઝલ્સ પણ રાખવામાં આવી છે.જેથી બાળકો તેનો ઉપયોગ કરી શકે છે. દર અઠવાડિયે બાળકને નવુ રમકડુ મળી શકે તે હેતુથી આ લાઈબ્રેરી ચલાવવામાં આવી રહી છે. રમકડાની સાથે સાથે અહિંયા વિવિધ પુસ્તકો, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. જેથી બાળકો રમવાની સાથે થોડો સામાન્ય નોલેજ અને અભ્યાસ પર પણ ધ્યાન આપી શકે.
રાજકોટમાં આવેલી ચારેય લાઈબ્રેરીમાં કુલ 9થી 10 હજાર જેટલા રમકડા છે.મેમ્બરશીપ લીધી હોય તેમાંથી 1200થી 1300 મેમ્બર રેગ્યુલ છે. આ રમકડાનો લાભ દરરોજ 40થી 50 લોકો લે છે.એમાં પણ વેકેશન શરૂ થાય એટલે આ સંખ્યા વધી જાય છે.
Trending Photos