ગુજરાતના આ શહેરમા પુરુષો કરે છે ગરબા, 99 વર્ષથી પરંપરા યથાવત, PHOTOs
Navratri 2023 અજય શીલુ/પોરબંદર : આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો અને ખેલૈયાઓ ખાનગી ગરબીઓમાં રમવા જવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 99 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરે કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકર વગર માત્ર દેશી ઢોલ અને મંઝીરાના નાદ સાથે ગરબા રમવામાં આવે છે. આ ગરબાની સૌથી મહત્વની વાત એ છે કે, અહી માત્ર પુરુષો જ ગરબી રમે છે અને ગરબે રમતી વખતે સૌ કોઈએ ટોપી પહેરવી ફરજીયાત છે. તો ચાલો જોઈએ પોરબંદરની આ અનોખી અને પ્રાચીન ગરબીની અન્ય શું વિશેષતા છે
રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી ખાનગી ગરબીઓનુ ચલણ વધ્યું હોય અને યુવાનોમાં પણ આવી ગરબીઓમાં જવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે પોરબંદરમાં હજુ પણ એવી પ્રાચીન ગરબીઓનુ અસ્તિત્વ છે કે જેણે આજે પણ આપણી જૂની સાંસ્કૃતિક અને પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે.પોરબંદર શહેરમાં પ્રાચિન ગરબીની વાત આવે ત્યારે સૌ કોઈના મુખમાંથી એક જ નામ નીકળે છે અને તે છે ભ્રદ્રકાલીની ગરબી.
છેલ્લા 99 વર્ષથી યોજાતી આ ગરબીની ખાસિયત એવી છે કે, આ ગરબીમાં ફક્ત પુરુષો જ રમે છે અને કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ઈલેકટ્રોનિક યંત્રોનો ઉપયોગ વગર હાર્મોનિયમ અને દેશી ઢોલ અને મંજીરાના નાદ સાથે ગરબે રમવામાં આવે છે.આ ગરબીમાં રમતા પુરુષો ભ્રદ્રકાલી માતાજીના ગરબા સ્વમુખે ગાય છે તો સામે યુવાનો પણ ગરબે ઘૂમતા-ઘૂમતા આ ગરબાને સ્વમુખે ઝીલતા જાય છે અને રમતા જાય છે.આ ગરબીની સૌથી વધુ આશ્ચર્ય વાત જો કોઈ હોય તો તે છે ટોપી.
જી હા ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે. ગરબે રમતા ટોપી પહેરવાના કારણ અંગે જ્યારે ગરબીના આયોજકને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ એવુ જણાવ્યુ હતુ કે, પહેલાના સમયમાં જ્યારે કોઈ શુભ કાર્ય થતું ત્યારે લોકો ટોપી પહેરતા તેથી અહીની ગરબીમાં પણ માતાજીની અમાન્યા જળવાઈ રહે તેવા હેતુથી ગરબીમાં ટોપી પહેરવી ફરજીયાત હોવાનુ આયોજક રામજી બામણીયાએ જણાવ્યુ હતુ.
આજે ખાનગી ગરબીઓમાં મોંઘી ટીકીટો ખર્ચીને ગરબા રમવા જતા મોટા ભાગના યુવાનોમાં નિસ્વાર્થ અને દેશી પરંપરાગત ગરબે રમવાને બદલે તેઓને પ્રિન્સ-પ્રિન્સેસનો ખિતાબ મળે તે માટે રમતા જોવા મળે છે.ત્યારે પોરબંદરની ભદ્રકાલી ગરબીમાં દરકે વયના લોકો ખાનગી ગરબીઓમાં રમવા કે જોવા જવાને બદલે પોરબંદરની ભદ્રકાલી મંદિર જેવી પ્રાચીન ગરબીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી રમતા જોવા મળી રહ્યા છે.અને અહી રમીને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે તો આ જ પરંપરાને આગળ પણ જાળવી રાખશે તેવું જણાવી રહ્યા છે
આપણી સંસ્કૃતિની ધરોહર સમાન ભદ્રકાલી ગરબીને નિહાળતા એટલું જરૂર કહી શકાય કે,અહી ખેલૈયાઓ ગરબી રમાવાની સાથે માતાજીની આરાધના પણ કરતા હોય તેવી અનુભૂતિ થાય છે તેથી આવી સાંસ્કૃતિક ગરબીઓ આવનારી પેઢી જોઈ શકે તે માટે આવી ગરબીઓ ચાલુ રહે તેમજ યુવાનો પણ આ ગરબીમાં રમીને આપણો વારસો જાળવે તે જરૂરી છે
Trending Photos