Photos : અમદાવાદીઓ માટે આજથી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ, સ્કેનિંગ કરીને ગ્રાહકોને એન્ટ્રી અપાશે
ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદના Gmdc ગ્રાઉન્ડ પર આજથી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. Amc અને રાજ્યના સહકાર વિભાગ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યું છે. રાજ્યના કેરીના વેપારીઓ 100 સ્ટોલ મારફતે અમદાવાદીઓને કેરીઓનું વેચાણ કરશે. અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે સવારે ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું. આ ફેસ્ટિવલમાં આજથી લઇને 15 દિવસ કેરીઓનું ચાલશે.
મેન્ગો ફેસ્ટિવલમાં લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. બે સ્ટોલ વચ્ચે અંતર રાખીને સ્ટોલ ઉભા કરાયા છે.
એક સ્ટોલમાં એક જ વેપારી અને ગ્રાહકને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ફેસ્ટિવલમાં ગ્રાહકોની ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ગ્રીલ લગાડવામાં આવી છે.
મેંગો માર્કેટમાં પ્રવેશ કરનાર તમામ ગ્રાહકનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સેનેટાઇઝરથી હેન્ડ વોશ કર્યા બાદ માર્કેટમાં ગ્રાહકોને પ્રવેશ અપાય છે.
ફેસ્ટિવલ પહેલા તમામ ખેડૂત અને કેરીના વેપારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. આમ આ ફેસ્ટિવલમાં ગ્રાહકોની સલામતીના તમામ પગલા લેવાયા છે.
જોકે, ફેસ્ટિવલના ઉદઘાટન પહેલા જ કેરીઓનું વેચાણ શરૂ થઈ ગયું હતું. ખેડૂત અને વેપારી તથા ગ્રાહકો પહોંચ્યા હોવાથી વેચાણ શરૂ કરાયું હતું. મેંગો માર્કેટનો સમય સવારે 8 થી સાંજે 4 કલાક સુધીનો જ હોવાથી ગ્રાહકોને ધક્કો ન પડે તે માટે વેચાણ શરૂ કરાયાનો તંત્રએ દાવો કર્યો છે.
Trending Photos