નવરાત્રિ પહેલા માતાના મઢમાં ચમત્કાર! આશાપુરા માતાની મૂર્તિના મુખારવિંદમાં થયો ફેરફાર, અલૌકિક ઘટના
Kutch News કચ્છ : ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં નવરાત્રી પહેલા ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન પહેલા મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં ફેરફાર થયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. નિજ મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિ બિરાજમાન છે. જેમાં ડાબી સાઈડની મૂર્તિમાં મુખારવિંદમાં ફેરફાર થયો હોવાની ચર્ચા વહેતી થઈ છે. ત્યારે આ સમાચાર વાયુવેગે પ્રસરતા માઇ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
ભુજના આશાપુરા મંદિર ખાતે અલૌકિક ઘટના
મંદિરના પૂજારી જનાર્દન રાવલના જણાવ્યા પ્રમાણે, રાતોરાત માતાજીના વાઘા અને ઘરેણા બદલાઈ ગયા: અલૌકિક ઘટનાને પગલે ભુજ સહિત આશાપુરા માના ભક્તોમાં અનોખો રોમાંચ જોવા મળ્યો. હાલ નવરાત્રી ચાલી રહી છે અને માતાના મઢ ખાતે હજારો લોકો પગપાળા જઈ રહ્યા છે ત્યારે આ ઘટના બની.
નવરાત્રિમાં ભક્તો માટે બન્યું આસ્થાનું કેન્દ્ર
કચ્છના કુળદેવી એવા આશાપુરા માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન પણ માતાજીના દર્શન કરવા માટે ભક્તો પદયાત્રા કરીને મંદિર સુધી પહોંચતા હોય છે. તો અહીં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
474 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરાઈ હતી
આ મંદિર ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલું છે, જે કચ્છના રાજા ખેંગારજી પહેલાએ 474 વર્ષ પહેલાં ભુજની ખીલી ખોદી અને ભુજ શહેર રચાયું ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મૂળ માતાના મઢ મંદિરમાં જે સ્થાપત્ય છે અને માતાજીની સ્થાપના થયેલી છે, ત્યાં દર ચંદ્રના મહારાવ માતાના મઢ જતા હતા, પરંતુ ત્યાં સુધી ન જઈ શકે એવા લોકોને ધ્યાનમાં લઇને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
મંદિરમાં 2 મૂર્તિઓ પૂજવામાં આવે છે
હાલ આ ભવ્ય મંદિરમાં આશાપુરા માતાજીની 2 મૂર્તિઓ બિરાજમાન છે, જેની એક ઐતિહાસિક ઘટના છે. કચ્છના રાઓશ્રી રાયધણજી બીજા (વિ.સં 1835-1870)એ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું. આ મનસુબાની જાણ પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિ લઇ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. તેમ જ આ મનસુબાની જાણ કચ્છના જાડેજા ભાયાતોને અને અંજારના દિવાન લોહાણા મેઘજી શેઠને થતા, તેઓ પોતાના લશ્કર સાથે ભુજ આવી રાઓશ્રી રાયધણજીને કેદ કર્યો હતો. કચ્છની પ્રજાએ બળવો કરતા “બારાભાયા" રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આશાપુરા મંદિરમાં માતાજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતી હતી. તેની જાણ પૂજારીને થતા તેઓ મૂર્તિ લઈ આવતા તે મૂર્તિ પણ કરી મૂળ જગ્યાએ સ્થાપી તેની પણ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.આમ આશાપુરા માતાજીની બે મૂર્તિઓ પુજવામાં આવે છે.
નવરાત્રિ પહેલા કરાઈ મંદિરની સાફસફાઈ
ચોમાસા બાદ હવે માતાજીના મહા આરાધના પર નવલા નોરતાં આવી રહ્યા છે ત્યારે કચ્છની નવરાત્રીના કેન્દ્રબિંદુ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેના જણાવ્યા પ્રમાણે દર વર્ષે સમગ્ર મંદિર પરિસરની તેમજ મંદિરમાં બીજા બિરાજમાન માં આશાપુરાની મૂર્તિ,દાગીના,માના આસન એવા મયૂરાસન, ચાંદીના કમાડ,ઘંટ,અન્ય પૂજાપાની સામગ્રી, પ્રસાદના થાળ સહિતની પવિત્ર પૂજાપાની વસ્તુઓની હબલ સફાઈ કરવામાં આવે છે. આ હર્બલ સફાઈમાં બજારુ ફિનાઈલ, અન્ય જંતુનાશક દવાઓ કે એસિડ જેવી જણસોનો ઉપયોગ કરવાને બદલે આ સફાઈ કાર્ય પલાળેલા અરીઠાના પાણી, લીમડો-તુલસી અને લીંબુ જેવા પ્રાકૃતિક દ્રવ્યોની મદદથી આ સફાઈ કાર્ય સંપન્ન કરવામાં આવે છે.
સોની પરિવાર કરે છે ખાસ કામ
ભુજના સોની સમાજ દ્વારા છેલ્લા ૧૫૦ વર્ષોથી આ કાર્ય હાથ ધરે છે. સોની સમાજના અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ પવિત્ર કાર્ય માટે સોની યુવકોની એક ખાસ ટુકડી બનાવાય છે જે સમગ્ર પરિસરની નવરાત્રી પૂર્વેના દિવસોમાં પ્રણાલીગત સફાઈ કરે છે. નવરાત્રીના પર્વના પ્રારંભ થવાની આડે હવે જયારે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે અત્યારથી જ ભુજના આશાપુરા મંદિરનો સમગ્ર વિસ્તાર ધમધમી ઉઠ્યો છે.
Trending Photos