લોકડાઉનમાં ફી માંગીને શરમ નેવે મૂકતી ખાનગી શાળાઓ કંઈક શીખે આ સરકારી શાળા પાસેથી....

શાળાના બાળકોના અભ્યાસને લઈને આટલું વિચારતા આ શિક્ષકોની શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીએ પણ પ્રશંસા કરી છે

મિતેશ માળી/વડોદરા :કોરોનાની મહામારી વચ્ચે પોતાની ચિંતા કર્યા વગર પાદરાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોની ચિંતા કરી છે. મોંઘાદાટ શિક્ષણને ટક્કર મારે તેવી શાળાની કામગીરીના લોકોએ વખાણ કર્યા છે. કોરોનાની મહામારીમાં શિક્ષકોએ પોતાના સ્વ ખર્ચે બાળકોના ઘરે જઈને જ્ઞાન પિરસ્યું છે. ગરીબ વર્ગના ટીવી કે મોબાઈલથી શિક્ષણ ન મેળવી શકતા બાળકોના ઘરે શિક્ષણ આપી બાળકો સાથે રહી 6 મહિના શિક્ષણ આપતા શિક્ષણ જગતમાં આગવું સ્થાન બનાવ્યું છે. શાળાના બાળકોના અભ્યાસને લઈને આટલું વિચારતા આ શિક્ષકોની શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીએ પણ પ્રશંસા કરી છે. 

શિક્ષણને ધંધો બનાવનારાઓને મોટો તમાચો

1/5
image

લક્ઝુરિયસ શાળાઓએ શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે. આવા ઉદ્યોગકારો માટે પાદરાના એક નાનકડા ગામની શાળાએ શીખવા જેવું છે. પ્રાઇવેટ શાળાઓએ જ્યારે શાળા ફીને લઈ શિક્ષણ બંધ કરી દીધું હતું, જેને લઇ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી હતી. ત્યારે પાદરાની એક સરકારી શાળા ગરીબ વિદ્યાર્થીઓના મદદે આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે પાદરા તાલુકાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર આખા વર્ષનું શિક્ષણ બાળકોને ઘરે બેઠા આપ્યું છે. 

બે ટંક જમવાનું માંડ મળે ત્યાં સ્માર્ટફોન ક્યાંથી લાવે

2/5
image

પરિવારનો સભ્ય જ્યારે પોતાના પરિવાર માટે મજૂરી કરી માંડ પરિવારનું ભરણપોષણ કરતો હોય, ત્યારે મોબાઈલ કે ટીવી કેવી રીતે ખરીદી શકે. તો બીજી તરફ પોતાના ઘરમાં વીજળીનું કનેક્શન પણ ન હોઈ તો ડિજિટલ અભ્યાસ કેવી રીતે મેળવી શકે. આવી અનેક સમસ્યાઓ સામે ગરીબ વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યા હતા. આ બાળકોની ચિંતા ધોરીવગા શાળાના શિક્ષકોએ કરી હતી. શિક્ષકોએ લોકડાઉન દરમિયાન તમામ વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને શિક્ષણ આપ્યું. અત્યાર સુધીનો અભ્યાસ ક્રમ માત્ર ધોરી વગાની શાળાએ પૂર્ણ કર્યો છે. વાલીઓ પણ આ અભિગમને બિરદાવી રહ્યા છે. 

પ્રોજેક્ટર લઈને શિક્ષકો પહોંચી જતા બાળકોના ઘરે

3/5
image

પાદરા તાલુકાના નરસિંહ પુરા ગામે આવેલી ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકો ડિજિટલ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓના ઘરે જ પ્રોજેક્ટર સહિતના ડિજિટલ માધ્યમનો લઈને પહોંચી જાય છે. આ વિશે શાળાના આચાર્ય દિલીપસિંહ પઢીયાર કહે છે કે, તમામ બાળકોને કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે શિક્ષણ આપવામાં આવ્યું છે.  

મુખ્યંમંત્રીએ શાળાના વખાણ કર્યાં

4/5
image

શાળામાં અલગ અંદાજને લઇ રાજ્ય સહિત જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ધોરી વગા પ્રાથમિક શાળા રહે છે. શૈક્ષણિક પ્રવૃતિઓને લઈ શાળામાં પ્રાઇવેટ સ્કૂલોના બાળકો પણ અભ્યાસ કરવા માટે એડમિશનની લાઈન લગાવે છે. ધોરી વગા પ્રાથમિક શાળાના કોરોના મહામારીના આ અભિગમ અને કાર્યને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવ્યું છે. 

5/5
image

શાળાની ધોરણ 8 માં અભ્યાસ કરતી જાનું પરમાર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી હતી. ગુજરાતી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કડકડાટ અંગ્રેજીમાં વાત કરતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે વીડીયોમાં પણ નજરે પડે છે.